ઉનાળો દિવસેને દિવસે આકરો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન પર આવતા જતા પેસન્જરોને પણ પાણીની જરૂર છે પરંતુ તેમને પુરંતુ ઠંડુ પાણી મળતુ નથી. અમદાવાદ સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 સિવાય તમામ પ્લેટફોર્મ પર કુલર બંધ હાલતમાં છે અને નળમાંથી ગરમ પાણી આવે છે. એજ રીતે પેસેન્જરોને શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તે માટે આઈઆરસીટીસી દ્વારા તમામ પ્લેટફોર્મ પર વોટર વેન્ડિંગ મશીનો લગાવવામાં આવ્યા હતા, પરંતુ આ તમામ મશીનો હાલ ધૂળ ખાઈ રહ્યા છે. જેના પગલે પેસેન્જરો રૂપિયા ખર્ચી પાણીની બોટલ લેવા મજબૂર છે.
અમદાવાદ સ્ટેશનના 2થી 9 પ્લેટફોર્મ પર આવેલા તમામ નળમાં ધીમી ધારે ગરમ પાણી આવે છે. તેની સાથે જ પ્લેટફોર્મ પર વોટર કૂલરમાંથી કેટલાક બંધ છે, જ્યારે જે ચાલુ છે તેમાં પણ પાણી ખૂબજ ધીમી ધારે આવે છે. એટલું જ નહીં પરંતુ કેટલાક નળ પણ બંધ હોવા કે લીકેજ હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં સ્ટેશનના સ્ટોલ પર ઉપલબ્ધ કરાવવામાં આવતી રેલનીરની બોટલો બપોરના સમયે સપ્લાયર દ્વારા પ્લેટફોર્મ નંબર 10ના છેડે ખુલ્લા તાપમાં રાખવામાં આવે છે. જેના કારણે બોટલો પણ ગરમ થઈ જતા તેનું પાણી પીવા લાયક રહેતું નથી.
સ્ટેશન પર રેલનીરની ડિમાંડ 25 ટકા વધી
અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના સ્ટેશનો પર રેલવે દ્વારા ફક્ત રેલનીરની જ બોટલોની સપ્લાઈ કરવામાં આવે છે. જેના માટે આઈઆરસીટીસી દ્વારા સાણંદ નજીક પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં હાલ ફુલ કેપેસિટી સાથે દરરોજના 5 હજાર બોક્સ એટલે કે 60 હજારથી વધુ બોટલોનું ઉત્પાદન કરવામાં આવે છે. હાલ ઉનાળો શરૂ થવાની સાથે ડિમાંડમાં 25 ટકા જેટલો વધારો થતા પ્લાન્ટમાં ફુલ કેપેસિટી સાથે ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.