કાર્યવાહી:કંપનીના 47,500 શેર બારોબાર વેચનારા 5 ડિરેક્ટર સામે વોરંટ; કોર્ટે કહ્યું, ‘માધુપુરા પોલીસે તપાસમાં ગંભીર ક્ષતિ કરી છે'

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • તિરુપતિ ફિનલીઝ કંપનીના 4.75 લાખના શેર વેચનારા ક્રિશ ફેરો કંપનીના અધિકારીઓ સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ

તિરુપતિ ફીનલીઝ કંપનીએ 1995માં રૂ.4.75 લાખની કિંમતના 47,500 શેર તેમની જાણ બહાર બોગસ સહીઓ અને બનાવટી દસ્તાવેજો બનાવી બારોબાર વેચી નાખનાર ક્રિશ ફેરો ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર મહેન્દ્ર શાહ, દીપક શાહ, રમેશ શાહ, જતીન શાહ, રાની શાહ અને સેક્રેટરી ધર્મેન્દ્ર ગણાત્રા સામે મેટ્રો કોર્ટે ગુનો નોંધવાનો આદેશ કરી જામીન લાયક વોરંટ જાહેર કર્યું છે.

કોર્ટે આદેશ કરતા નોંધ્યું કે, માધુપુરા પોલીસે દસ્તાવેજોના મૂળ પત્ર કે સર્ટિફાઇડ કોપી એકત્ર ન કરીને તપાસમાં ગંભીર ક્ષતિ રહી હોવાનું જણાય છે. આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ફરિયાદી કંપનીના 47,500 શેર આરોપી રાની શાહના નામે ટ્રાન્સફર કરી ગુનાહિત કાવતરું રચી બનાવટી દસ્તાવેજો ઉભા કરી સાચા તરીકે ઉપયોગ કરેલાનું પ્રથમ દર્શનિય જણાય છે.

તિરુપતિ ફીનલીઝના મેનેજિંગ ડિરેક્ટર બજરંગલાલ અગ્રવાલે એડવોકેટ અરવિંદ પાસી મારફત મેટ્રો કોર્ટમાં કરેલી ફરિયાદમાં રજૂઆત કરી હતી કે, તિરુપતિ ફિનલીઝ કંપનીએ આરોપી મહેન્દ્ર શાહની પ્રથમ કંપની આરફીન કેપિટલ લિ.ના નામે ઓળખાતી કંપનીના રૂ.4.75 લાખના 47,500 શેર 1995માં પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા ઇશ્યૂ કરી તેની કિંમત રૂ.4.75 લાખ ચેકથી ચૂકવી હતી.

આ શેર તિરુપતિ ફિનલીઝ કંપનીએ આજદિન સુધી વેચાણ કે ટ્રાન્સફર કરેલ નથી કે કોઇને લખી આપેલ નથી. આ શેરના સ્વતંત્ર માલિક ફિનલીઝ કંપની છે. કંપનીને ક્રિશ ફેરો કંપની કેટલાંય વર્ષોથી દસ્તાવેજ, વાર્ષિક રિપોર્ટ આપતા નહોતા. આથી તિરુપતિ ફિનલીઝ કંપનીએ 3 જૂન 2017ના રોજ તપાસ કરતા ચાલુ વર્ષના શેર હોલ્ડરના નામની યાદીમાંથી નામ મળ્યું નહોતું. તેમજ વાર્ષિક રિટર્ન ચેક કરતા તિરુપતિ ફિનલીઝ કંપનીના 47,500 શેરો આરોપીઓએ એકબીજાના મિલીભગતમાં બોગસ દસ્તાવેજ, ખોટી સહીઓ કરીને 25 સપ્ટેમ્બર 2009ના રોજ આરોપી રાની શાહના નામે ટ્રાન્સફર કરી ઠગાઇ કરી હતી. જે અંગે માધુપુરા પોલીસે યોગ્ય તપાસ ન કરી હોવાનું જણાવતા કોર્ટ કંપનીના અધિકારીઓ સામે ગુનો નોંધવાનો આદેશ કરી આ કેસની વધુ સુનાવણી 22 જૂને હાથ મુકરર કરી છે.

અન્ય સમાચારો પણ છે...