અમદાવાદના 48 વોર્ડમાંથી જોધપુર વોર્ડ એવો છે જ્યાં રોજ 6.30 કલાકથી માંડી 20 કલાક સુધી પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ શહેરમાં 24 વોર્ડ એવા છે જ્યાં માત્ર અઢી કલાક પાણી આપવામાં આવે છે. 14 વોર્ડમાં રોજ 2 કલાક જ્યારે 9 વોર્ડમાં માંડ પોણા બે કલાક પાણી પૂરું પડાય છે. વિધાનસભામાં તારાંકિત પ્રશ્નનો જવાબ આપતા મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રાલયનો હવાલો સંભાળતા ભૂપેન્દ્ર પટેલે એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. 5 વોર્ડ એવા છે જ્યાં આજે પણ ટેન્કરથી પાણી અપાય છે.
9 વોર્ડ એવા છે જ્યાં રોજ પોણા બે કલાક પાણી આપવામાં આવે છે
દૈનિક સમય | વોર્ડનાં નામ |
6:30 કલાકથી માંડી 20 કલાક | જોધપુર |
અઢી કલાક | ચાંદખેડા, સાબરમતી, રાણીપ, નવા વાડજ, નારણપુરા, સરદાર પટેલ સ્ટેડિયમ, સરદારનગર, નરોડા, કુબેરનગર, અસારવા, શાહીબાગ, નવરંગપુરા, વિરાટનગર, સરસપુર-રખિયાલ, પાલડી, વાસણા, બહેરામપુરા, ગોમતીનગર, અમરાઈવાડી, ઓઢવ, ઈન્દ્રપુરી, ખોખરા, ઈસનપુર, વટવા |
બે કલાક | સૈજપુર બોઘા, શાહપુર, દરિયાપુર, ઈન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર, નિકોલ, ખાડિયા,જમાલપુર, દાણીલીમડા, મણિનગર, વસ્ત્રાલ, ભાઈપુરા-હાટકેશ્વર, લાંભા, રામોલ હાથીજણ |
પોણા બે કલાક | ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, થલતેજ, બોડકદેવ, બાપુનગર, વેજલપુર, સરખેજ, મક્તમપુરા |
જોધપુરમાં નવા નેટવર્કથી પુરવઠો વધ્યો
જોધપુરમાં 24 કલાક પાણી આપવાની યોજના હેઠળ ત્યાં નવું નેટવર્ક નાખવામાં આવ્યું છે. આ નેટવર્કની ડિઝાઇન એવી છે કે, જો ત્યાં 2 કલાક પાણી આપવું હોય તો આ ડિઝાઇનમાં પાઇપ નાની હોવાથી વધારે કલાક પાણી આપવું પડે તેમ છે. - પી.એ. પટેલ, એડિશનલ સિટી ઇજનેર, વોટર પ્રોજેક્ટ
પાંચ વોર્ડને આજે પણ ટેન્કરથી પાણી
શહેરમાં મક્તમપુરા, બહેરામપુરા, રામોલ, હાથીજણ અને લાંભા એમ પાંચ વોર્ડ એવા છે જ્યાં આજે પણ ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવે છે. જ્યાં ગેરકાયદે વસવાટ બન્યા હોય તેમજ જીઆઈડીસી અને ઔદ્યોગિક વિસ્તારમાં પાણીનું નેટવર્ક નાખવામાં ન આવ્યું હોય તે વિસ્તારોમાં ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવે છે.
અયોગ્ય ડિસ્ટ્રિબ્યુશન સૌથી વધુ જવાબદાર
સામાન્ય રીતે ડબલ્યુએચઓના ધારાધોરણ પ્રમાણે એક નાગરિકને 160 થી 170 લીટર જેટલો પાણીનો જથ્થો જોઇએ. તે ધ્યાને લઇએ તો અમદાવાદ શહેરમાં એક કરોડ નાગરિકોને પાણી મળી રહે તેટલો જથ્થો પ્રતિદિન શહેરમાં વહેંચવામાં આવે છે. જોકે અયોગ્ય ડ્રિસ્ટ્રિબ્યુશનને કારણે શહેરમાં અનેક વિસ્તારમાં આજે પણ પાણી મળતું નહીં હોવાની ફરિયાદ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.