કોન્ટ્રાક્ટરોએ કામ બંધ કર્યું:પેમેન્ટ ન મળતા અમદાવાદમાં પાણી, ગટર અને ફૂટપાથ વગેરેના કામો આજથી બંધ, AMC અધિકારીઓમાં દોડધામ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વચ્ચે અમદાવાદ શહેરમાં પાણી, ગટર, ડિસીલ્ટીંગ, બિલ્ડીંગ, ફુટપાથ, રસ્તા અને બિલ્ડીંગ મરામતના કામો વિવિધ વિસ્તારોમાં આજથી બંધ થઈ ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રાથમિક સુવિધાઓની કામગીરી કરતા 450થી વધુ નાના-મોટા કોન્ટ્રાક્ટરોએ આજથી સ્વૈચ્છિક રીતે કામ બંધ કરી દીધું છે. કોન્ટ્રાક્ટરોનું 170 કરોડનું પેમેન્ટ બાકી છે જે હજી સુધી મળ્યું નથી. માત્ર કેટલાક વિભાગના કોન્ટ્રાક્ટરોને સાચવી અને પેમેન્ટ કરવામાં આવે છે જેથી કોન્ટ્રાક્ટરો દ્વારા આજથી કામ બંધ કરી દેતાં મ્યુનિસિપલ અધિકારીઓમાં પણ દોડધામ મચી ગઈ છે અને પ્રજાના અનેક કામો બંધ થઈ ગયા છે. એક તરફ ચૂંટણી છે અને બીજી તરફ આ રીતે પ્રજાના કામો બંધ થઈ જતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

કોન્ટ્રાક્ટરોનું પેમેન્ટ કરવા અનેક રજૂઆતો
અમદાવાદ મ્યુનિસિપલ કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના પ્રમુખ મધુસુદાનભાઈ પંડ્યાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, છેલ્લા આઠ મહિનાથી અમે મ્યુનિસિપલ કમિશનર તેમજ નાણા વિભાગને કોન્ટ્રાક્ટરોનું પેમેન્ટ કરવા માટેની રજૂઆતો કરી ચૂક્યા છીએ. પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. GSTમાં 6 ટકાનો વધારો મળવા પાત્ર છે જે રકમ અમને ચૂકવી આપવામાં આવતી નથી. અમદાવાદ સિવાય અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગુજરાત સરકારના પરિપત્રનો અમલ કરી દેવામાં આવ્યો છે. પરંતુ હજી સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણા વિભાગના અધિકારીઓ આ પરિપત્રનો અમલ કરતા નથી કારણકે તેઓને અમારું પેમેન્ટ ચૂકવવું નથી.

જી.એસ.ટી.નું ભારણ કોન્ટ્રાકટરો ઉપર
હેડ ઓફિસ લેવલે પેમેન્ટ થતું નથી. ઝોનના બીલોનું પેમેન્ટ ન કરતા માત્ર પ્રોજેકટ વિભાગને પ્રાધાન્ય આપી પેમેન્ટ થાય છે. 5 ટકા સિક્યુરિટી ડિપોઝિટનું પેમેન્ટ નાણાંખાતા દ્વારા બે-બે માસે થતું નથી. જે કાયદેસર કોન્ટ્રાકટરની થાપણ રૂપે છે. જેનું પેમેન્ટ ત્વરીત થવું જોઈએ. ઝોન લેવલે બનતા અંદાજમાં એસ.ઓ.આર. 2015-16ના ભાવો લેવામાં આવે છે કે જેમાં તે સમયે જી.એસ.ટી.નો કાયદો ન હતો. છતાં ગુચવણ ભર્યા સરકયુલરો કરીને જી.એસ.ટી.નું ભારણ કોન્ટ્રાકટરો ઉપર નાખવામાં આવ્યું છે જેને દૂર કરવામાં આવે. GSTમાં 6 ટકા વધારો સેન્ટ્રલ ગવર્નમેન્ટ દ્વારા કરવામાં આવ્યો છે અને 18 ટકા થઈ ગઈ છે. જે 6 ટકા વધારો મળવા પાત્ર છે. ગુજરાત સરકારના જી.આર.અનુસાર 18 ટકા GST બહારથી (લોડ) આપવાનું નક્કી થયા છતાં અસંખ્ય રજૂઆતો બાદ કોઈ નિરાકરણ થયેલ નથી.

પેમેન્ટ નહીં ચૂકવવામાં આવે ત્યાં સુધી કામ બંધ
નાના-મોટા 450થી વધારે જેટલા કોન્ટ્રાક્ટરો જે અમદાવાદ શહેરમાં પાણી, ગટર, ફૂટપાથ, બિલ્ડીંગ રીપેરીંગ, વગેરે જેવા મેન્ટેનન્સના કામો કરે છે તેઓની અમદાવાદના ખાનપુર ખાતે 17 નવેમ્બરે જે મિટિંગ મળી હતી જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ અને કોન્ટ્રાક્ટરને પેમેન્ટ નહીં ચૂકવવામાં આવે ત્યાં સુધી કામ બંધ કરી દેવામાં આવે જેથી આજે સોમવારથી તમામ કોન્ટ્રાક્ટરો દ્વારા અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના જે પણ પાણી, ગટર, રીપેરીંગ, ફૂટપાથ રીપેરીંગ સહિતના વગેરે કામોને બંધ કરી દેવામાં આવ્યા છે અને જ્યાં સુધી પેમેન્ટ અને પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કામગીરી નહીં કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...