AMCની પેટા ચૂંટણી:અમદાવાદમાં ઈસનપુર અને ચાંદખેડા વોર્ડની બે બેઠક પર પેટાચૂંટણી, સરેરાશ 22 ટકા જ મતદાન

અમદાવાદ21 દિવસ પહેલા
મતદાન કરવા પહોંચેલા મતદારની તસવીર
  • સત્તા પરિવર્તન માટે મતદાન કર્યું : મતદાર
  • ભાજપના ઉમેદવાર રીટાબેન પટેલે પરિવાર સાથે ચાંદખેડાની સ્કૂલમાં મતદાન કર્યું

આજે ગાંધીનગરમાં મહાનગર પાલિકાની ચૂંટણી છે સાથે અમદાવાદમાં પણ 2 સીટ પર પેટા ચૂંટણી થઈ છે. ચાંદખેડા અને ઈસનપુર વોર્ડમાં ચૂંટાયેલા કોર્પોરેટરે રાજીનામું આપતા અને એક કોર્પોરેટરનું અવસાન થતાં બંને સીટ પર પેટાચૂંટણી યોજવામાં આવી છે. જેમાં ચાંદખેડાની સીટ માટે વહેલી સવારથી જ મતદારોનો ધસારો જોવા મળ્યો હતો. ચાંદખેડા વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીટાબેન પટેલે દુન બ્લોસમ સ્કૂલમાં પોતાના પરિવારના સભ્યો સાથે મતદાન કર્યું હતું.

ચૂંટણી પંચ મુજબ સરેરાશ 22 ટકા મતદાન થયું છે. ઈસનપુર વોર્ડમાં 23.60 ટકા જ્યારે ચાંદખેડા વોર્ડમાં 20.32 ટકા મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, ઈસનપુરમાં 3 અને ચાંદખેડામાં 4 ઉમેદવાર મેદાનમાં છે.

ભાજપ-કોંગ્રેસમાંથી કોણ કોણ ચૂંટણી જંગમાં
ચાંદખેડા વોર્ડમાં ભાજપમાંથી રીના પટેલ જ્યારે કોંગ્રેસમાંથી દિવ્યા રોહિત વચ્ચે મુખ્ય જંગ છે. તેમજ ઇસનપુર વોર્ડમાં ભાજપે પૂર્વ કોર્પોરેટર સ્વ.ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને ટીકીટ આપી છે. જ્યારે કોંગ્રેસે ભાવેશ દેસાઈને મેદાનમાં ઉતાર્યા છે.

ચાંદખેડામાં 24 કેન્દ્રો પર મતદાન
ચાંદખેડા વોર્ડમાં સવારે 7 વાગ્યાથી જ અલગ અલગ 24 કેન્દ્રો પર મતદાન શરૂ થયું હતું. ધીમે ધારે શરૂ થયેલ મતદાને 9 વાગ્યા સુધી ઝડપ પકડી હતી અને મોટા ભાગના કેન્દ્રો પર મોટી સંખ્યામાં મતદારો જોવા મળ્યા હતા. મતદાન કેન્દ્રોમાં કોરોનાની તમામ ગાઈડ લાઈનનું પાલન પણ કરાવવામાં આવ્યું હતું. મતદાન કેન્દ્રોની બહાર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બુથ લાગ્યા હતા. તમામ પક્ષના લોકો મતદાન મથકની બહાર મતદારોને મતદાન કરવા માર્ગદર્શન પણ આપી રહ્યા હતા.

મતદાન કરી રહેલા મતદારની તસવીર
મતદાન કરી રહેલા મતદારની તસવીર

સત્તા પરિવર્તન માટે મતદાન કર્યું: મતદાર
સોલંકી ઉર્વેશ નામના મતદારે જણાવ્યું હતું કે, આજે મેં પેટાચૂંટણી માટે મતદાન કર્યું છે. અમારા વોર્ડના કોર્પોરેટરે રાજીનામું આપતા આજે ફરથી મતદાન કરવું પડ્યું છે જેથી મેં આજે સત્તા પરિવર્તન માટે આજે મતદાન કર્યું છે.

ગત ચૂંટણીમાં ઈસનપુરમાં 41 ટકા જેટલું મતદાન થયું
પેટા ચૂંટણીનું પરિણામ 5 ઓક્ટોબરે જાહેર થશે. ઇસનપુરમાં કોર્પોરેટર ગૌતમ પટેલના અવસાનથી ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે આ બેઠક પર 100686 મતદારો તેમનું ભાવિ નક્કી કરશે. જેમાં 51997 પુરૂષો અને 48689 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ગત ચૂંટણીમાં ઇસનપુરમાં 41.98 ટકા જેટલું મતદાન થયું હતું.

ચાંદખેડામાં ભાજપના ઉમેદવાર રીટા પટેલે પરિવાર સાથે મતદાન કર્યું
ચાંદખેડામાં ભાજપના ઉમેદવાર રીટા પટેલે પરિવાર સાથે મતદાન કર્યું

ગત ચૂંટણીમાં ચાંદખેડામાં 39 ટકા મતદાન થયું
ચાંદખેડામાં એક મહિલા કોર્પોરેટેરે વ્યક્તિગત પ્રશ્નોને લઇને રાજીનામું આપી દેતાં ચૂંટણી યોજાઈ રહી છે. અહીં 4 ઉમેદવારો મેદાનમાં છે. ચાંદખેડામાં 103670 મતદારો છે. જેમાં 53473 પુરૂષો અને 50197 મહિલાઓનો સમાવેશ થાય છે. ગત ચૂંટણીમાં ચાંદખેડામાં 39.42 ટકા જેટલું મતદાન થયું હતું. બંને ખાલી જગાઓ પર અગાઉ ભાજપના ઉમેદવારો વિજયી થયા હતા. ત્યારે હવે ફરીથી આ બંને બેઠકો પર કોની જીત થાય છે તે બાબતે તમામની નજર મંડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...