ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે આતંકી મચાવ્યો હતો, જેને પગલે અમદાવાદ શહેરમાં દર અષાઢી બીજે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવા પર સંકટનાં વાદળો ઘેરાયાં હતાં. જોકે રથયાત્રાનો સમય નજીક આવતાં કોરોનાના કેસોમાં ઘટાડો થવા લાગ્યો હતો. ત્યાર બાદ રાજ્ય સરકારે કોરોનાના કેસોની સમીક્ષા કરીને ભક્તો વિના જ રથયાત્રા યોજવાની મંજૂરી આપી હતી. ત્યાર બાદ આજે(12 જુલાઈ) રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લાદી રથયાત્રા યોજવામાં આવી હતી. આમ, ભક્તો ઘરમાં બંધ થયા અને ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા.
આ રથયાત્રામાં ભક્તો કરતાં પોલીસ વધુ હતી. ઈતિહાસમાં પહેલીવાર 14 કલાકમાં પૂર્ણ થતી રથયાત્રા આ વખતે માત્ર 4 કલાકમાં જ પૂરી થઈ છે. DivyaBhaskarએ આ રથયાત્રા યોજાવાની જ હોવાના બિગ બ્રેકિંગ આપવાથી લઈ ભગવાનના રથ નિજમંદિરે પરત ફર્યા ત્યાં સુધીની પળેપળનું અપડેટ આપ્યું હતું. હવે DivyaBhaskar આ રથયાત્રાનો આકાશી નજારો રજૂ કરી રહ્યું છે.
પોલીસે 15 ડ્રોનથી રથયાત્રા પર નજર રાખી
રથના સમગ્ર રૂટ ઉપર અલગ અલગ સ્થળો પર તમામ ગતિવિધિઓ પર નજર રાખવા 15 ડ્રોન કેમેરા દ્વારા બાજનજર રાખવામાં આવી હતી તેમજ રથયાત્રાનું લાઈવ મોનિટરિંગ કરવા રૂટ પર સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ કેમેરાનું લાઈવ મોનિટરિંગ કંટ્રોલરૂમ ઉપરાંત જે-તે લોકલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. જ્યારે રૂટ પર આવતાં 7 પોલીસ સ્ટેશનોમાં સી.સી.ટી.વી. વ્હીકલ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
7 DCP અને 14 ACP સહિતના પોલીસકર્મી ખડેપગે રહ્યા
રથયાત્રાના રૂટમાં આવતા દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 ડી.સી.પી, 14 એ.સી.પી., 44 પી.આઈ., 98 પી.એસ.આઈ. સહિત હેડ કોન્સ્ટેબલ-પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી/સી.આર.પીના જવાનો બંદોબસ્તમાં ખડે પગે રહ્યાં હતાં.આ વિસ્તારમાં 9 સ્થળોએ લગાડવામાં આવેલા 18 કેમેરા દ્વારા AMC કંટ્રોલરૂમ, પાલડી ખાતે મોનિટરીંગ કરવામાં આવ્યું હતું. સાથે જ સમગ્ર વિસ્તારમાં સંવેદનશીલ પોઈન્ટ, ધાબા પોઈન્ટ, જર્જરિત મકાનો, ધાર્મિક સ્થળોએ પણ બંદોબસ્ત સાથે વોચ ટાવર, ઘોડેસવાર પોલીસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.