દુકાળ તરફ વધતું ગુજરાત:અડધો-અડધ ડેમ ખાલીખમ છે ત્યારે નબળા ચોમાસાની આગાહી, ધોમધખતો ઉનાળો જળ સંકટને વધુ ઘેરું બનાવશે

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીપુ અને મચ્છુ ડેમ કોરાધાકોર, નર્મદાનો એકમાત્ર ભરોસા વચ્ચે જાણો રાજ્યના ડેમોમાં કેટલું છે પાણી

ઉનાળામાં પડી રહેલા આકરા તાપની સાથે ગ્રામિણ વિસ્તારોમાં પાણીની તંગી ખૂબ તીવ્ર બની છે. પાણીની પરેશાનીના કારણે સરકાર દ્વારા ઘણા ડેમોમાં નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, છતાં ઘણા ગામડાઓ ધોમધખતા તાપમાં તરસ્યા છે, એવામાં ટેન્કર દ્વારા ત્યાં પાણી પહોંચાડવાના પ્રયાસ થઈ રહ્યા છે. બીજી તરફ રાજ્યના 17 મુખ્ય ડેમોમાં હાલની સ્થિતિએ માત્ર 46 ટકા પાણીનો જથ્થો રહેલો છે. સ્કાયમેટે આ વર્ષ માટે ગુજરાતમાં સામાન્યથી ઓછો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી. ત્યારે જો આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું નહીં રહે તો આગામી વર્ષે પણ પાણીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

4 ડેમોમાં 10 ટકાથી પણ ઓછું પાણી
રાજ્યમાં રહેલા મુખ્ય ડેમોમાં પાણીની સ્થિતિની વાત કરીએ તો કુલ 17 જેટલા મુખ્ય ડેમો છે, જેમાંથી ગુજરાતની 6.50 કરોડથી વધુ જનતાને રોજ પીવા તથા અન્ય વપરાશનું પાણી પહોંચાડવામાં આવતું હોય છે. આ ડેમોમાંથી હાલ 4 જેટલા ડેમોમાં 10 ટકાથી પણ ઓછો પાણીનો જથ્થો બચ્ચો છે. તેમાં પણ ત્રણ ડેમો તો ઉત્તર ગુજરાતના અરવલ્લી અને બનાસકાંઠાના જ છે, જ્યારે એક ડેમ મોરબીનો છે. જે દર્શાવે છે કે ઉત્તર ગુજરાતમાં પાણીની ગંભીર સ્થિતિ છે. 4 ડેમોમાં 10થી 25 ટકા સુધી પાણીનો જથ્થો છે, જ્યારે 9 જેટલા ડેમોમાં 25 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. હાલ નર્મદા જિલ્લાના કરજણ ડેમમાં સૌથી વધુ 63 ટકા પાણીનો જથ્થો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની વાત કરીએ તો હાલ તેમાં 52.06 ટકા પાણી છે.

ઉત્તર ગુજરાતના ડેમોની સ્થિતિ ખરાબ
ઝોન મુજબ ડેમની સ્થિતિની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠાના 15 ડેમોમાં માત્ર 13.69 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 40.50 ટકા પાણી છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 54.25 ટકા પાણી, જ્યારે કચ્છના 20 ડેમોમાં 16.90 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 32.59 ટકા પાણીનો જથ્થો હાલની સ્થિતિએ ઉપલબ્ધ છે. આમ રાજ્યના તમામ 206 ડેમોમાં મળીને 42.96 ટકા પાણી ડેમોમાં રહ્યું છે.

ગુજરાતમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના
હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ બંને મુજબ, આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાનો અંદાજ છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ-પશ્ચિમી ચોમાસું 15મી મે આસપાસ આંદામાન અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં પહોંચી જશે. પૂર્વાનુમાન પ્રમાણે, આ વર્ષે ભારતમાં ચોમાસું નિર્ધારીત સમય કરતાં પાંચ દિવસ પહેલા એટલે કે 27મી મેના રોજ આવી જશે. તેનું સૌથી પહેલું આગમન કેરળમાં થશે. કેરળમાં વરસાદ પડશે તે પછી દેશભરમાં લોકોને લૂથી રાહત મળશે. બીજી તરફ સ્કાયમેટ દ્વારા ગુજરાત તથા રાજસ્થાનમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જો આમ થયું તો રાજ્યમાં આગામી વર્ષે પાણીની તંગીની સ્થિતિ સર્જાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...