મોદીના ખાસ છે લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર:એન્કાઉન્ટર કેસમાં અમિત શાહને ગુજરાતમાં પ્રવેશબંધી થઈ ત્યારે તેમનું ગૃહ રાજ્યમંત્રીપદ પ્રફુલ્લ પટેલને મળ્યું હતું

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન મોદી અને પ્રફુલ્લ પટેલ ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
વડાપ્રધાન મોદી અને પ્રફુલ્લ પટેલ ( ફાઈલ ફોટો)
  • પ્રથમ વખત જ ધારાસભ્ય બનેલા પ્રફુલ્લ પટેલને પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી
  • 2010માં મોદી સરકારની એન્કાઉન્ટરની આફત સમયે પ્રફુલ્લ પટેલે ગૃહમંત્રીપદેથી ડેમેજ કંટ્રોલરની ભૂમિકા ભજવી હતી
  • માત્ર બે વર્ષ સુધી મોદી સરકારના સાથી રહી ચૂકેલા પ્રફુલ્લ પટેલને મોદી વડાપ્રધાન બન્યા બાદ એડમિનિસ્ટ્રેટરની જવાબદારી આપી હતી

લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે, મોદી અને શાહના નજીકના મનાતા પ્રફુલ્લ પટેલ એક સમયે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદીની સરકારમાં ગૃહ રાજ્યમંત્રીપદે હતા અને એ સમયે સરકાર સામે એન્કાઉન્ટરનો વિવાદ સર્જાયો હતો, જેમાં તેમણે પણ એક ડેમેજ કંટ્રોલર તરીકે ભૂમિકા ભજવી હતી. ગુજરાતના સક્રિય રાજકારણમાં આવેલા પ્રફુલ્લ પટેલ 2007ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે કૉંગ્રેસના ધુરંધર ઉમેદવાર સી. કે. પટેલને પરાજય આપ્યો હતો અને પ્રથમ વખત હિંમતનગરના ધારાસભ્ય બન્યા હતા.

2012માં પ્રફૂલ્લ પટેલ ધારાસભાની ચૂંટણી હારી ગયા
એન્કાઉન્ટર કેસમાં નરેન્દ્ર મોદીના ખાસ એવા ગૃહ રાજ્યમંત્રી અમિત શાહને ગુજરાતની બહાર રહેવાના(તડીપાર) આદેશ અપાયા હતા અને એ સમયે મોદી સરકાર પર આફત આવી પડી હતી. એ જ સમયે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમિત શાહના અનુગામી તરીકે 2010થી 2012 દરમિયાન તેમને રાજ્યના રાજ્યકક્ષાના ગૃહમંત્રી બનાવ્યા હતા. પ્રફુલ્લ પટેલની સૌથી મોટી સિદ્ધિ એ હતી કે તેઓ પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા હતા છતાં તેમને ગૃહ રાજ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યાર બાદ 2012માં તેઓ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. એ પછી તેઓ રાજકારણમાં ખાસ સક્રિય ન હતા છતાં કામ કરવાની તેમની પદ્ધતિથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ પ્રભાવિત હતા.

મોદી અને અમિત શાહ પ્રફુલ્લ પટેલની કામગીરીથી પ્રભાવિત હતા ( ફાઈલ ફોટો)
મોદી અને અમિત શાહ પ્રફુલ્લ પટેલની કામગીરીથી પ્રભાવિત હતા ( ફાઈલ ફોટો)

પ્રફૂલ્લ પટેલના પિતા સંઘમાં સક્રિય હતા
નરેન્દ્ર મોદી સાથેના અંગત સંબંધો અંગે ઉત્તર ગુજરાતના નેતાઓનું કહેવું હતું કે પ્રફુલ્લ પટેલને રાતોરાત મંત્રીપદ મળ્યું ન હતું, પરંતુ તેમના પિતા ખોડાભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સક્રિય હતા. મોદીનો તેમના સાથે વર્ષોથી ઘરોબો હતો. પરિણામે, પફુલ પટેલે પણ સંગઠન સ્તરે કરેલી કામગીરીને આધારે તેમને 2007માં અને વહીવટી કામગીરીને આધારે 2012માં વિધાનસભાની ટિકિટ મળી હતી. પ્રફુલ્લ પટેલ ઉત્તર ગુજરાતમાં બહુમતી ધરાવતા પાટીદાર સમાજના આગેવાન તરીકે પણ વર્ચસ્વ ધરાવતા હતા.

સ્થાનિક સાંસદ સ્વઃ મોહન ડેલકર અને પ્રફુલ્લ પટેલ.
સ્થાનિક સાંસદ સ્વઃ મોહન ડેલકર અને પ્રફુલ્લ પટેલ.

મોહન ડેલકર આત્મહત્યા કેસમાં નામ ઊછળ્યું હતું
ત્યાર બાદ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આવ્યા બાદ 2016માં પ્રફુલ્લ પટેલને દીવ-દમણ અને દાદરા-નગરહવેલીના એડમિનિસ્ટ્રેટર તરીકે મૂકવામાં આવ્યા હતા, એ પછી ડિસેમ્બર 2020થી લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર તરીકેની પણ જવાબદારી સોંપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન દીવ-દમણ અને દાદરા-નગરહવેલીના એડમિનિસ્ટ્રેટરના કાર્યકાળ દરમિયાન પ્રફુલ પટેલની કામગીરી સામે અનેક વિવાદ અને આક્ષેપો થયા હતા, ખાસ કરીને ચૂંટણીમાં પણ પ્રફુલ્લ પટેલનો વિવાદ સર્જાયો હતો. એ પછી 2021માં જ સ્થાનિક સાંસદ મોહન ડેલકરના આત્મહત્યા કેસમાં પણ પ્રફુલ પટેલનું નામ ઊંછળ્યું હતું.