• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • What Is The Point Of Giving Admission If Two Students Are Able To Study? Forget The Ministry's Instruction And Follow Our Instructions: High Court

NIDના વલણ સામે નારાજગી:બે વિદ્યાર્થીઓ ભણવા માટે સક્ષમ છે તો પ્રવેશ આપવામાં વાંધો શું છે? મંત્રાલયની સૂચના ભૂલીને અમારા નિર્દેશને અનુસરોઃ હાઈકોર્ટ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • NIDમાં ન્યુ મીડિયા ડિઝાઇન કોર્સમાં કુલ 19 બેઠકો હતી. જેમાં 4 બેઠક ખાલી હતી
  • અગાઉ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે હંગામી પ્રવેશ આપવા કોર્ટે આદેશ કર્યો હતો

અમદાવાદની NID એટલે કે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈનમાં પ્રવેશ કાર્યવાહી બાબતે સિંગલ બેન્ચના ઓર્ડર સામે કરેલ અરજીને લઈ ડિવિઝન બેન્ચે NIDના સત્તાધીશો સામે નારાજગી વ્યક્ત કરીને ટકોર કરી છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠે કહ્યું કે 'જો બે ખાલી બેઠકો પર સક્ષમ વિદ્યાર્થી મળે અને ભણે તો તેમાં વાંધો શું છે? તેમને ભણવા દેવા જોઈએ, બે વિદ્યાર્થીઓ ભણવા સક્ષમ છે, તો 2 બેઠકો ખાલી કેમ રાખવી જોઈએ? મંત્રાલયે આપેલી સૂચનાને ભુલીને અમારા નિર્દેશને અનુસરો.

બેઠક ખાલી હોય તો વિદ્યાર્થીઓને ભણવા દેવા જોઈએ
અગાઉ આ મામલે ગુજરાત હાઇકોર્ટની સિંગલ બેન્ચે 2 વિદ્યાર્થીઓને EWS કેટેગરીની ખાલી બેઠકો પર હંગામી પ્રવેશ માટે આદેશ કર્યો હતો. જે આદેશને NID સત્તાધીશોએ ડિવિઝન બેન્ચ સમક્ષ પડકાર્યો હતો. જે અંગે જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ નિરલ મહેતાની બેન્ચે મહત્વપૂર્ણ ટકોર કરતા અવલોકન કર્યું હતું કે જ્યારે 2 બેઠકો ખાલી છે અને 2 સક્ષમ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવે તો શું વાંધો હોઈ શકે, તેમને ભણવા દેવા જોઈએ. આ બાબતે NID તરફથી દલીલ કરવામાં આવી કે OBCની બેઠક ખાલી હોય તો તેને જનરલમાં કન્વર્ટ કરી પ્રવેશ આપવાની જોગવાઈ છે અને તે કાર્યવાહી થઈ ચુકેલ છે. પરંતુ ખાલી રહેલ EWS કેટેગરીની બેઠકો માટે હજુ કોઈ નિર્દેશ નથી, જેથી આ બાબતે મંત્રાલય તરફથી સુચનાની રાહ જોઈ રહ્યા છે.

હાઈકોર્ટના નિર્દેશ માનશો કે મંત્રાલયની સૂચના?
આ બાબતે હાઈકોર્ટે ટકોર કરી હતી કે તેઓ હાઈકોર્ટના નિર્દેશ માનશે કે મંત્રાલયની સૂચના. સિંગલ બેન્ચનો વચગાળાનો ઓર્ડર છે અને અંતિમ નિર્ણય આવ્યે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ તેને બાધિત રહેવાના છે. આ ઉપરાંત હાઈકોર્ટે એવું પણ અવલોકન કર્યું કે જો હાલના વિદ્યાર્થીઓમાંથી કોઈ વિદ્યાર્થીઓ છોડીને જતા રહે તો પણ તેમને વેઇટિંગમાંથી જ વિદ્યાર્થીઓ લેવા પડશે. જેથી કોર્ટે સિંગલ બેન્ચના હંગામી પ્રવેશના ઓર્ડરને યોગ્ય ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈનમાં ન્યુ મીડિયા ડિઝાઇન કોર્સમાં કુલ 19 બેઠકો હતી. જેમાં 4 બેઠક ખાલી હતી, જેમાં 1 ST, 1 OBC અને 2 EWS બેઠકો હતી, જે યોગ્ય ઉમેદવાર ન મળવાના કારણે ખાલી હતી.

હાઈકોર્ટે બંને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા હુકમ કર્યો હતો
અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન એટલે કે ન્યૂ મીડિયા ડિઝાઇનના માસ્ટર લેવલના કોર્સમાં પ્રવેશમાં EWS અનામત કેટેગરીની બેઠકો ખાલી બેઠક પર વેઇટિંગ લિસ્ટમાં આવતા 2 ઉમેદવારોએ પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરી હતી. જે મામલે હાઈકોર્ટે અરજદારોની તરફેણમાં વચગાળાની રાહત આપતા બંને ઉમેદવારોને હંગામી પ્રવેશ આપવા માટે NIDને હુકમ કર્યો હતો. જે માટે અરજદારના એડવોકેટ દિગંત પોપટ તરફથી અંતિમ નિર્ણયને બાધિત રહેવા તથા અત્યાર સુધી ચાલી ચૂકેલા અભ્યાસક્રમને કવર કરવાની ખાતરી પણ કોર્ટ સમક્ષ આપી હતી. હાઈકોર્ટની સિંગલ બેન્ચ સમક્ષ સુનાવણી દરમિયાન અરજદારો તરફથી કરવામાં આવેલ દલીલ અને તર્ક પ્રાથમિક રીતે યોગ્ય અને સ્ટ્રોંગ હોવાથી 2 વિદ્યાર્થીઓનું અભ્યાસ માટેનું વર્ષ ન બગડે તે માટે હંગામી પ્રવેશ આપવા માટે આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...