દશેરાએ શસ્ત્ર પૂજા:અમદાવાદમાં રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન કરાયું, પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ શસ્ત્રોની પૂજા કરી

અમદાવાદ3 મહિનો પહેલા
રાજપૂત સમાજે શસ્ત્રોની પૂજા કરી
  • શસ્ત્રની પૂજા અને સંસ્કૃતિની રક્ષા માટે શસ્ત્રપૂજા કરવામાં આવે છે : પૂર્વ ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ
  • ગોતા રાજપૂત સમાજ ભવન ખાતે રાજપૂત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

વિજયાદશમીએ રામ ભગવાને રાવણનો વધ કરી અસત્ય પર સત્યનો વિજય મેળવ્યો હતો. વિજયાદશમીએ શસ્ત્રપૂજનનું અનેરું મહત્વ હોય છે. આજે ગોતા રાજપૂત ભવન ખાતે રાજપૂત વિદ્યાસભા દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. રાજપૂત સમાજના પરિવારોએ પરંપરાગત રીતે શસ્ત્રોનું પૂજન કરી ભગવાનને ધર્મનું રક્ષણ કરવાની પ્રાર્થના કરી હતી. પૂર્વ ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ સમાજ ભવન ખાતે શસ્ત્રપૂજન કર્યું હતું. શસ્ત્રપૂજન ઉપરાંત રાજપૂત સમાજના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ગોતા રાજપૂત સમાજ ભવન ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું
ગોતા રાજપૂત સમાજ ભવન ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું

રાજપૂત વિધાનસભા સંકુલ શરૂ કરવામાં આવ્યું
પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે વિજયાદશમીનો પર્વ છે. રાજપૂત વિધાનસભા દ્વારા મને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી રહી છે. ગુજરાતના યુવાનો આ પરીક્ષામાં ગુણ સારા મેળવી સરકારને મદદ કરે તે માટે રાજપૂત વિધાનસભા સંકુલ શરૂ કરવામાં આવ્યું છે. શસ્ત્રની પૂજા અને સંસ્કૃતિની રક્ષા માટે શસ્ત્રપૂજા કરવામાં આવે છે. અન્ય સમાજની જેમ આ સમાજ પણ ટકી રહે તે માટે વિજયાદશમીનું મહત્વ છે.

પૂર્વ ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહે પણ શસ્ત્રોની પૂજા કરી હતી
પૂર્વ ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહે પણ શસ્ત્રોની પૂજા કરી હતી

તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
વિજયાદશમીના પર્વ નિમિત્તે રાજપૂત વિદ્યાસભા-ગુજરાત દ્વારા ગોતા રાજપૂત સમાજ ભવન ખાતે શસ્ત્રપૂજન અને રાજપૂત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. રાજપૂત વિદ્યાસભા-ગુજરાતના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયા, યુવા સંગઠન પ્રમુખ સુરેન્દ્રસિંહ જાડેજા સહિત સમાજના અગ્રણીઓ દ્વારા શસ્ત્રપૂજન કરી આજે ભગવાનને ધર્મ અને સમાજના રક્ષણની પ્રાર્થના કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભાવનગર સ્ટેટના મહારાજા વિજયરાજસિંહ ગોહિલ સહિત રાજપૂત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.