મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:​​​​​​​રાજ્યમાં આજે અતિભારે વરસાદની આગાહી, નૂપુર શર્મા પર SCનાં નિવેદનથી પૂર્વ જજ-બ્યૂરોક્રેટ્સ નારાજ, ઈંગ્લેન્ડ સામે ભારતની શરમજનક હાર

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે બુધવાર છે, તારીખ 6 જુલાઈ, અષાઢ સુદ-સાતમ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) રાજ્યભરમાં આજથી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી

2) જામનગરમાં આજે મુખ્યમંત્રી 214 કરોડના વિકાસકાર્યોનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે

3) મહાત્મા મંદિર ખાતે ડિજિટલ ઈન્ડિયા વીક-2022ની ઉજવણી અંતર્ગત પ્રદર્શન યોજાશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) મેઘરાજાની તોફાની બેટિંગ:પોરબંદરના કુતિયાણા અને રાણાવાવમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ ખાબક્યો, ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારમાં મેઘમહેર થઈ રહી છે. ત્યારે પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર શહેર તેમજ જિલ્લામાં મંગળવારે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. એને લઈ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર થતાં ખેતરોમાં તળાવો ભરાયાં હોય તેવાં દ્દશ્યો જોવા મળ્યાં હતાં. જિલ્લાના કુતિયાણા અને રાણાવાવમાં 4-4 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

વાંચો સમાચાર વિગતવાર

2) ગુજરાત કોંગ્રેસમાં બબાલ:પ્રભારી તરીકે રઘુ શર્મા આવ્યા બાદ ચાર પૂર્વ MLA અને ચાર પૂર્વ પ્રદેશ નેતા કોંગ્રેસ છોડી જતાં હાઈકમાન્ડ નારાજ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે તેના મનોમંથન માટે ગઈકાલે દિલ્હીમાં ગુજરાતના પ્રભારી સહિત પ્રદેશ નેતાઓની હાઈકમાન્ડ સાથે બેઠક થઈ હતી. ડો. રઘુ શર્માની પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોંગ્રેસના ચાર પૂર્વ ધારાસભ્યો, ચાર પ્રદેશના નેતાઓ સહિત અન્ય નેતાઓ ભાજપમાં જોડાઈ જતાં હાઈકમાન્ડે નારાજગી વ્યક્ત કરી હતી. હવે હાઈકમાન્ડ કોંગ્રેસમાં ઉભા થયેલા જૂથવાદ અને નારાજગીને લઈ પ્રભારી રઘુ શર્માને તેમના પદ પરથી હટાવી શકે છે. તેમના સ્થાને કોને જવાબદારી સોંપવી તેનું પણ મંથન થઈ રહ્યું છે. હાઈકમાન્ડે નેતાઓને કહી દીધું છે કે, જૂથવાદ છોડી સામાન્ય જનતાને સ્પર્શે તેવા મુદ્દાઓ સાથે વિપક્ષની અસરકારક ભૂમિકા ભજવો.

વાંચો સમાચાર વિગતવાર

3) પારદર્શક પરીક્ષા:દેશમાં સૌપ્રથમ વખત કોઈ પણ ખૂણેથી સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષા લાઈવ જોઈ શકાશે, પ્રશ્નપત્રમાં કોલેજનો QR કોડ મુકાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી વિવાદોના ઘેરામાં રહેતી હતી અને ખાસ કરી પરીક્ષામાં ગેરરીતિની અનેક ઘટના સામે આવી હતી. બાદમાં યુનિવર્સિટીની પરીક્ષાને પારદર્શી બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પોતાની વેબસાઈટ પર દરેક પરીક્ષા કેન્દ્રનું લાઈવ પ્રસારણ મૂકવામાં આવશે. જે પરીક્ષા કેન્દ્રના લાઈવ CCTV કોઈ પણ નિહાળી શકશે. આ સુવિધા યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકની હાજરીમાં લાઇવ કરી ખુલ્લી મુકવામાં આવી છે.

