તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધર્સ ડે સ્પેશિયલ:સાંજે ઘરે જાવ તો ૩ વર્ષની દીકરી ભેટવા આવે ત્યારે હું તેનાથી દૂર ભાગું છું: ડૉ.ધ્રુશી પટેલ

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: આનંદ મોદી
  • કોરોનાકાળમાં વાર તહેવાર જોયા વિના જ વોરિયર્સ ખડેપગે રહ્યા તો બીજી તરફ માતાની પણ ફરજ નિભાવી
  • ડૉ.ધ્રુશી પટેલ ગુજરાત ઇમેજિંગ સેન્ટરમાં રેડીયોલોજિસ્ટ તરીકે ફરજ નિભાવે છે

કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે, આજે મધર્સ ડે છે. પરંતુ આપણા કોરોના વોરિયર્સ દિવસ રાત દર્દીની સારવાર કરવાની સાથે સાથે માતા તરીકેની પણ ફરજ બજાવી રહ્યા છે. અમદાવાદના ડોક્ટર ધ્રુશી પટેલ સતત 1 વર્ષથી ખડેપગે રહીને કોરોના સામેની લડત લડી રહ્યા છે. તેની સાથે સાથે જ 2 દીકરીઓની માતા હોવાની પણ ફરજ બજાવી રહ્યા છે.

માં તરીકેની ફરજ પહેલા નિભાવે છે ડોક્ટર ધ્રુશી
બાળકોને સૌથી વધુ જરૂર માતાની રહે છે, તેમાં પણ દીકરીઓને માતા સૌથી વધુ વ્હાલી હોય છે ત્યારે માતા પણ બાળકોની સાથે વધુમાં વધુ સમય રહે છે અને તેમની જરૂરિયાતો પૂરી પાડે છે. ડૉ.ધ્રુશી પટેલ ગુજરાત ઇમેજિંગ સેન્ટરમાં રેડીયોલોજિસ્ટ તરીકે ફરજ નિભાવે છે. ડૉ.ધ્રુશીને 2 દીકરી છે જેમાંથી મોટી દીકરી મિશ્કા 6 વર્ષની અને નાની દીકરી પરીની ૩ વર્ષની છે. બંને દીકરીઓ નાની હોવાથી માની જરૂર રહે છે. ડૉ. ધ્રુશી માં તરીકે સૌ પહેલા ફરજ નિભાવે છે જેમાં મોટી દીકરી સ્કૂલમાં ભણતી હોવાથી તેને ઓનલાઈન ક્લાસ તથા અભ્યાસ અંગેની તમામ જાણકારી રાખે છે અને સમયસર બધું યાદ કરાવે છે અને નાની દીકરી 3 વર્ષની હોવાથી તેની પણ જરૂરિયાતોનું ધ્યાન રાખે છે.

ફરજ દરમિયાન ડો.ધ્રુશી પટેલ
ફરજ દરમિયાન ડો.ધ્રુશી પટેલ

બન્ને દીકરીના જન્મના 6 મહિનામાં જ નોકરી શરૂ કરી હતીઃડો. ધ્રુશી
આ અંગે ડૉ. ધ્રુશીએ જણાવ્યું હતું કે મારી બંને દીકરીના જન્મ બાદ 6 માસની થતા જ મેં નોકરી શરુ કરી દીધી હતી. મારા પરિવારનો સારો સપોર્ટ મળતો હોવાથી બંને દીકરી સારી રીતે સચવાય છે. અત્યારે કોરોનાને કારણે ઓનલાઈન શિક્ષણ હોવાથી દીકરીઓ ઘરે વધુ સમય રહે છે. ગત વર્ષે આટલા કેસ ન હોવાને કારણે ઘરે સમય આપી શકતી હતી. કેટલાક કિસ્સા એવા બને જ યાદગાર પણ રહી જાય જેને કારણે ઘરે રહેવાનું વધુ ગમે.

મિશ્કા અને પરીની સાથે ડો.ધ્રુશી પટેલ
મિશ્કા અને પરીની સાથે ડો.ધ્રુશી પટેલ

‘દીકરીએ તૈયાર કરેલી કવિતા સારી રીતે સાંભળી શકી નહીં’
ગત અઠવાડીયે મોટી દીકરીની સ્કૂલમાં ઓનલાઈન પ્રી-પ્લાન મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાલીઓએ પણ ભાગ લેવાનો હતો. પરંતુ અત્યારે રજા લઇ શકાય તેમ નથી, જેથી હોસ્પિટલમાંથી જ ઓનલાઈન ભાગ લીધો હતો. પરંતુ મારી દીકરીએ કવિતા તૈયાર કરી હતી. જે હું સારી રીતે સાંભળી શકી નહોતી ત્યારે દીકરીએ કહ્યું કે મમ્મા તમે મને સાંભળી જ નહીં, ત્યારે મેં કહ્યું કે તે તૈયારી સારી જ કરી હશે અને હું ઘરે આવીને તારી કવિતા સાંભળીશ અને મેં ઘરે જઈને કવિતા સાંભળી. પરંતુ મને મનમાં થયું કે હું આજે ઘરે હોત તો સારું હોત.

દીકરી અને પતિ સાથે ડો.ધ્રુશી પટેલ
દીકરી અને પતિ સાથે ડો.ધ્રુશી પટેલ

‘મમ્મા, બુમ પાડીને બહાર જ આવે ત્યારે હું દૂરથી તેને અટકાવી દઉ’
અત્યારે કોરોનાના કેસ વધુ છે અને હોસ્પિટલમાં રહેવાને કારણે અનેક લોકોના સંપર્કમાં આવું છું. સાંજે ઘરે જાવ ત્યારે નાની દીકરી હાથ ફેલાવીને મને ભેટવા તૈયાર હોય અને મમ્મા બુમ પાડીને બહાર જ આવે ત્યારે હું દૂરથી તેને અટકાવી દઉ અને હાથ ઊંચા કરીને ફ્રેશ થયા બાદ જ બધાને મળું છું. બાળકોનો ઉત્સાહ હોય કે હું આવું અને મને ભેટી પડે. પરંતુ હાલ આવી પરિસ્થિતિમાં યોગ્ય નથી. હવે બાળકોને પણ આદત પડી ગઈ છે.

કોરોના વોરિયર્સ તરીકે ડૉ.ધ્રુશીએ અનેક લોકોનું કન્સલ્ટીંગ કરવાનું કામ કરે છે. વિદેશના પણ કેટલાક ડોક્ટર સાથે સંપર્કમાં રહીને સતત અભ્યાસ પણ ચાલુ છે ત્યારે આવી મહામારીમાં પોતાને કોરોનાથી બચાવીને પરિવાર પણ સાચવવાનો. આમ એક જ મહિલાએ અલગ અલગ રોલ પ્લે કરવા ખુબ મુશ્કેલ છે. ત્યારે આવી માતા જે કરે છે તેનાથી અન્ય મહિલાઓને પણ પ્રેરણા મળશે.

અન્ય સમાચારો પણ છે...