ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસીએશને માંગ કરી છે કે મંદીમાં વાલીઓ માત્ર 25 ટકા જ ફી ભરી શકે તેવી સ્થિતિ છે, માટે સરકારે 75 ટકા ફી માફીની જાહેરાત કરવી જોઇએ. ફેડરેશનનો આક્ષેપ છે કે 25 ટકા ફી માફીની જાહેરાતનો નિર્ણય લેતા પહેલા સરકારે રાજ્યમાં વાલીમંડળો સાથે ચર્ચા કરી નથી. આ નિર્ણય માત્ર સ્કૂલ સંચાલકોને ધ્યાને લઈને લેવાયો છે.
ફેડરેશને શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે કે, લોકડાઉનને કારણે સ્કૂલો બંધ છે અને ખર્ચ ઘટ્યો છે. આ સ્થિતિમાં વાલીઓની 75 ટકા ફી માફ થવી જોઇએ. ઘણી સ્કૂલોએ શિક્ષકોને છૂટા કર્યા છે. જો કોઈ સ્કૂલ સંચાલકની રજૂઆત હોય કે તેમને ખર્ચ પોસાય તેમ નથી તો સરકારે તેમના ખર્ચની તપાસ કરવી જોઇએ. જેથી સંચાલકોને પણ અન્યાય ન થાય. સરકારે તમામ વિભાગો અને ઉદ્યોગોને રાહત પેકેજ જાહેર કર્યું છે ત્યારે વાલીઓ માટે પણ સરકારે રાહત પેકેજની જાહેરાત કરવી જોઇએ.
સ્કૂલો ઓનલાઈન ક્લાસ બંધ ન કરી શકે
ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસીએશને માંગ કરી હતી કે સરકારે ફી માફીની સાથે ઓનલાઇન ક્લાસીસ પર પણ નિયમન રાખવું જોઇએ. જે સ્કૂલો ફી નહીં ભરવાને કારણે બાળકોનું ઓનલાઇન શિક્ષણ બંધ કરે છે તેના પર કાર્યવાહી થવી જોઇએ. કારણ કે તેના કારણે બાળકોના મન પર ખરાબ અસર થાય છે. સરકારે ઓનલાઇન એજ્યુકેશન પર કડક નિયમો તૈયાર કરવા જોઇએ.
વાલી મહામંડળમાં 27 સંઘ જોડાયા છે
ફેડરેશનના સભ્ય અમિત પંચાલે જણાવ્યું હતું કે, રાજ્યના 27 વાલી મંડળો એક સાથે જોડાઇને ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશન બન્યું છે. જેમાં અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત, બરોડ, જુનાગઢ, ભાવનગર, કચ્છના વાલી મંડળો જોડાયા છે. આ 27 મંડળોના કુલ 60 સભ્યો એક સાથે એક મંચ પર જોવા મળશે. ફી ઘટાડાના મુદ્દા બાદ અમારો મુખ્ય એજંડા રહેશે કે દરેક શહેરોમાં વોર્ડ પ્રમાણે સરકારી સ્કૂલો શરૂ થાય.
નોંધાયેલાં-નહીં નોંધાયેલાં વાલી મંડળો અંગે વિવાદ
ફી માફી માટે રજિસ્ટર્ડ વાલી મંડળ સાથે કોઈ જ ચર્ચા કરાઇ નથી. ફી અંગેનો નિર્ણય માત્ર એક વાલી મંડળ સાથે વાત કરીને સરકારે લીધાનો આક્ષેપ પેરેન્ટ્સ એકતા મંચના પ્રમુખે કર્યો છે. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખે કહ્યું કે, વાલીઓના મુદ્દા ઉઠાવવા રજિસ્ટર્ડ મંડળ હોવું જરૂરી નથી. પેરેન્ટ્સ એકતા મંચના પ્રમુખ પૂજા પ્રજાપતીએ આક્ષેપ કર્યો હતો કે, સરકારે પોતાના માનીતા વાલી મંડળને બોલાવીને તેમની સાથે ચર્ચા કરીને 25 ટકા ફી માફીની જાહેરાત કરી દીધી, પરંતુ અમારુ પેરેન્ટ્સ એકતા મંચ રજિસ્ટર્ડ વાલી મંડળ હોવા છતા પણ અમને ચર્ચા માટે ન બોલાવાયા. અમે ફી માફીના મુદ્દે રજુઆત કરી તો સરકારે પોતાના માનીતા વાલી મંડળને બોલાવીને માત્ર 25 ટકા ફી માફીની જાહેરાત કરી દીધી એ યોગ્ય નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.