બે દિવસ પહેલાં જ સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીની આસપાસ જાહેર માર્ગો ઉપર દબાણ દૂર કરવાની કામગીરી સુરત કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બીજના દિવસે જ રોડની વચ્ચે આવેલા રામદેવપીર મંદિરને દૂર કરવામાં આવ્યું હતું. જેથી પુજારી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. હવે મંદિરના સમર્થનમાં આમ આદમી પાર્ટી ઉતરી છે.
સરકાર એજ જગ્યાએ ફરીવાર મંદિર બંધાવે
આપ નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે સુરતમાં ભાજપ સરકાર દ્વારા આ પાવન પર્વોના સમયમાં મંદિર તોડવાનું જે કામ કર્યું છે. એને જોઈને અમે બહુ દુઃખી છીએ. રામાપીર મંદિર અને ગણેશ પંડાલ જેવા અમારા વારસાગત અને પૂજનીય સ્થળોને તોડી પાડવામાં આવ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી તથા ભાજપ પ્રદેશ અઘ્યક્ષને વિનંતી કરીએ છીએ કે મંદિર નું પૂનઃ નિર્માણ એજ જગ્યા પર કરવામાં આવે. આવી રીતે અચાનક અમારા દેશમાં મંદિરોને તોડી નાખવામાં આવે આવી સંસ્કૃતિને આમ આદમી પાર્ટી ક્યારેક નહીં સ્વીકારે. અમે આ મુદ્દા ઉપર ચોક્કસપણે કાર્યવાહી કરીશું.
બીજ હોવા છતાં મંદિરનું ડિમોલિશન થતા ભક્તોમાં ભારે રોષ
આ મંદિરમાં બીજના દિવસે વિશેષ કરીને રામાપીરના ભક્તો મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે આવે છે. સવારે ભક્તો મંદિરે પહોંચ્યા હતા તે અરસામાં જ કોર્પોરેશનની ટીમ મંદિરની નજીક પહોંચી ને ડિમોલિશનની કામગીરી શરૂ કરી દીધી હતી. બીજ હોવા છતાં પણ રામદેવપીરના મંદિરનું ડિમોલિશન થતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મંદિરના પૂજારી પણ ધ્રુસકે ધ્રુસકે રડતા દેખાયા હતા.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓનો વિરોધ
મંદિરના ડિમોલીશનની પ્રક્રિયા હાથ ધરતા જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. માત્ર ત્રણ દિવસની શોર્ટ નોટિસમાં આ પ્રકારે મંદિરનું ડિમોલિશન કરવું વ્યાજબી ન હોવાની વાત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ કરી હતી. વિરોધ કરવા ગયેલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના ચાર જેટલા કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા હતા.
મંદિર માટે વૈકલ્પિક જમીન આપવા માંગ
વિશ્વ હિન્દુ પરિષદના સુરતના મંત્રી કમલેશ કયાડાએ જણાવ્યું કે કોર્પોરેશન દ્વારા મંદિરના ડિમોલિશનની કામગીરીને અમે વખોડીએ છીએ. માત્ર ત્રણ દિવસની નોટિસ આપીને બીજના દિવસે રામાપીરનુ મંદિર દૂર કરતાં ખૂબ જ નારાજ ગઈ છે. કોર્પોરેશન દ્વારા મંદિર માટે વેકલ્પિક જમીન આપવી જોઈએ. જો જમીન ફાળવવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ ઉગ્ર આંદોલન કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.