એક્સક્લૂસિવ:અમે સુપરસ્પ્રેડર છીએ, છેલ્લા 10 મહિનાથી કોઈના ઘરે ગયાં નથી: વેક્સિન લેનાર નર્સ પિંકલબેન પટેલ

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: ચેતન પુરોહિત
કોરોનાની વેક્સિન લેનાર નર્સ પિંકલબેન પટેલ - Divya Bhaskar
કોરોનાની વેક્સિન લેનાર નર્સ પિંકલબેન પટેલ
  • આપણા વૈજ્ઞાનિકો દ્વારા જે વેક્સિન બનાવાઈ છે એ દરેકે લેવી જોઈએ

શહેરની સિવિલ હોસ્પિટલમાં આજે વેક્સિન આપવાની શરૂઆત થઈ છે. વેક્સિન લેનાર કોરોના વોરિયસને ઓબ્ઝર્વેશન રૂમમાં રખાય છે, ત્યાં વેક્સિન લેનારા કોરોના વોરિયર્સે DivyaBhaskar સાથે વાત કરી હતી. વેક્સિન લેનાર કોરોના વોરિયર્સ જ્યાં એક બાજુ પોતે જ સુરક્ષિત થયા અને બીજી બાજુ તેમણે સમાજ માટે કામ કર્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. વેક્સિન લેનાર નર્સ પિંકલબેન પટેલે કહ્યું હતું કે અમે સુપરસ્પ્રેડર છીએ, છેલ્લા 10 મહિનાથી કોઈના ઘરે ગયાં નથી. આજે વેક્સિન લઈને ખૂબ જ રાહત અનુભવું છું.

વેક્સિન લેનાર પિંકલબેન પટેલે DivyaBhaskar સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અમને ખબર છે કે કોરોના કેટલી ગંભીર બીમારી છે. અમે સતત 10 મહિના કોરોના દર્દીઓની સાથે કામ કર્યું છે, જ્યાં લોકોની સ્થિતિ જોઈ છે. અમને સતત ડર સતાવતો હતો કે અમને અને અમારા દ્વારા અમારા પરિવારને કોરોના થઈ જશે તો? સંક્રમણના સતત ડર વચ્ચે આ 10 મહિના અમે કોરોનાના દર્દીઓ વચ્ચે ગાળ્યા છે. 10 મહિનામાં હું મારા કોઈ પરિવારના નજીકની વ્યક્તિને મળવા તેમના ઘરે નથી ગઈ. આજે મેં વેક્સિન લીધી છે, એનાથી ખૂબ રાહત અનુભવું છું. આપણા વૈજ્ઞાનિકો દ્વારા જે વેક્સિન બનાવવામાં આવી છે એ દરેકે લેવી જોઈએ.

અમદાવાદમાં સિવિલ તથા SVP હોસ્પિટલમાં વેક્સિનેશનનો પ્રારંભ
અમદાવાદ અસારવા સિવિલ તથા SVP હોસ્પિટલમાં વેક્સિન આપવામાં આવી હતી. જેમાં અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડૉક્ટર મોના દેસાઈ, IIPHના ડાયરેક્ટર દિલીપ માંઉલનકર તથા નર્સ ટ્વિન્કલ દેસાઈએ પણ વેક્સિન લીધી હતી. NHL કોલેજના ડીન ડૉ. પ્રતિક પટેલે SVP હોસ્પિટલમાં વેક્સિન લીધી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનનો પ્રથમ ડોઝ નવીન ઠાકર અને કેતન દેસાઈને આપવા આવ્યો. એ ઉપરાંત SVPના સુપરિન્ટેન્ડન્ટ એસ. ટી. મલ્હાનને 11.25 વાગ્યે વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. સંસ્કૃત શ્લોકના સૂત્રોચ્ચાર સાથે વેક્સિન આપવામાં આવી હતી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વેક્સિન લેનારને બેચ લગાવી સન્માનિત કર્યા હતા.

અમદાવાદમાં 30 લોકોને વેક્સિન અપાઈ
અમદાવાદમાં સિવિલ તથા SVP હોસ્પિટલમાં પ્રથમ 30 મિનિટમાં 30 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં અડધો કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલા એક પણ વ્યક્તિને આડઅસરની ફરિયાદ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...