સંક્રમણ ફેલાતા નિર્ણય:અમદાવાદમાં પશ્ચિમની સ્કૂલો ધોરણ 1થી 8ના ક્લાસ અઠવાડિયું બંધ રાખશે, વિદ્યાર્થીઓ સંક્રમિત થતાં અગ્રણી સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સ્કૂલોમાં કોરોનાના કેસ વધતાં શહેરની કેટલીક અગ્રણી સ્કૂલોએ 3 જાન્યુઆરીથી અઠવાડિયાથી 15 દિવસ સુધી પ્રાથમિક વિભાગના વર્ગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 25 કરતાં વધુ વિદ્યાર્થી-શિક્ષકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યાં છે. બાળકોમાં ચેપ ફેલાતો રોકવા સ્કૂલ સંચાલકોએ જાતે નિર્ણય લઈને એક અઠવાડિયાથી 15 દિવસ સુધી ઓફલાઇન વર્ગો બંધ કર્યા છે. પ્રાથમિક વિભાગના વર્ગો બંધ કરનારી સ્કૂલો પશ્ચિમ અમદાવાદની છે. પૂર્વ અમદાવાદની એકપણ જાણીતી સ્કૂલે હજુ નિર્ણય લીધો નથી. સત્ત્વ વિકાસ સ્કૂલ મેનેજમેન્ટે કહ્યું, એક અઠવાડિયું તમામ વર્ગ ઓનલાઈન રહેશે.

માત્ર ધો.1થી 5ના ક્લાસ ઓનલાઈન રહેશે
ધો.1થી 5ના વિદ્યાર્થીઓને હવેથી માત્ર ઓનલાઇન ચલાવવા સૂચના આપીશું. કેસની સંખ્યા અને સ્થિતિની સમીક્ષા કરીને ઓફલાઇન વર્ગો ક્યારથી શરૂ કરવા તે નક્કી કરીશું. - મનન ચોક્સી, ઉદ્દગમ સ્કૂલ

ધો.1થી 8ના વિદ્યાર્થીને સ્કૂલે નહીં બોલાવાય
અમે સોમવારથી ધો.1થી 8ના વર્ગો ઓફલાઇન બંધ કરીશું. કોરોનાની સ્થિતિ વિશે મેનેજમેન્ટ રિવ્યૂ કરશે, ત્યારબાદ ઓફલાઇન વર્ગો અંગે નિર્ણય લઇશું. - ડો. પ્રતીક્ષા પરીખ, પ્રિન્સિપાલ, ત્રિપદા સ્કૂલ

ધો.1થી 8 અઠવાડિયા માટે ઓનલાઇન રહેશે
હાલના કેસમાં લક્ષણો જોવા મળતા નથી. જેથી બાળકોમાં પણ ખ્યાલ આવતો નથી. બાળકોની સુરક્ષા માટે અમે એક અઠવાડિયું ધો.1થી 8ને માત્ર ઓનલાઇન કર્યા છે.- મુક્તક કાપડિયા, એચ.બી.કાપડિયા સ્કૂલ

સ્થિતિની સમીક્ષા પછી નિર્ણય લેવાશે
હાલમાં અમે પ્રાથમિકના ધો.1થી 8ના ઓફલાઇન વર્ગો બંધ કર્યા છે. થોડા થોડા દિવસના અંતરે સમીક્ષા બાદ ઓફલાઇનનો નિર્ણય કરીશું. - તેજસ શ્રીધર, સંચાલક, તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ

અન્ય સમાચારો પણ છે...