ઉમેદવારોના કામની વાત:પોલીસ ભરતીમાં મેદાન પર દોડતા સમયે જો પેટમાં આંટી વળી જાય તો શું કરવું? આ ટિપ્સ કામ આવશે

અમદાવાદ8 મહિનો પહેલા
ફાઈલ તસવીર
  • 3 ડિસેમ્બરથી શરૂ થયેલી પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા 15 મેદાન પર 29 જાન્યુઆરી સુધી ચાલશે
  • મેદાન પર દોડતા સમયે ઉમેદવાર ઘૂંટણ પર પગનો ભાર ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ

રાજ્યમાં ચાલી રહેલી પોલીસ ભરતીમાં હાલ શારીરિક કસોટી ચાલી રહી છે. 29 જાન્યુઆરી સુધી ચાલનારી આ પરીક્ષાની હજુ પણ ઘણા ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે. જોકે સતત દોડની પ્રેક્ટિસ કરવાથી ઘણીવાર શરીરમાં અન્ય સમસ્યાઓ આવી શકે છે. ક્યારેક સ્નાયુ ખેંચાવાની તો ક્યારેક પેટમાં આંટી વળી જતી હોય તેવી ફરિયાદ ઉમેદવારોને રહેતી હોય છે, અને જો આવી ઘટના દોડ સમયે જ બને તો તેમની મહિનાઓની મહેનત પર પાણી ફરી શકે છે.

દોડતી વખતે પેટમાં દુઃખાવો શરૂ થાય તો શું કરવું?
આ વિશે નેશનલ એથ્લીટ રૂપેશ મકવાણા કહે છે કે, ઘણીવાર લોકો દોડતા સમયે પેટમાં દુઃખાવાની ફરિયાદ કરતા હોય છે. આવી સ્થિતિમાં તેમણે હાથની હથેળીમાં અંગૂઠો રાખીને મુઠ્ઠી વાળીને દોડવું જોઈએ. હથેળીમાં એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે, તેને દબાવીને દોડવાથી બે મિનિટમાં જ તેમની પેટમાં દુઃખાવાની ફરિયાદ દૂર થઈ જશે. સાથે જ દોડતા પહેલા વધારે પ્રમાણમાં પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી પટેમાં પાણીના હલનચલનથી પણ દુઃખાવાની ફરિયાદ થઈ શકે છે.

દોડતા સમયે ઘૂંટણ પર ભાર ન આપવો વધુ સારું રહેશે
દોડતા સમયે ઘૂંટણ પર ભાર ન આપવો વધુ સારું રહેશે

દોડતા સમયે ઘૂંટણ પર ભાર ન જાય તેનું ધ્યાન રાખવું
રનિંગમાં સૌથી પહેલા ઈજા ન થાય તેના માટે ધ્યાન રાખવું. ક્યારેય પગ પછાડીને ન દોડવું જોઈએ. જો પગની પાની પહેલા પછડાશે તો ઘૂંટણ પર ભાર આવશે અને અને તેનાથી સ્નાયુ ખેંચાવાની સમસ્યા થઈ શકે, તેનો પ્રોબ્લેમથી ભવિષ્યમાં પણ દોડી ન શકાય તેવી સ્થિતિ સર્જાય, એટલે પગ ન પછડાય તેનું ધ્યાન રાખવું. રનિંગ પહેલા સૌથી પહેલા વોર્મ અપ, સ્ટ્રેચિંગ, એક્સરસાઈઝ કરવી જોઈએ, આમ નહીં કરવાથી મસલ્સમાં ઈજા થવાની શક્યતા વધી જાય છે.

15 જેટલા મેદાનો પર કસોટી લેવાય છે
હાલમાં રાજ્યભરમાં 15 જેટલા મેદાનો પર પોલીસ ભરતી માટે શારીરિક કસોટી ચાલી રહી છે. આ પરીક્ષામાં પાસ થવા માટે મહિલા અને પુરુષ બંને ઉમેદવારોને અનુક્રમે 9.30 મિનિટ અને 25 મિનિટના નિર્ધારિત સમયમાં દોડ પૂરી કરવાની હોય છે. જોકે ઘણા ઉમેદવારો આ પરીક્ષામાં સ્માર્ટ વોચ કે ડિજિટલ વોચ પહેરીને જતા હોવાનું સામે આવ્યું છે. જેથી ભરતી બોર્ડ દ્વારા આ પ્રકારની ઘડિયાળ પહેરીને મેદાનમાં જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

આ મેદાનો પર શારીરિક કસોટી
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ગોંડલ, સોરઠ, રાજકોટ શહેર, ઉત્તર ગુજરાતમાં પોલીસ હેડક્વાર્ટર બનાસકાંઠા, પાટણ હેમચંદ્રાચાર્ય ગ્રાઉન્ડ, ગાંધીનગર જૂથ 12 ગ્રાઉન્ડ, વાવ જૂથ 11 ગ્રાઉન્ડ, મહેસાણા પોલીસ હેડક્વાર્ટર અને સાબરકાંઠા પોલીસ હેડક્વાર્ટર, મધ્ય ગુજરાતમાં નડિયાદ જૂથ 7, ખેડા- નડિયાદ પોલીસ હેડક્વાર્ટર, જૂથ 5 ગોધરા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડમાં દોડની પરીક્ષા લેવાનાર છે.