જાનૈયાઓને નનૈયો ભણવો પડ્યો:અમદાવાદના ધનાઢ્ય પરિવારે ખુશીથી લગ્ન આમંત્રણ આપ્યાં, સરકારના એક નિર્ણયથી હવે 'સોરી' કહેવાના દિવસો આવ્યા

અમદાવાદ4 મહિનો પહેલા
માતા-પિતા સાથે ભાવિ દંપતી કપિલ.
  • ફંક્શનો મોકૂફ રાખી માફી માગવી પડે છે
  • હસ્તમેળાપમાં હાજર રહેનારાઓને હસ્ત જોડીને સોરી કહેવું પડે છે

ચેતન પુરોહિત, રક્ષિત પંડ્યાઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધવા લાગતાં રાજ્ય સરકારે લગ્નસરા શરૂ થયાના 4 દિવસ પહેલાં જ ગાઇડલાઈન્સમાં ફેરફાર કર્યો છે, જેને પગલે રાજ્યમાં કમૂરતાં બાદ યોજાનારા અંદાજે 10 હજાર લગ્નોને અસર થઈ છે, જેમાંથી અમદાવાદ સહિતનાં શહેરોમાં તો લગ્નો મોકૂફ પણ કરી દેવામાં આવ્યાં છે. હાલ લગ્નવાળા દરેક ઘરની સ્થિતિ અલગ અલગ છે, જેમાંથી જાન્યુઆરીમાં યોજાનારાં લગ્નોનાં તો આમંત્રણો પણ આપી દેવામાં આવ્યાં છે, પરંતુ હવે લગ્નમાં 400ને બદલે 150 લોકોની જ મર્યાદા હોવાથી લગ્ન કરનારા પરિવારો મૂંઝવણમાં મુકાયાં છે કે કોને બોલાવવા અને કોને નહીં? તો ઘણા પરિવારોએ મહેમાનોને અલગ અલગ ભાગમાં વહેંચી દીધા છે.

લગ્નના તમામ 7 ફંક્શન પણ રદ
ઘરમાં જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે લગ્નમાં મહાલવા માટે પોતાના નજીકના ખૂબ જ અંગત લોકોને હરખના તેડા મોકલવામાં આવે છે. મહેમાનો યજમાનની ખુશીમાં અનેક ગણો વધારો કરે છે, પરંતુ સરકારના એક નિર્ણયથી હવે અનેક પરિવારોએ લગ્ન સમારોહ મોકૂફ રાખવા પડ્યા છે અથવા તો મહેમાનોની સંખ્યા ઘટાડવાની ફરજ પડી છે. અમદાવાદના એક પરિવારે મહેમાનોને આમંત્રિત કર્યા હતા અને પ્રસંગ મોકૂફ રાખ્યો હોવાનું કહી સોરી કહેવું પડ્યું છે. લગ્નનાં તમામ 7 ફંક્શન પણ રદ કરી દીધાં છે

કપિલ શાહ અને મિશિકાની લગ્ન કંકોત્રી.
કપિલ શાહ અને મિશિકાની લગ્ન કંકોત્રી.

સરકારની ગાઇડલાઇન્સ આવતાં જ પરિવાર ચિંતામાં મુકાઇ ગયો
અમદાવાદના નવરંગપુરા પાસે આવેલી સ્વસ્તિક સોસાયટીમાં રહેતા બિઝનેસમેન કપિલ શાહના લગ્ન લીધા છે. ગર્ભશ્રીમંત ગણાતો પરિવાર દીકરાના લગ્ન માટે અનેક પ્લાન કરી રહ્યો હતો. વેડિંગ કાર્ડ, રિસેપ્શન કાર્ડ, અન્ય ફંકશનનોની યાદી તૈયાર હતી. મહેમાનોને આમંત્રિત કરવા માટે તમામને ઈન્વિટેશન કાર્ડ પણ મોકલી દેવામાં આવ્યાં. લગ્નમાં આવનારા તમામ લોકો માટે વ્યવસ્થા પણ કરી દેવામાં આવી હતી. દરેક સમયે શું જમવું, શું પહેરવું એ તમામ બાબતોની તૈયારી કરી લીધી હતી. સરકારે લગ્નમાં માત્ર 150 લોકોની મર્યાદા જાહેર કરી દેતાં પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો કે હવે શું કરવું, કોને બોલાવવા, કોને ના બોલાવવા, એડવાન્સ બુકિંગ પેટે આપેલા રૂપિયાનું હવે શું થશે એની કોઈ ખબર નથી, પરંતુ સરકારની ગાઇડલાઇન્સનું પાલન કરવાનું જ છે.

