ગુજરાત આખા દેશને ડાયમંડ પૂરા પાડે છે, કાપડ આપે છે, કેરી આપે છે, પટોળા આપે છે.... એક નહીં, અનેક વસ્તુઓ ગુજરાતમાંથી દેશ નહીં, વિદેશમાં પહોંચે છે. એમાંનું એક છે મીઠું. ભારતની જરૂરિયાતનું 76 ટકા મીઠું કચ્છના નાનાં રણમાં પાકે છે. એમાં પણ બે ભાગ છે. એક, દરિયાના પાણીથી પાકતું મીઠું અને બીજું રણમાં જમીનની અંદરથી નીકળતા પાણીમાંથી બનતું મીઠું. જમીનની અંદરથી પાણી નીકળે છે તેવા રણના વિસ્તારમાં ગયા વર્ષથી પાણી ઘટી રહ્યું છે. આવા વિસ્તારને ઈન્લેન્ડ ઝોન કહેવાય. આ વખતે તો, જે રીતે પાણી બહાર આવે છે તે જોતાં એમ કહી શકાય કે તે ખતમ જ થઈ રહ્યું છે. માંડ માંડ પાણી બહાર આવે છે. જો આ સ્થિતિ યથાવત્ રહી તો એવું પણ બનશે કે ચાર વર્ષ પછી કચ્છના નાનાં રણના ઈન્લેન્ડ ઝોનની જમીનમાં મીઠું પાકશે જ નહીં.
કઈ જગ્યાએ, કઈ પ્રકારનું મીઠું પાકે છે ?
કચ્છના રણનાં બે ભાગ છે. નાનું રણ અને મોટું રણ. મોટા રણમાં રેતી છે અને નાનાં રણમાં રેતી અને માટી મિક્સ છે. જ્યાં મીઠાંની ખેતી મોટાપાયે થાય છે તેમાં પણ બે ભાગ છે. સૌરાષ્ટ્ર-કચ્છને જોડતા સૂરજબારી પુલથી લઈ સૌરાષ્ટ્ર તરફ આવો તો હેજિયાસર, માળિયા મીયાણા, કાજરડા અને ખીરઈ સુધી 21 કિલોમીટરના પટ્ટામાં દરિયાની ખાડીનું પાણી આવે છે અને તેમાંથી મીઠું પાકે છે. તેનાથી આગળ, જે રણ છે તે વેણાસર-ટીકરથી શરૂ થાય છે અને હળવદ પાસે પૂરું થાય છે. ટીકરથી હળવદ વચ્ચેના 41 કિલોમીટરના પટ્ટામાં સૌથી વધારે મીઠું ખારાઘોડામાં થાય છે. અહીં દરિયાઈ ખાડીનું પાણી આવી શકતું નથી એટલે જમીનમાંથી પાણી ખેંચવામાં આવે છે.
જમીનમાંથી જે પાણી નીકળે છે તેની ઘનતા 10થી 12 (કિલોગ્રામ પ્રતિ ઘન મીટર) હોય છે. આ પાણી અત્યંત ખારું છે. પછી જમીનમાંથી નીકળેલા આ પાણીને ચોરસ પાડેલા ભાગમાં ઠલવવામાં આવે છે. આ ચોરસ ભાગને 'પાટ' કે 'પટો' કહે છે. આ પાટની અંદર પાણી પડ્યું રહે, તેની ઘનતા વધારવામાં આવે અને ઘનતા 24 (કિલોગ્રામ પ્રતિ ઘન મીટર) કરવામાં આવે ત્યારે આ પાણી જામી જાય છે અને તેના બિંદુઓ મીઠાંના ગાંગડામાં પરિવર્તન પામે છે. આ કાચા મીઠાંને ઢગલાના રૂપમાં અફાટ રણમાં પાથરવામાં આવે છે. મીઠાંના ઢગલાને 'ગંજા' કહે છે.
નિકાસની સમસ્યા ઊભી થઈ
ગુજરાતમાં વીજળીની તંગી ઊભી થઈ છે. વીજળીના ઉત્પાદન માટે વધારે કોલસાની જરૂર પડી. ગુજરાત સરકારે રાજ્યમાં વધારે કોલસો આયાત કરવા રેલવેના વેગન વધારી દીધા. જે વેગન વધારી દીધા તેની સામે મીઠાંના વેગન ઓછાં કર્યા. જેના કારણે મીઠાંની નિકાસ ઓછી થઈ. એટલે અત્યારે નાનાં રણમાં મીઠું પાકે છે તેનો ભરાવો થઈ રહ્યો છે. વેપારીઓ ગોડાઉન ભરે છે. હવે ત્રણ મહિના પછી ચોમાસું આવશે ત્યારે પડ્યું રહેલું મીઠું નિકાસ કરવું મુશ્કેલ બનશે. માટે અત્યારથી મીઠાંની નિકાસ વધારે થાય તો હજી પણ તેજી આવે એવું મીઠાંના વેપારીઓ કહી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.