રસી ન લેવા અમદાવાદીઓના બહાના:વેક્સિનના બીજા ડોઝ માટે સમજાવી રહેલા શિક્ષકોને લોકોએ કહ્યું, ‘અમે રસી ન લઈએ તો તમને શું વાંધો છે?’

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કેટલાક લોકોએ એવું બહાનું બતાવ્યું કે, રસી લેવી છે પણ નોકરીમાંથી રજા નથી મળતી

કોરોના વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોય તેવા લોકોને ફોનથી સમજાવવાની જવાબદારી શિક્ષકોને સોંપાઇ છે. પરંતુ રસી ન લીધેલા લોકો શિક્ષકોને બીજો ડોઝ ન લેવાના રસપ્રદ બહાના જણાવી રહ્યાં છે. શિક્ષકો ફોન કરે તો મોટાભાગના લોકો પૂછે છે કે, હું વેક્સિન ન લઉં તો તમને શું વાંધો છે, વેક્સિન લેવા માટે જબરદસ્તી થોડી હોય. તો ઘણા લોકો કહે છે કે, બંને ડોઝ લઇ લીધા છે, પરંતુ ઓનલાઇન સર્ટિફિકેટ જનરેટ થતું નથી.

અમદાવાદના 5 લાખ કરતા વધુ લોકોએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી. આ તમામ લોકોને બીજો ડોઝ લેવા સમજાવવાની જવાબદારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને સોંપવામાં આવી છે. આ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 2500 શિક્ષકોને કામગીરી સોંપી છે. દરેક શિક્ષકે દરરોજના 150થી 200 લોકોને ફોન કરીને કોરોના વેક્સિનના ફાયદા સમજાવવાની સાથે બીજો ડોઝ ન લે ત્યાં સુધી તેનું ફોલોઅપ કરવાની જવાબદારી સોંપાઇ છે. જેથી શિક્ષકો દરરોજ પોતાને આપેલા ડેટાને આધારે લોકોને ફોન કરી રહ્યાં છે.

શિક્ષકોના જણાવ્યા પ્રમાણે, લોકો ફોન ઉપાડીને સમજાવીએ તો સમજે છે, પરંતુ ઘણા લોકો ધમકાવે પણ છે. જેમ કે અત્યારે કેમ ફોન કરો છો, વેક્સિન આપવી હોય તો ઘરે આવીને આપી જાઓ. વગેરે બાબતો શિક્ષકોને સંભળાવે છે. પરંતુ શિક્ષકો પોતાના સ્વભાવ પ્રમાણે અને નક્કી કરેલા ફોર્મેટ પ્રમાણે જ તેઓને માહિતી પૂછી રહ્યાં છે અને કાઉન્સેલિંગ કરી રહ્યાં છે. શિક્ષકોની કામગીરી એક અઠવાડિયા સુધી ચાલશે.

કેટલાકે કહ્યું, ઘરે આવી બીજો ડોઝ આપો
શિક્ષકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અમે જ્યારે ફોન કરીએ છીએ તો લોકો વેક્સિનને લઇને એટલા પ્રશ્નો પૂછે છે કે અમારી પાસે તેના જવાબ નથી હોતા. ઘણા લોકો વારંવાર ફોન કરવા છતાં પણ ઉપાડતા જ નથી. ઘણા લોકો અમને કહે છે કે, પહેલો ડોઝ લઇને અમે ઉપકાર કર્યો હવે બીજો ડોઝથી અમે ધંધે લાગી ગયા છીએ. સરકારને કહો કે ઘરે આવીને બીજો ડોઝ આપી જાય.

લોકોનાં બહાનાં

  • નોકરીમાંથી રજા મળતી નથી
  • હેલ્થ વર્કર છો તો ઘરે આવીને આપી જાઓ
  • રસી લેવા ક્યાં જવું તે ખબર નથી પડતી
  • ડોઝ લઇ લીધો છો, સર્ટિ જનરેટ થતું નથી
  • એક- બે દિવસમાં લઇ લઇશું
  • બહુ લાંબી લાઇનો હોય છે
અન્ય સમાચારો પણ છે...