તમામને લગ્નમાં બોલાવી શકાય એવી સ્થિતિ નથી
આ અંગે ખુદ વરરાજા બનવા જઈ રહેલા કપિલ શાહે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે લગ્નમાં અલગ-અલગ સાત ફંકશન તૈયાર કરવામાં આવ્યાં હતાં. દરેકની વસ્તુની તૈયારી માટેના એડવાન્સ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા. મારા લગ્નમાં આવવા માટે મારા મિત્રો અને ખૂબ જ નજીકનાં સગાં ઉત્સાહિત હતાં, પણ હવે ગાઈડલાઈન્સ પ્રમાણે પરિવારનાં નજીકનાં સગા સિવાય તમામને લગ્નમાં બોલાવી શકાય એવી સ્થિતિ નથી. અમે જેમને પણ આમંત્રિત કર્યા હતા તેમની માફી માગીને હાલપૂરતો પ્રસંગ મોકૂફ રાખ્યો હોવાનું જણાવ્યું છે. હાલ માત્ર લગ્ન પ્રસંગ યોજાશે, જેમાં પરિવારના નજીકના લોકો જ આવી શકશે. આ સ્થિતિને કારણે અમે અગાઉથી બુકિંગ કરાવેલા ફોટોગ્રાફર, હોલ અને અન્ય વસ્તુઓના જે એડવાન્સ આપ્યા હતા એમાં અમને નુકસાન થશે જ.

અચાનક 150 લોકોની મર્યાદા આવતાં અગવડતાનો સામનો કરવો પડ્યો છે.
અચાનક 150 લોકોની મર્યાદા આવતાં અગવડતાનો સામનો કરવો પડ્યો છે.

મહેમાનોને 4 ભાગમાં વિભાજિત કરવા પડ્યા
સરકારનાં નવાં નિયંત્રણોથી 15મીથી શરૂ થતી લગ્નસરાની સીઝનમાં અનેક લોકોએ અગવડતા સામનો કરવો પડી રહ્યો છે, જેને પગલે જેમના ઘરમાં લગ્ન છે. તેમણે મહેમાનોને વિભાજિત કરી બોલાવવાના નિર્ણયો પણ કરવા પડ્યા છે. દિવ્ય ભાસ્કરે તે વરરાજા અમાર કપાસી સાથે ખાસ વાતચીત કરી હતી, જેમણે ઘણી અગવડતા સાથે આખો પ્રસંગ પણ અલગ અલગ સમયમાં વિભાજિત કરવો પડ્યો હોવાનું જણવ્યું હતું.

જસનીમ અને અમાર કપાસીનું ઇન્વિટેશન કાર્ડ.
જસનીમ અને અમાર કપાસીનું ઇન્વિટેશન કાર્ડ.

મહેમાનોને ક્યા સમયે પ્રસંગમાં આવવું એની જાણ કરવામાં લાગી ગયા
રાજકોટના જામનગર રોડ પર રહેતા અમાર કપાસી નામના યુવાનના લગ્ન પ્રસંગ આગામી 12,13 અને 14 જાન્યુઆરીના રોજ યોજાવાના છે. આ માટે અગાઉ 7 તારીખની 400 લોકોની મર્યાદા ગાઇડલાઇન્સ મુજબ આમંત્રણ પાઠવવામાં આવ્યાં હતાં અને હવે અચાનક 150 લોકોની મર્યાદા આવતાં તેમને ઘણી અગવડતાનો સામનો કરવો પડ્યો છે, જેમાં સૌથી વધુ અગવડતા આમંત્રિત મહેમાનોને ફરી કયા સમયે પ્રસંગમાં આવવું એ જાણ કરવામાં પડી ગયા છે, પરંતુ હવે સરકારની ગાઇડલાઇન્સનું પાલન કરવા મહેમાનોને અલગ અલગ 4 ભાગમાં ડિવાઇડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે વરરાજાએ અન્ય લોકોને પણ કોવિડ ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ નવી ગાઇડલાઇન્સ આવતાં તમામ પ્રકારનાં આયોજન કરવા ખૂબ જ મુશ્કેલ બન્યા છે, જેની સાથે સાથે ખુદ વરરાજાને પણ લગ્નના આગલા દિવસે કામમાં જોડાઈને પોતાના લગ્નને સફળ બનાવવા ભાગદોડ કરવી પડી હતી.