તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદમાં કોરોના બેકાબૂ બની ગયો છે. કેસમાં વધારો થતાં લોકોમાં કઈ હોસ્પિટલમાં દાખલ થવું એ સવાલ મૂંઝવી રહ્યો છે. શહેરમાં ખાનગી હોસ્પિટલોની સંખ્યા અને બેડ વધારવા છતાં હાલ 75 ટકા બેડ ભરાયેલાં છે. ખાનગી હોસ્પિટલોમાં પણ હાલમાં દિવાળી સમયે જે સ્થિતિ હતી એવી સ્થિતિનું સર્જન થયું છે. બીજી તરફ ઘેરબેઠાં સારવાર લઈ રહેલાઓમાંથી કેટલાક તબિયત ચોથા કે પાંચમા દિવસે બગડતાં તેમને ઈમર્જન્સી હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડે છે, ત્યારે તેમનાં કુટુંબિજનો કઈ હોસ્પિટલમાં જગ્યા હશે અને એના ચાર્જીસ કેટલા હશે, ડિપોઝિટ કેટલી ભરવી પડશે એની ચિંતામાં મુકાઈ જાય છે. મ્યુનિ. તંત્ર પાસે આ અંગે માર્ગદર્શન આપવા સેન્ટ્રલ ડેસ્ક કે એવી કોઈ જ વ્યવસ્થા નથી.
દર્દીઓને દાખલ થવામાં હાલાકી
રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવનારાઓને લેખિત રિપોર્ટ અપાતો ન હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ થવામાં હાલાકી ભોગવવી પડે છે. જ્યારે 108વાળા હોસ્પિટલમાં પ્રવેશ નક્કી હોય એની ખાતરી અપાય તો જ દર્દીને બેસાડે છે. એમાં પણ બીજા રાજ્યનું આધારકાર્ડ હોય તો વધુ ચકાસણી કરે છે. છેલ્લા 24 કલાકમાં મ્યુનિ.એ 1869 એકટિવ કેસો હોવાનું જણાવ્યું છે, જ્યારે અમદાવાદ મેડિકલ એસો.ની વેબસાઇટ પર ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓનો આંકડો 2785 બતાવ્યો છે. તો શું આ દર્દીઓ અમદાવાદના નથી ? ખાનગી હોસ્પિટલના આંકડા અને મ્યુનિ.ના આંકડામાં આટલો મોટો તફાવત કેમ ? જો ખરેખર 1869 દર્દી જ હોય તો હોસ્પિટલોનાં બેડ ખાલી હોવાં જોઈએ, એવું કેમ નથી ? એનો જવાબ કોઈનીય પાસે નથી.
સિવિલમાં 75% દર્દી ઓક્સિજન પર, ખાનગીમાં 219 વેન્ટિલેટર પર
શહેરમાં કોરોનાના કેસ રોજેરોજ નવો રેકોર્ડ રચી રહ્યા છે. રવિવારે નવા 664 કેસ નોંધાવાની સાથે સાથે 4 દર્દીનાં મૃત્યુ નીપજ્યાં છે. બીજી બાજુ, સિવિલ હોસ્પિટલમાં દાખલ 75 ટકા દર્દી ઓક્સિજન પર છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં 219 દર્દી વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળ્યું છે. 664 કેસ નોંધાવાની સામે 600 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. ડેપ્યુટી મેયર ગીતા પટેલને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.
સરકારી ખર્ચે બેડ રિઝર્વ રાખવા વાટાઘાટો શરૂ
ખાનગી હોસ્પિટલોમાં પણ બેડની અછત સર્જાઈ છે ત્યારે હવે કોર્પોરેશન અને ખાનગી હોસ્પિટલો વચ્ચે સરકારી ખર્ચે બેડ રિઝર્વ રાખવા વાટાઘાટો શરૂ થઈ છે, પરંતુ ખાનગી હોસ્પિટલોએ તેમને કોર્પોરેશન પાસેથી અગાઉનાં લેણાં નીકળતાં આશરે 50 કરોડ રૂપિયા મળે નહીં ત્યાં સુધી બેડ રિઝર્વ નહીં આપવાની ચીમકી આપી છે. કોર્પોરેશનના એક અધિકારીએ ઘટસ્ફોટ કર્યો હતો કે ગયા વર્ષે મે માસ બાદ શહેરની 50 જેટલી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે સરકારી ખર્ચે બેડ રિઝર્વ રાખ્યા હતા. સમયાંતરે હોસ્પિટલોને દર મહિને બિલ ચૂકવાઈ રહ્યાં હતાં, જોકે છેલ્લે આશરે 50 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. આ રકમ માટે ગયા મહિને ખાનગી હોસ્પિટલોનું એક પ્રતિનિધિમંડળ મ્યુનિ. કમિશનરને મળ્યું ત્યારે કમિશનરે વહેલી તકે બાકીના રૂપિયા ચૂકવી દેવા કહ્યું હતું.
ટેસ્ટિંગથી દૂર ભાગતા; આજે સામે ચાલીને આવે છે
શહેરમાં હાલમાં દરરોજ 500-600 નવા કેસ તેમજ 5થી 10 લોકોનાં કોરોનાને કારણે મોત થઈ રહ્યાં છે. ગત વર્ષે લોકો ગંભીર તાવ, શરદી, ખાસી સહિત હોવા છતાં ટેસ્ટિંગ સેન્ટરો જોઈને દૂર ભાગતા હતા, પરંતુ આજે સામે ચાલીને લોકો મોટી સંખ્યામાં દૈનિક કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે, સાથે જ વેક્સિનેશન માટે પણ દરરોજ મોટી સંખ્યામાં લોકો શહેરનાં અલગ-અલગ સેન્ટરો લાઈનો લગાવી રહ્યાં છે.
ખાનગી હોસ્પિટલનાં બેડનો ઉપયોગ રાજકારણીઓ પૂરતો રહી ગયો
ગયા વર્ષે શહેરની ખાનગી હોસ્પિટલોમાં સરકારી ખર્ચે રિઝર્વ બેડની વ્યવસ્થા કરાઈ હતી, જેમાં મોટા ભાગે આ સરકારી બેડ મોટા અધિકારીઓનાં સગાં અને રાજકારણી તથા તેમનાં સગાં માટે ઉપયોગ થયો હતો. ખાનગી હોસ્પિટલના એક સંચાલકે કહ્યું હતું કે સરકારી ખર્ચે ખાનગી હોસ્પિટલમાં બેડ રિઝર્વ રાખવાનો ઉદ્દેશ સારો હતો, પણ પાછળથી એ સામાન્ય લોકો માટે નહીં, મોટા અધિકારીઓ-રાજકારણીઓ પૂરતો રહી ગયો હતો.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.