ભાસ્કર એક્સક્લુઝિવ:ઘઉંની નિકાસ પર પ્રતિબંધ ગુજરાતમાં ખેડૂતો બચી ગયા, પણ લોકોને ઘઉં મોંઘા પડ્યાં

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોનો પ્રશ્ન : ઘઉંની સીઝન પત્યા પછી પ્રતિબંધ શું કામનો?
  • સીઝનમાં 3500-4400માં ઘઉં ભરનારા લોકો ભરાયા: નિકાસ પ્રતિબંધથી ભાવ 20-30% ઘટશે

કેન્દ્રએ લાદેલા ઘઉં નિકાસ પ્રતિબંધથી ગુજરાતમાં ખેડૂતોને ખાસ અસર નહીં થાય કારણ કે મોટાભાગનાં ખેડૂતો સીઝનનાં ઘઉં વેચીને બેઠા છે. જોકે આ પ્રતિબંધને પગલે જે લોકોએ સીઝનમાં ઘઉં ભરી લીધા છે તે ફસાઇ ગયા છે. સામાન્ય લોકોને આ વર્ષે ઘઉં 30 ટકા જેટલા વધુ ભાવે ખરીદવા પડ્યા છે. લોકોએ આ સીઝનમાં રુ. 3,500થી 4,400નાં પ્રતિ ક્વીન્ટલ ભાવે ઘઉં ખરીદ્યા છે. જેથી તેઓ ઘઉંની નિકાસ પ્રતિબંધથી ઘટનારા ભાવનો લાભ નહીં લઇ શકે.

નિકાસ પર પ્રતિબંધથી આગામી સમયમાં ઘઉંનાં ભાવ તાત્કાલિક અસરથી 20થી 30 ટકા નીચે જવાની શક્યતા છે. સરકારનાં આ નિર્ણયથી ઊંચા ભાવે ઘઉં લેનારા સંગ્રહખોરો અને નિકાસકારોને નુકસાન થાય તેવી શક્યતા છે. તો બીજી બાજુ ઘઉંનાં 20થી 30 ટકા ભાવ ઘટતા તૈયાર લોટનો ભાવ પણ નીચે આવશે. જેનો લાભ સમગ્ર વર્ષ ઘઉં ન ભરનારા લોકોને મળશે. 10 વર્ષમાં સૌથી સારા ભાવ મળ્યાં ખેડૂત અગ્રણી સાગર રબારીએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી ઘઉંનાં ભાવ સ્ટેબલ જેવા હતાં.

આ વખતે ખેડૂતોને ખૂબ સારા ભાવ મળ્યાં. જોકે મોટાભાગના ખેડૂતોએ પાક વેચી દીધો હોય ખાસ નુકસાન નહીં થાય. જે સંપન્ન ખેડૂતોએ વધુ ઊંચા ભાવની આશાએ સંગ્રહ કર્યો હશે તેમને હવે નુકસાન જશે. નિકાસ પ્રતિબંધને પગલે ઝડપથી ભાવ 400 રુ. મણ સુધી પહોંચી જશે. જે બાદમાં સતત ઘટતો રહેશે.

કેન્દ્રને આ વર્ષે 100 લાખ ટન નિકાસની આશા હતી
ભારત વિશ્વમાં ઘઉંની નિકાસમાં ટોપ ટેનમાં કેટલાય દેશોની સરખામણીએ પાછળ છે. જો કે આ વર્ષે 2022-23માં દેશનો રેન્ક સુધરી શકે તેમ હતો. કારણ કે, સરકારે ઘઉંની નિકાસ 100 લાખ ટન થશે તેવી આશા સેવી હતી. જોકે નિકાસ બંધ થતાં હવે તે નહીં થાય. સરકારે 2019-20માં માત્ર બે લાખ ટન નિકાસ કરી હતી. જે વધીને 2020-21માં 21 લાખ, 2021-22માં 70 લાખ ટન થઇ હતી.

ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન

2017-1831,01,000 ટન
2018-1924,07,100 ટન
2019-2045,53,700 ટન
2020-2143,78,000 ટન
2021-2240,57,000 ટન

ઘઉંના ભાવથી ખેડૂતો ખુશ, પણ મોંઘવારીથી પરેશાન
ભાલના ખેડૂત વિજય ડાભીએ ભાસ્કરને જણાવ્યું કે, આ વર્ષે ખેડૂતોને रूરૂ. 2250થી લઇને 3,000 સુધી પ્રતિ ક્વિન્ટલ ભાવ મળ્યા છે. હજુ પણ અમારી પાસે વેપારીઓ ઘઉં માંગે છે. જોકે આવતા વર્ષે અમે ઉત્પાદનના મૂડમાં નથી. કારણ કે પેટ્રોલ, ડીઝલ અને તેના પગલે અન્ય ખર્ચ વધતા ખેતી પોષાય તેમ નથી. સરકારે માત્ર ઘઉંનાં ભાવ ઘટાડીને નહીં પરંતુ પેટ્રોલ ડીઝલ સહિત અન્ય ભાવ ઘટાડીને મોંઘવારી ઓછી કરવી જોઇએ.

લોકોએ 3500થી 4400માં ઘઉં ભર્યા અને હવે ભરાયા
ઘઉંનાં ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 3500-4400 છે. આ અંગે અમદાવાદનાં વિપુલભાઇ કહે કે, ગત વર્ષે રૂ. 2,800ના ભાવે ખરીદ્યા. હવે 3,500 ચૂકવ્યા. વહેલો પ્રતિબંધ લગાવ્યો હોત તો આવું ના થાત.

અન્ય સમાચારો પણ છે...