હાર્દિક રાજકીય રાહ નક્કી કરશે:કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ આવતી કાલે હાર્દિક મોટો ધડાકો કરી શકે છે, સવારે 11 વાગે અમદાવાદમાં પત્રકાર પરિષદનું આયોજન

અમદાવાદએક મહિનો પહેલા
રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ. - Divya Bhaskar
રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ.

પાટીદાર અનામત આંદોલનથી ઊભરેલા હાર્દિક પટેલે માત્ર 1161 દિવસમાં જ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. હાર્દિક પટેલે કાર્યકારી પ્રમુખ સહિતના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું છે. જોકે રાજીનામું આપવા સમયે તેની પંજાબના ચંદીગઢમાં હાજરી હતી અને આ હાજરી ઘણી સૂચક માનવામાં આવે છે. હાર્દિકે રાજીનામું આપતાં પહેલાં રાહુલ ગાંધીને મળવા માટે સમય માગ્યો હતો, પરંતુ રાહુલ ગાંધીને મળવાનો સમય ન મળતાં રાજીનામું ધરી દીધું હતું. એટલું જ નહીં, આવતીકાલે હાર્દિક પટેલ મોટો ધડાકો કરશે, સવારે 11 વાગે અમદાવાદમાં પત્રકાર પરિષદનું આયોજન છે.જ્યાં તેમનું રાજકીય ભવિષ્ય નક્કી થઈ શકે છે.

રાહુલ ગાંધીને મળવા ખૂબ પ્રયાસો કર્યા, પણ સમય ન આપ્યો
ગુજરાત કોંગ્રેસથી નારાજ યુવા નેતા અને કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલે સમાધાન માટે સતત પ્રયત્નો કર્યા હતા, એમાં પણ તેમની નારાજગી મામલે રાહુલ ગાંધીને મળવા માટે પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ રાહુલ ગાંધીએ હાર્દિકને મળવાનો સમય તો ઠીક, ગુજરાત આવ્યા ત્યારે તેમણે હાર્દિકથી અંતર રાખવાનું શરૂ કરી દીધું હતું. એની સાથે સાથે કૉંગ્રેસની ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરીની ગંભીર નોંધ કૉંગ્રેસ હાઇકમાન્ડે લીધી હતી.

તાજેતરમાં દાહોદમાં યોજાયેલા આદિવાસી કાર્યક્રમમાં રાહુલ ગાંધી સાથે હાર્દિક પટેલ.
તાજેતરમાં દાહોદમાં યોજાયેલા આદિવાસી કાર્યક્રમમાં રાહુલ ગાંધી સાથે હાર્દિક પટેલ.

નવા પક્ષના સાથની ગોઠવણ કરવા ચંદીગઢ ગયા હતા
કૉંગ્રેસ સાથેના વધતા જતા સતત અંતરની સાથે વિધાનસભા ચૂંટણી પહેલાં નવા પક્ષના સાથની ગોઠવણ કરવા માટે હાર્દિક પટેલ પંજાબના ચંદીગઢ ખાતે ગયા હતા, જ્યાંથી આજે સવારે જ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી ધડાકો કર્યો હતો. આમ, પંજાબમાં બેસીને હાર્દિકે અચાનક જ રાજીનામું આપી દેતાં અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.

દાહોદમાં સ્ટેજ પર સાથે હતા છતાં રાહુલ વન-ટુ-વન ન મળ્યા
હાર્દિક પટેલની કોંગ્રેસના નેતૃત્વ સાથે વધતી તિરાડનો નમૂનો તાજેતરમાં જ જોવા મળ્યો હતો. એમાં ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ પાટીદાર નેતા હાર્દિક પટેલ સાથે વન-ટુ-વન બેઠક કરવાનું ટાળ્યું હતું. દાહોદમાં આયોજિત આદિવાસી રેલીમાં રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ એક જ સ્ટેજ પર હતા, કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓના જણાવ્યા અનુસાર, કેટલાક દિવસથી હાર્દિક દ્વારા જે રીતે જાહેરમાં કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે એનાથી રાહુલ ગાંધી ખુશ નથી.

14 એપ્રિલે કહ્યું હતું કે કોંગ્રેસમાં હેરાનગતિ થઈ રહી છે
14 એપ્રિલના રોજ PTI સાથેની ખાસ વાતચીતમાં હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હોવાનો અને રાહુલ ગાંધી સુધી પોતાની ફરિયાદ કર્યાનું જણાવ્યું હતું. જોકે તેમની ફરિયાદને ગંભીરતાથી ન લેતાં પાર્ટી છોડે તેવા સંકેત આપ્યા હતા. હાર્દિક પટેલે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે મને એટલો હેરાન કરવામાં આવે છે કે હું બહુ ખરાબ અનુભવું છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે કે હું પાર્ટી છોડી દઉં. મને દુઃખ છે કે રાહુલ ગાંધીને ઘણીવાર પરિસ્થિતિની જાણ કરી, પરંતુ કોઈ પગલાં લેવાયાં નથી.

દાહોદમાં જગદીશ ઠાકોર અને રાહુલ ગાંધી સાથે હાર્દિક.
દાહોદમાં જગદીશ ઠાકોર અને રાહુલ ગાંધી સાથે હાર્દિક.

23 એપ્રિલથી સોશિયલ મીડિયા પર સંકેતો આપ્યા
ત્યાર બાદ 23 અને 25 એપ્રિલે એમ બેવાર વ્હોટ્સએપ ડીપી બદલ્યા હતા. એમાં પણ 25 એપ્રિલે મૂકેલા ડીપીમાં કેસરી ખેસ સાથેનો ફોટો જોવા મળતાં ભાજપમાં જોડાવાની અટકળો ચાલી હતી. 2 મેના રોજ પણ હાર્દિકે ટ્વિટર એકાઉન્ટ પર પોતાના કોંગ્રેસના હોદ્દાને દૂર કર્યો હતો. ટ્વિટર પર હાર્દિક પટેલે કાર્યકારી અધ્યક્ષ ગુજરાત કોંગ્રેસ લખ્યું હતું. જોકે અચાનક જ હટાવી દીધું હતું. પટેલે પોતાની તસવીર સાથે પંજાને તેમણે એમ રાખીને વિવાદોને વધતો અટકાવવા પ્રયાસ કર્યા હતા.

15 મેએ કહ્યું હતું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર
ખોડલધામમાં આજે પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધબારણે બેઠક યોજી હતી. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈપણ પાર્ટીની અંદર કોઈપણ નેતા હોય તેની જવાબદારી નક્કી હોય છે. આજે હું ગુજરાતનો કાર્યકારી પ્રમુખ છે તો મારી જવાબદારી નક્કી હોય ને. નરેશભાઈ કોંગ્રેસમાં આવશે તો મારી નારાજગી દૂર થશે, પછી તો મારે તેની સાથે જ ચર્ચા કરવાની થશે. કરણીસેનાની એકતાયાત્રા પણ ખોડલધામ પહોંચી હતી, જેનું સ્વાગત નરેશ પટેલે કર્યું હતું.