એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યુ:2022માં અમારી સરકાર બનશે, 125 સીટ સાથે ચોક્કસ સરકાર બનાવીશું, જે જનતાની હશે: હાર્દિક પટેલ

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: આનંદ મોદી
  • ભાજપે અધવચ્ચે સરકાર બદલી એનાથી સાબિત થાય છે કે હવે 2022ના ડિસેમ્બરમાં નવી સરકાર આવશે

ગુજરાતની રાજનીતિમાં છેલ્લા અઠવાડિયામાં ધરખમ ફેરફાર થયા છે ત્યારે વિરોધ પક્ષ પણ હવે સક્રિય થયો છે અને 2022ની ચૂંટણી માટે કામે લાગ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી હતી, જેમાં ઘણા મુદ્દાઓ પર તેમણે સ્પષ્ટતા કરી છે અને આગળની રણનીતિ અંગે વાત કરી છે.

ભાસ્કરનો સવાલ: સરકારમાં બદલાવ, જૂના ચહેરા ગયા અને નવા ચહેરાને મોકો મળ્યો, એને કેવી રીતે જુઓ છો?
હાર્દિક: ભાજપે અધવચ્ચે સરકાર બદલી એનાથી સાબિત થાય છે કે હવે 2022ના ડિસેમ્બરમાં નવી સરકાર આવશે, જે ગુજરાતના લોકોની હશે. એમાં યુવાઓ, ખેડૂતો, શિક્ષણ, સ્વાસ્થ્ય અંગેની વાત હશે. આવનારા દિવસો ગુજરાતના લોકોના હશે. ગુજરાતના લોકોએ જાતે ચૂંટેલી સરકાર હશે.

રાહુલ ગાંધી અને હાર્દિક પટેલની ફાઈલ તસવીર.
રાહુલ ગાંધી અને હાર્દિક પટેલની ફાઈલ તસવીર.

ભાસ્કરનો સવાલ: નવા મંત્રીઓ 2022ની ચૂંટણી માટે સફળ થશે?
હાર્દિક: એ મારો પ્રશ્ન નથી, મારે મારા ગુજરાતના લોકોનો અવાજ ઉપાડવાનો છે. જ્યાં તકલીફ પડશે, ત્યાં અમે લોકો સાથે ઊભા રહીશું. ભાજપ શું કરે છે એ અમારા માટે મહત્ત્વનું નથી. ગુજરાતની જનતા અમારા માટે મહત્ત્વની છે. ગુજરાતની જનતાએ નો-રિપીટ થિયરી ભાજપ માટે લાગુ કરી જ દીધી છે.

ભાસ્કરનો સવાલ: આમ આદમી પાર્ટી પડકાર છે, એની સામે કેવી રીતે લડશો?
હાર્દિક: ગુજરાતમાં હું માનું છું કે 2 જ પાર્ટી છે, ભાજપ અને કોંગ્રેસ. ભાજપને હરાવવાની ક્ષમતા કોંગ્રેસ પાસે છે. 2017માં 1.25 કરોડ મત મળ્યા હતા, આ વખતે ચોક્કસ 125 સીટ સાથે સરકાર બનાવીશું. સરકાર બન્યા બાદ ગુજરાતના લોકો કહેશે કે 25 વર્ષથી જે વનવાસ કોંગ્રેસને આપ્યો હતો એ ખોટો હતો, કારણ કે કોંગ્રેસના શાસનમાં 6.50 કરોડ ગુજરાતીઓનાં હિત, સન્માન, અધિકારોની જ વાત થશે.

હાર્દિક પટેલની ફાઈલ તસવીર.
હાર્દિક પટેલની ફાઈલ તસવીર.

ભાસ્કરનો સવાલ: ભાજપના જે પાટીદાર નેતાઓનાં મંત્રીપદ ગયાં છે તો તેમને અવકારશો?
હાર્દિક: માત્ર પાટીદાર જ નહિ, પરંતુ બધાનાં પત્તાં કપાયાં છે. પ્રદીપસિંહ જાડેજા, કુંવરજી બાવળિયા, નીતિન પટેલ સહિત તમામ નેતાનાં પત્તાં કપાયા છે. આ માત્ર એક સમાજ સાથે નહિ, પરંતુ બધા સમાજ સાથે અન્યાય થયો છે. જે લોકો સત્તા માટે નહિ, પરંતુ ગુજરાતના લોકોને ન્યાય અપાવવા માગતા હોય તેમને કોંગ્રેસમાં આવકારીશું.

ભાસ્કરનો સવાલ: 2022ની ચૂંટણી માટે કેવી તૈયારી?
હાર્દિક: 2022માં 6.50 કરોડ જનતા માટે અવાજ ઉઠાવીશું. ગુજરાતના લોકોને ન્યાય મળે, સન્માન મળે એ માટે અમે સંઘર્ષ કરીશું.

અન્ય સમાચારો પણ છે...