તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સક્લૂઝિવ:કોરોનાકાળમાં કાયમી સુપરિન્ટેન્ડન્ટના અભાવે VSની સ્થિતિ કથળી, LGની કેથલેબ ના બની, નવી શારદાબેન હોસ્પિટલનું કામ ખોરંભે પડ્યું

અમદાવાદ17 દિવસ પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક
એલજી હોસ્પિટલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
એલજી હોસ્પિટલ - ફાઇલ તસવીર
  • શહેરની ત્રણ મોટી હોસ્પિટલોમાં સુપરિન્ટેન્ડન્ટની નિમણૂક કરવાનું સરકારને ન સૂઝતાં દર્દીઓને ભોગવવાનો વારો આવ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ચાર મોટી હોસ્પિટલો છેલ્લા બે-ત્રણ વર્ષથી ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટના ભરોસે જ ચાલી રહી છે. આ કારણે દર્દીઓની સારવારને લગતા મહત્વના કામો અટવાઈને પડી રહ્યા છે. જુદી જુદી ત્રણ હોસ્પિટલોના આ વર્તમાન ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ પાસે એક કરતા વધુ જવાબદારી હોવાથી તેઓ આ પોસ્ટને પૂરતો ન્યાય આપી શકતા નથી. આ કારણે એક સમયે 1200થી વધુ દર્દીઓને દાખલ રાખી સારવાર આપતી વી.એસ. હોસ્પિટલમાં દરરોજ સરેરાશ માત્ર 16 દર્દીઓ જ દાખલ થાય છે. બજેટ મળ્યું છતાં એલ.જી.માં કેથલેબ તૈયાર થઈ નથી. શારદાબેને હોસ્પિટલના એક્સપાન્શન માટે જમીન ફાળવાઈ છે, પણ તેની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે.

વર્ષ 2013માં એએમસી મેટે પ્રથમ વખત વી.એસ. બોર્ડની મંજૂરી વગર ડૉ. એસ.ટી. મલ્હાનને વીએસના કાયમી સુપરિન્ટેન્ડન્ટ બનાવ્યા હતા. વર્ષ 2019માં એસવીપી હોસ્પિટલ શરૂ થતા ડૉ. મલ્હાનને એસવીપીના સુપરિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂક આપી. ડૉ. મનિષ પટેલને વી.એસ.ના ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ બનાવાયા હતાં. ડૉ. મલ્હાનને એકથી બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા પાછળ કર્મચારીઓના પીએફ બાબતે થયેલી આર્થિક ગેરરીતિ પણ જવાબદાર હોવાનું મનાઈ રહ્યુ હતું. ડૉ. મનિષ પટેલ હાલ એનએચએલ કોલેજમાં પ્રોફેસર છે અને સાથેસાથે એસવીપીમાં મેડિસિન વિભાગના એક યુનિટના વડા પણ છે. વર્ષ 2020-21ના સત્તાવાર આંકડાં મુજબ વી.એસ. હોસ્પિટલમાં સમગ્ર વર્ષ દરમિયાન ફકત 5840 દર્દીઓને દાખલ કરાયા હતાં. તેમજ રોજે સરેરાશ ફકત 422 દર્દીઓની ઓપીડીમાં તપાસ કરવામાં આવી હતી.

એલ.જી. હોસ્પિટલ પણ છેલ્લા ત્રણ વર્ષથી ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટના ભરોસે ચાલી રહી છે. એલ.જી. માં કેથલેબ તૈયાર કરવા સરકારે 10 કરોડ ફાળવ્યા હતા તે હજુ દર્દીઓ માટે શરૂ થઈ નથી. ત્રણ કરોડના ખર્ચે ચાર વર્ષ પહેલા પોસ્ટમોર્ટમ રૂમ તૈયાર કરાયો હતો તે પણ બંધ હાલતમાં છે. આ ઉપરાંત જૂની બિલ્ડિંગને તોડવી અથવા નવા માળ તૈયાર કરી મહત્તમ દર્દીઓને સારવાર આપવાનો વર્ષો જૂનો પ્લાન પણ ખોરંભે ચઢ્યો છે. એલ.જી. હોસ્પિટલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે સરકારે વર્ષ 2017-2018માં બજેટ પણ ફાળવેલુ છે.

શારદાબેનમાં 2 વર્ષથી કાયમી સુપરિન્ટેન્ડન્ટ નથી
શારદાબેન હોસ્પિટલ પણ છેલ્લા બે વર્ષથી કાયમી સુપરિન્ટેન્ડન્ટની ગેરહાજરીમાં જ કાર્યરત છે. નવી શારદાબેન હોસ્પિટલ તૈયાર કરવા ચાર વર્ષ અગાઉ જૂની અજીત મીલનો પ્લોટ ફાળવાયો હતો જેના પર હજુ સુધી કોઈ જ નિર્માણ કાર્યની શરૂઆત થઈ નથી. આ ઉપરાંત શારદાબેન હોસ્પિટલને પણ એનએચએલ મેડિકલ કોલેજ અને એએમસી મેટ મેડિકલ કોલેજની જેમ સ્વતંત્ર કોલેજ બનાવવા પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. તે પ્લાન પણ અનિશ્ચિત સ્થિતિમાં પહોંચી ગયો છે. ડૉક્ટરોને રહેવા માટે ખૂબ ખરાબ હાલતમાં ક્વાટર્સ છે.

સુપરિન્ટેન્ડન્ટની નિમણૂક કમિશનર જ કરે છે
હોસ્પિટલોમાં સુપરિન્ટેન્ડન્ટની નિમણૂક આપવા પહેલા બોર્ડમાં ચર્ચા કર્યા વગર મ્યુનિસિપલ કમિશનર નિર્ણય લેતા હોવાનો આક્ષેપ છે. કોર્પોરેશનના સિનિયર અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટની નિમણૂક માટે મેયર અથવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના અભિપ્રાયની જરૂર લેવાતી નથી. કમિશનર અને ડેપ્યુટી કમિશનર જેને નિમણૂક આપે તે ફાઈનલ ગણાય છે. નગરી હોસ્પિટલમાં તો વર્ષોથી એચઓડી અને સુપરિન્ટેન્ડન્ટની પોસ્ટ એક જ થઈ ગઈ છે.

ઈન્ચાર્જ અધિકારી કામનું વધુ બર્ડન લેતા નથી
મ્યુનિ. સંચાલિત હોસ્પિટલના સિનિયર અધિકારીએ કહ્યું કે, ઈન્ચાર્જ અધિકારી પાસે એક કરતા વધુ કામ હોવાના કારણે તે કામનું એડિશનલ બર્ડન લેવા તૈયાર થતા નથી. આ કારણે દર્દીઓની સુખાકારીને લગતા કામો અટવાતા હોય છે. અધિકારીએ જણાવ્યું કે, મ્યુનિ. એલજીના એક પૂર્વ કાયમી સુપરિન્ટેન્ડન્ટને તો ઘરે બેઠા પગાર ચૂકવી રહી છે. કોરોનામાં આ ડૉક્ટર પાસે કામગીરી કરાવી હોત તો દર્દીઓની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ હોત.

અન્ય સમાચારો પણ છે...