કહેવાય છે કે રાજનીતિમાં જે દેખાય છે તે હોતું નથી અને હોય છે તે કદી દેખાતું નથી. આવું જ કાંઈક છેલ્લા કેટલાક દિવસોના ઘટનાક્રમમાં જોવા મળ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અંદરોઅંદર છૂપું સેટિંગ હોવાનો ગણગણાટ તો ઘણા સમયથી થઈ રહ્યા છે. પરંતુ હવે કેટલીક તસવીરો સામે આવી છે જે આ ગણગણાટને એક ચહેરો પણ પૂરો પાડી રહ્યો છે. આ ચહેરો છે એક યુવાનનો જેનું નામ પાર્થ ચોવટિયા હોવાનું જાણવા મળ્યું છે. આ ચહેરો જેનો છે તે પાર્થ અવારનવાર હાર્દિક પટેલ સાથે દેખાયો છે. તદુપરાંત તેને સોશિયલ મીડિયા પેજમાં તે ભાજપનો સમર્થક હોવાનો પણ દાવો કરે છે. તો પછી આ પાર્થ બે દિવસ પહેલાં કોંગ્રેસ ઓફિસે ભરતસિંહના સમર્થનમાં થયેલા દેખાવોના ટોળાની આગલી હરોળમાં શું કરે છે?
હાર્દિકનો ટેકેદાર ભરતસિંહના સમર્થકોના ટોળામાં?
એક સમયે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રહેલા હાર્દિક પટેલ હવે ભાજપનો ભગવો પહેરી ચૂક્યો છે. હવે હાર્દિકને ભાજપે વિરમગામમાંથી ટિકિટ આપતા તે ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યો છે. તે સમયે હાલ કોંગ્રેસમાં ઘણી મહત્વની જવાબદારી ભરતસિંહ સોલંકીને મળી છે. હવે કોંગ્રેસમાં ભરતસિંહ ટિકિટ ફાળવણીમાં કંઈક રમત રમી ગયાના આક્ષેપો થયા હતા. આ આક્ષેપોની સાથે કોંગ્રેસના ખિજાયેલા કાર્યકરો હેડઓફિસમાં ભરતસિંહની ઓફિસની નેઈમ પ્લેટ અને બેનર તોડવા પહોંચી ગયા હતા. પરંતુ બીજા દિવસે ભરતસિંહના સમર્થનમાં પોસ્ટરો લગાવવા પહોંચેલા લોકોમાં હાર્દિકનો ખાસ માણસ એટલે કે પાર્થ પણ પહોંચી ગયો હતો.
ભરતસિંહ અને હાર્દિક વચ્ચે 'કાંઈક છે..'નો ગણગણાટ
હવે હાર્દિકને કોંગ્રેસ સાથે કોઈ લેવાદેવા નથી તો પણ તેનો ટેકેદાર શા માટે ભરતસિંહના સમર્થનમાં જાય છે? ભરતસિંહ સાથે અત્યારે હાર્દિકને શું સંબંધ છે? દિવ્ય ભાસ્કર પાસે કેટલીક એવી તસવીરો છે જેમાં હાર્દિકની સાથે દેખાતો યુવક ભરતસિંહના સમર્થનમાં કોંગ્રેસભવન આવ્યો હતો. આ પાર્થ ચોવટિયા હાલ તો ભાજપમાં છે અને કોંગ્રેસના ટોચના નેતાનું પણ સમર્થન કરી રહ્યો છે તો આવું કેમ બને?
હાર્દિક સાથેની પાર્થની તસવીરો ઘણું કહી જાય છે
દિવ્યભાસ્કર દ્વારા બે દિવસ કોંગ્રેસ કાર્યાલયમાં બનેલી ઘટના અંગે ઇન્વેસ્ટિગેશન કરતા ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે. પાર્થ ચોવટીયાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ભાજપનું સમર્થન કરતું છે. તે હાર્દિકને ખૂબ નજીક હોવાનું પણ હાર્દિક સાથેના તેના અનેક ફોટા પરથી ફલિત થાય છે. અગાઉ હાર્દિકની સોશિયલ મૂવમેન્ટ વખતે પણ તે હાર્દિક સાથે જ જોડાયેલો હોવાનું પણ નિકટવર્તી સૂત્રો જણાવે છે. હાર્દિક હવે ભાજપમાં છે તો પાર્થે પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ ભાજપ સમર્થનનું બનાવ્યું છે. આમ જોવા જઈએ તો એક રીતે તે ભાજપનો જ કાર્યકર છે.
શું પાર્થ હાર્દિક અને ભરતસિંહ વચ્ચેની કડી?
હવે આપણે વાત કરીએ કોંગ્રેસના વડામથક એટલે કે રાજીવગાંધી ભવનમાં સળંગ બે દિવસ થયેલી બબાલની. આગલા દિવસે ભરતસિંહના વિરોધમાં ટોળાએ તોડફોડ કરી અને તેમની નેઈમ પ્લેટ પણ ઉતારી. હવે બીજા દિવસે ભરતસિંહના સમર્થનમાં એક ટોળું ધસી આવ્યું અને તેણે ભરતસિંહની નેઈમ પ્લેટ લગાવી અને બેનરો પણ લગાવ્યા. હવે આ ટોળાની આગલી હરોળમાં જ એક ચહેરો દેખાય છે જે છે પાર્થ ચોવટિયા. તો હવે સવાલ એ થાય છે કે, હાર્દિક અને સોલંકી વચ્ચે શું કનેક્શન છે? શું પાર્થ જ બંનેને જોડતી કડી છે?
પાર્થનો સંપર્ક કરવાના પ્રયાસો નિષ્ફળ
દિવ્ય ભાસ્કરે આ ગણગણાટની અંદરના સત્યને જાણવા પાર્થ ચોવટિયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાર્થનો સંપર્ક થઈ શક્યો નહોતો. અલબત્ત તેની નિકટના સૂત્રોએ કહ્યું હતું કે, પાર્થ હાર્દિકની ખૂબ નજીક ગણાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.