જાણભેદુ ચોર:અમદાવાદમાં જવેલર્સ માલિકે ચોરી-લૂંટથી બચવા પૈસા અને દાગીના પાણીના જગમાં મુક્યા તો ચોર જગ ચોરી કરી ફરાર થઇ ગયો

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દુકાનદાર દુકાન બંધ કરતો હતો ત્યારે જગ બહાર ઓટલા પર મૂકી દીધો હતો

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક નવા પ્રકારની જ ચોરીની ઘટના બની છે. જ્વેલર્સના માલિકે ચોરી અને લૂંટફાટના ડરથી દિવસ દરમ્યાન થયેલા વકરાના રોકડા રૂપિયા અને સોના-ચાંદીના દાગીના પાણી ભરવાના જગમાં મુક્યા હતા. તે જગની જ કોઈ અજાણી વ્યક્તિ ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. રાતે દુકાન બંધ કરતી વખતે જગ બહાર ઓટલા પર મૂક્યો હતો. દુકાનદાર જ્યારે દુકાન બંધ કરી રહ્યો હતો ત્યારે પાણી ભરવાનો જગ ચોરાઈ ગયો હતો આ મામલે ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઓઢવ વિસ્તારમાં આવેલી દર્શન સોસાયટીમાં વિશાલભાઈ જૈન પરિવાર સાથે રહે છે. વિશાલભાઈ ઓઢવ કડિયાનાકા પાસે પાયલ જ્વેલર્સ નામે દુકાન ધરાવી અને વ્યવસાય કરે છે. બે દિવસ પહેલા રાત્રે તેઓ ઘરે જતા હતા ત્યારે દિવસ દરમિયાન થયેલા વકરાના રૂ. 35,000 તેમજ સોના અને ચાંદીના રૂ. 15000ના દાગીના તેઓને ઘરે લઈ જવાના હતા. જેથી પાણીના જગમાં તેઓએ આ પૈસા અને દાગીના મુક્યા હતા. તેઓએ દુકાનના બહાર ઓટલા ઉપર પાણીનો જગ મૂક્યો હતો અને દુકાન બંધ કરવા માટે તેઓ ગયા હતા.

દુકાન બંધ કરીને પરત આવ્યા ત્યારે પાણીનો જગ ગાયબ જોવા મળ્યો હતો. આ મામલે વિશાલભાઈએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...