વાંચો સમાચાર વિગતવાર

4) સતત બીજા દિવસે ભારે વરસાદ:રાજકોટમાં ભારે પવન સાથે દોઢ કલાકમાં અઢી ઇંચ વરસાદ, મવડી બ્રિજ નીચે ગોઠણસમા પાણી ભરાયા

હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારે સતત બીજા દિવસે રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે સવારે વાદળછાયા વાતાવરણ બાદ બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાજકોટ શહેરમાં આજે બીજા દિવસે પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. શહેરના રેસકોર્સ રિંગ રોડ, યાજ્ઞીક રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે મવડી બ્રિજ નીચે ગોઠણસમા પાણી ભરાયા છે. 150 ફૂટ રિંગ રોડ પર ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા છે. દોઢ કલાકમાં અઢી ઇંચ વરસાદ પડતા શહેર પાણી પાણી થઈ ગયું છે.

વાંચો સમાચાર વિગતવાર

5) નૂપુર શર્મા પર SCનાં નિવેદનથી પૂર્વ જજ-બ્યૂરોક્રેટ્સ નારાજ, કહ્યું- સુપ્રીમ કોર્ટે લક્ષ્મણરેખા બનાવી દીધી, આવી ખરાબ કોમેન્ટ જ્યુડિશરી પર ધબ્બો

સુપ્રીમ કોર્ટમાં નૂપુર શર્મા કેસમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ બેબી પારદીવાલાનાં નિવેદનથી પૂર્વ જજ અને બ્યૂરોક્રેટ્સ નારાજ છે. આ લોકોએ સીજેઆઈ એનવી રમનાને એક પત્ર લખ્યો છે. એમાં લખ્યું છે કે સુપ્રીમ કોર્ટે એક લક્ષ્મણરેખા બનાવી દીધી છે અને નૂપુર શર્માના કેસમાં કોર્ટે તરત સુધારાલક્ષી પગલાં લેવા જોઈએ. તેમણે એવું પણ કહ્યું હતું કે જસ્ટિસ સૂર્યકાંત ત્રિપાઠીના નિવેદન અને આદેશને પરત લેવાના નિર્દેશ આપવામાં આવશે. ચિઠ્ઠીમાં 15 નિવૃત્ત જજ, 77 નિવૃત્ત કર્મચારી અને 25 નિવૃત્ત સૈન્ય અધિકારીની સહીઓ છે.

વાંચો સમાચાર વિગતવાર

6) કર્ણાટકમાં સરળ વાસ્તુ એક્સપર્ટની હત્યા, હુબલીની હોટેલમાં બે વ્યક્તિએ પહેલા ચરણસ્પર્શ કર્યાં, ત્યારબાદ ચાકુના ઘા ઝીકી દીધા

સરળ વાસ્તુ એક્સપર્ટ ચંદ્રશેખર અંગડીનું નિર્દયતાપૂર્વક હત્યા કરી નાંખવામાં આવી છે. તેઓ હુબલીના ધ પ્રેસિડેન્ટ હોટેલમાં રોકાયા હતા. અહીં આવેલા બે અપરિચીત વ્યક્તિએ તેમની ઉપર ચાકૂના અનેક ઘા મારી તેમની હત્યા કરી નાંખી હતી. પોલીસનું કહેવું છે કે આ ઘટનાના CCTV ફુટેજ મળ્યા છે. ઘટનાની જાણ થતા પહોંચેલી પોલીસે અંગડીને KIMS હોસ્પિટલમાં દાખલ કર્યાં હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે બાગલકોટના રહેવાસી ચંદ્રશેખરે કોન્ટ્રેક્ટર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેમણે મુંબઈમાં એક નોકરી મળી હતી અને તેમણે ત્યાં જ વસવાટ કરી લીધો. બાદમાં તેમણે ત્યાં પોતાનો વાસ્તુને લગતા વ્યવસાયની શરૂઆત કરી.

