સમગ્ર વિશ્વ 19 એપ્રિલના રોજ વિશ્વ લિવર દિવસની ઉજવણી કરે છે. વર્તમાન સમયમાં પેકિંગવાળા ખોરાકો અને તેની સાચવણી માટે વપરાતાં જરૂરિયાતથી વધુ માત્રામાં રસાયાણિક તત્વોને કારણે તે પદાર્થ અખાદ્ય બની જતો હોય છે. જેનાથી માનવ શરીરના મહત્વના અંગ એવા લિવર સંબંધિત અનેક રોગ થતાં જોવા મળે છે. તાજેતરમાં જ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીના (જીએસપી) આસિસ્ટન્ટ પ્રો. ડૉ. કશ્યપ ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ માસ્ટર ઓફ ફાર્મસીની વિદ્યાર્થિની મનાલી મહેન્દ્રસિહ પવાર દ્વારા પેકિંગ ઘઉંના લોટ અને મેદાની ચકાસણી સંદર્ભે મેથડ વિકસાવવામાં આવી છે.
પેકિંગવાળી ચીજવસ્તુની ગુણવત્તા સંદર્ભે જાગૃતિ જરૂરી
આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, દરેક પેકિંગમાં મળતી ચીજવસ્તુની ગુણવત્તા સંદર્ભે, જાગૃત થવું ખૂબ જ જરૂરી છે. આ પ્રકારનું સમાજ ઉપયોગી રિસર્ચ કરનાર જીટીયુ ફાર્મસીની ટીમ અભિનંદનને પાત્ર છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને જીએસપી ડાયરેક્ટર પ્રો. ડૉ. સંજય ચૌહાણે ડૉ. ઠુમ્મર અને રિસર્ચકર્તા વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવ્યા હતાં.
બજારમાં મળતાં વિવિધ પેકિંગ ઘઉં અને મેંદાનું ટેસ્ટિંગ
ઈન્ટરનેશનલ ગાઈડ લાઈન પ્રમાણે, હાઈ પર્ફોમન્સ થીન લેયર ક્રોમોટોગ્રાફી(HPTLC) મેથડ વિકસાવીને બજારમાંથી મળતાં વિવિધ કંપનીઓના પેકિંગ ઘઉંના લોટ અને મેંદાના સેમ્પલ પર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઑફ ઈન્ડિયાની(FSSAI) ગાઈડલાઈન પ્રમાણે ઘઉંના લોટ કે મેંદાની શ્વેતતા(વાઈટનેસ) અને ગુણવત્તા જળવાઈ રહે તે અર્થે 40 મિલિગ્રામ/કિલોથી ઓછી માત્રામાં “બેન્ઝાઈલ પેરોક્સાઈડનું” મિશ્રણ કરી શકાય છે.
ગાંધીનગરમાં જીટીયુ ફાર્મસી કેમ્પસ ખાતે વિનામૂલ્યે ચકાસણી
જીટીયુ ફાર્મસી દ્વારા કરવામાં આવેલી ચકાસણી દરમિયાન 20% જેટલા સેમ્પલમાં “બેન્ઝાઈલ પેરોક્સાઈડનું” 40 મિલિગ્રામ/કિલોથી વધુ પ્રમાણ જોવા મળ્યું હતું. આ પ્રકારના ખાદ્ય પદાર્થોના ઉપયોગથી લોટમાં રહેલા વિટામિન અને પ્રોટીન તેમજ લિવર સંબંધિત ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. જીટીયુ સમાજ ઉપયોગી પ્રવૃતિ માટે હંમેશા કાર્યરત હોય છે. આગામી દિવસમાં જાહેર જનતાને પણ તેમના લોટ અને મેંદાની ગુણવત્તા ચકાસણી સંદર્ભે જીટીયુ ફાર્મસી કેમ્પસ ગાંધીનગર ખાતે વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.