સરકારનું મિશન એજ્યુકેશન:બજેટમાં રૂ.1188 કરોડ ફાળવાયા તે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ શું છે? ગુજરાતના આ પ્રોજેક્ટમાં કુલ 10 હજાર કરોડ ખર્ચાશે

અમદાવાદ7 મહિનો પહેલા
  • મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના ભાગરૂપે નિવાસી શાળા શરૂ કરવામાં આવશે
  • ધોરણ–1થી 5ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શોધીને તેમને આગળ ગુણવત્તાયુકત ​​​​​​શિક્ષણ અપાશે​

આજે રાજ્યનું વર્ષ 2022નું બજેટ વિધાનસભામાં રજૂ કરાયું હતું. જેમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ માટે રૂ.1188 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આગામી સમયમાં વિશ્વબેન્કના સહયોગથી રૂ.10 હજાર કરોડ જેવી માતબર રકમના ખર્ચે સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ પ્રોજેકટ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રોજેકટના માધ્યમથી 70 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓને વધુ સારી માળખાકીય સગવડો અને શિક્ષણ પદ્ધતિ દ્વારા ગુણવત્તાયુકત શિક્ષણ આપી ગુજરાતની ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનો નિર્ધાર કરાયો છે. ત્યારે આવો સમજીએ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ શું હશે અને તેમાં કેવી રીતે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે.

કેમ્બ્રિજ બોર્ડના સંકલનમાં ગુજરાત બોર્ડ અભ્યાસક્રમ તૈયાર કરશે
મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના ભાગરૂપે આગામી સમયમાં શરૂ થનારી નિવાસી શાળામાં અભ્યાસ કરનાર બાળકોનો અભ્યાસક્રમ કેમ્બ્રિજ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેમ્બ્રીજ બોર્ડના સંકલનમાં અભ્યાસક્રમ તૈયાર કરાશે. આ પ્રોજેકટમાં ખાનગી સંસ્થા કે વ્યકિત સરકારી સ્કૂલોના તેજસ્વી વિદ્યાર્થીઓને કારકિર્દીના ઘડતરમાં મદદરૂપે તમામ પ્રકારની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડશે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

સરકારી શાળાના બાળકોને એન્ટ્રન્સ એક્ઝામ લઈ પ્રવેશ અપાશે
હાલમાં ગુજરાત શિક્ષણ વિભાગ અને કેમ્બ્રીજ બોર્ડના પ્રતિનિધિઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. ચર્ચા વિચારણના અંતે સરકાર દ્વારા લીલીઝંડી અપાયા બાદ આ કામગીરી શરૂ થવાની શક્યતાઓ છે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના સંપૂર્ણ બદલાવ માટે રાજ્ય સરકાર દ્વારા ‘મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ’ પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. જેની સાથે સાથે હવે ધોરણ. 6થી 12ની નિવાસી સ્કૂલો ઉભી કરવાનો નિર્ણય લેવાયો છે, જેની સરકાર દ્વારા શિક્ષણ વિભાગને મંજૂરી પણ મળી ગઈ છે. નિવાસી સ્કૂલો શરૂ કરવા માટે રાજ્યની કેટલીક યુનિર્વિસટીઓ દ્વારા પણ તૈયારી બતાવવામાં આવી છે. આ નિવાસી શાળાઓમાં ગુજરાતની સરકારી શાળામાં અભ્યાસ કરતાં બાળકોને એન્ટ્રન્સ એક્ઝામ લઈ પ્રવેશ આપવામાં આવશે.

બાળકોનો સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારા ઉપાડવામાં આવશે
આ ઉપરાંત આ સ્કૂલોમાં જે શિક્ષકોને નિમણૂક કરવામાં આવશે તેમના ઈન્ટરવ્યૂ સહિતની કામગીરી પણ કેમ્બ્રીજના પ્રતિનિધિ ઉપરાંત અન્ય એજન્સીઓ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા નીમવામાં આવશે. હાલમાં કેમ્બ્રિજ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષા ફીની રકમ જ મોટા પ્રમાણમાં ભરવાની થાય છે. જોકે નિવાસી શાળાનું ટાઈપ થઈ જશે તો આ બાળકોને આવી કોઈ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં કારણ કે બાળકોના ધો.6થી 12નો ભણવાનો અને રહેવાનો સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારા ઉપાડવામાં આવશે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

પ્રત્યેક વિદ્યાર્થી પાછળ સરકાર 60 હજાર રૂપિયાનો ખર્ચ કરશે
આ નીતિ પ્રમાણે, ધોરણ–1થી ધોરણ–5ના સૌથી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શોધીને તેમને આગળના ધોરણોમાં ગુણવત્તાયુકત શિક્ષણ વિનામૂલ્યે આપવાનું પ્રયોજન છે. શિક્ષણ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને આ નીતિમાં આવરી લેવાથી પ્રત્યેક વિદ્યાર્થી પાછળ સરકાર 60 હજાર રૂપિયાનો ખર્ચ કરશે, જેથી સમગ્ર પ્રોજેકટનો કુલ ખર્ચ 600 કરોડ રૂપિયા થવા જાય છે. પ્રોજેકટ પાર્ટનર્સની પસંદગી માટે કુશળ અને અનુભવી વ્યક્તિઓની બનેલી સમિતિ દ્વારા ચકાસણી કરાશે. આ સમિતિ પસંદગી પામેલા અરજદારોની મંજૂરી માટે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સચિવની બનેલી ગવર્નિંગ કાઉન્સિલને ભલામણ કરશે.

સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે કોચિંગની સુવિધા પૂરી પડાશે
શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ, ઉચ્ચ અધ્યાપન સામગ્રી અને વૈકલ્પિક શૈક્ષણિક માધ્યમ, જે ખાનગી સ્કૂલોમાં હોય એવી સુવિધા આ નિવાસી સ્કૂલમાં પ્રદાન કરાશે. આ સ્કૂલોમાંથી પ્રતિભાવંત વિદ્યાર્થીઓને શોધી તેમના માટે JEE, NEET તેમજ સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે કોચિંગની સુવિધા પૂરી પાડવામાં આવશે. ધોરણ 6થી ધોરણ 12ના કુલ એક લાખ વિદ્યાર્થીઓને ક્ષમતાવાળી રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એકસેલન્સ પીપીપી મોડલથી સ્થપાશે. આ માટે સરકારે ખાનગી વ્યક્તિઓ, સંસ્થાઓ, કોર્પેારેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળના વિકલ્પ તેમજ ભાગીદારોને આવી સ્કૂલ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...