વાંચો સમાચાર વિગતવાર

7) ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતની શરમજનક હાર, પાંચમી ટેસ્ટમાં 7 વિકેટથી અંગ્રેજોએ માત આપી, 350+નો ટાર્ગેટ આપીને પહેલી વખત ટીમ ઈન્ડિયા મેચ હારી

ભારતનું ઈંગ્લેન્ડમાં 15 વર્ષ પછી ટેસ્ટ સીરીઝ જીતવાનું સપનું તૂટી ગયું છે. ઈંગ્લેન્ડે બર્મિગહામ ટેસ્ટમાં ઈન્ડિયાને 7 વિકેટથી હરાવ્યું છે. શાનદાર ફોર્મને કારણે જો રૂટ (142) અને જોની બેયરસ્ટો (114) વચ્ચે ચોથી વિકેટ માટે 269 રનની પાર્ટનરશિપના કારણે ઈંગ્લેન્ડે 378 રનના ટાર્ગેટને ત્રણ વિકેટ ગુમાવીને મેળવી લીધો. આ સાથે જ પાંચ ટેસ્ટની સીરીઝ 2-2થી બરોબરી પણ પૂરી થઈ. આ પહેલી વખત છે જ્યારે ભારતે વિરોધી ટીમને 350 રનથી વધુનો ટાર્ગેટ આપ્યો હોય તેમ છતાં મેચ ગુમાવી દીધી હોય.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) ગુજરાતના 50 લાખથી વધુ પરિવારોના ઘેર ઘેર જઈ ભાજપ કરશે સર્વે, કેવી લાગી કેન્દ્ર અને ગુજરાત સરકારની કામગીરી

2) અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં RTEમાં એડમિશન મેળવેલ બાળકોને બીજી સ્કૂલમાં પ્રવેશ અપાવવા દબાણ

3) સુરતમાં ખાડી કે તાપી નદીના પૂરની સ્થિતિમાં રેસ્ક્યૂ કરવા ફાયર ટીમ એલર્ટ, બોટ સહિત 500 ઇક્વિપમેન્ટ તૈયાર

4) લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરા પટેલના પુત્રની બીયર-દારૂની 39 બોટલ સાથે ધરપકડ, કાર પર MLA GUJARAT લખ્યું હતું

5) જસદણના રાજમાતા પ્રેમીલારાજેનું 89 વર્ષની વયે નિધન, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

6) સ્પાઇસજેટના વિમાનનું પાકિસ્તાનમાં ઇમર્જન્સી લેન્ડિંગ, દિલ્હીથી દુબઈ જતાં ફ્લાઇટના ઇન્ડિકેટરમાં ખરાબી, ફ્યૂલ-ટેન્ક લીક થતી હોવાનો પણ દાવો

7) દેશમાં ચોમાસું સક્રિય, ઘણાં રાજ્યોમાં ભારે વરસાદ, મુંબઈમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયાં, દિલ્હીમાં યેલો એલર્ટ

8) ફિલ્મમેકરના સમર્થનમાં સાંસદ મહુઆ મોઈત્રા, કહ્યું- 'મારા માટે મહાકાળી માંસ ખાતા તથા શરાબ પીતા દેવી છે'

9) ભારતીય દર્શકો સાથે ખરાબ વર્તન:5મી ટેસ્ટમાં ફેન્સે આરોપ લગાવ્યો કે ઇંગ્લેન્ડના લોકોએ ગંદી કોમેન્ટ કરી; ECBએ તપાસના આદેશ આપ્યા

આજનો ઈતિહાસ
વર્ષ 1944માં આજના દિવસે નેતાજી સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કહ્યા હતા

અને આજનો સુવિચાર
સફળતાની લડાઇ એકલાં જ લડવી પડે છે, ભીડ તો માત્ર જીતનું જશન મનાવવા માટે ઉમટે છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...