ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર દ્વારા ગુજરાતના 18 જિલ્લાઓમાં “લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલ સિસ્ટમ”નું વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સીલ સિસ્ટમ(LADCS) એટલે કે કાનૂની સહાય સંરક્ષણ સલાહકાર સિસ્ટમ, ફોજદારી કેસમાં જરૂરિયાતમંદ અરજદારોને યોગ્ય કાનૂની સહાય પૂરી પાડવા માટેની નવી રચના છે.
શું છે લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સીલ સિસ્ટમ?
લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સીલ સિસ્ટમ (LADCS) ફોજદારી કેસમાં જરૂરિયાતમંદ અરજદારોને કાનૂની સહાય કરવા માટેની નવી સિસ્ટમ છે. વધુ વ્યાવસાયિક રીતે યોગ્ય કાનૂની સેવાઓ પૂરી પાડવા માટે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળે લીગલ એઇડ ડિલિવરી આધારિત યોજના તૈયાર કરી છે. જેમાં સપોર્ટ સિસ્ટમ સાથે વકીલો પણ દરેક સમયે જોડાયેલા હોય છે. આ LADCSની કચેરીઓ ફક્ત ફોજદારી કેસોમાં કાયદાકીય સહાયનું કામ કરશે. શરૂઆતમાં તે સેશન્સ કેસ પૂરતું મર્યાદિત હતું, પરંતુ હવે મેજિસ્ટ્રેટની અદાલતોમાં તેનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. નોંધનીય વાત એ છે કે, તેમાં રોકાયેલ વકીલોને પોતાનો ખાનગી વ્યવસાય કરવાની મંજૂરી નથી.
કેવી રીતે કામ કરશે LADCS?
કાનૂની સહાય સંરક્ષણ સલાહકાર પ્રણાલીનું કાર્યાલય ત્રિસ્તરીય સિસ્ટમ પર આધારિત છે. જેમાં મુખ્ય કાનૂની સહાય સંરક્ષણ સલાહકાર, નાયબ કાનૂની સહાય સંરક્ષણ સલાહકાર અને મદદનીશ કાનૂની સહાય સંરક્ષણ સલાહકારનો સમાવેશ થાય છે. તેમના દ્ધારા આપવામાં આવતી સેવા બદલ તેમને મહેનતાણું ચૂકવવામાં આવશે.
LADCSની રચનાથી શું ફાયદો થશે?
આ રચનાથી કાનૂની સહાય સંરક્ષણ સલાહકારની ઉપલબ્ધતા અને સુલભતામાં વધારો થશે. તેમના દ્વારા અસરકારક અને કાર્યક્ષમ પ્રતિનિધિત્વ થશે તો જેના પક્ષે રહી વકીલ વકીલાત કરતો હોય તે વ્યક્તિ સાથે સમયસર અને અસરકારક પરામર્શ થઈ શકશે. જે કાનૂની સહાય મેળવાનારાઓને ઉન્નત પ્રતિભાવ તરફ દોરી જશે અને કાનૂની સહાય પ્રદાન કરનારાઓની જવાબદારી સુનિશ્ચિત કરશે.
આ જિલ્લાઓમાં કાનૂની સહાય માટેની કચેરી
ગુજરાતના 18 જિલ્લાઓમાં ‘કાનૂની સહાય સંરક્ષણ સલાહકાર સિસ્ટમ)ની કચેરીઓનું ઉદઘાટન’ કરવામાં આવ્યું છે. જેમાં અમરેલી, આણંદ, અરવલ્લી, ભરૂચ, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, સાબરકાંઠા, તાપી અને વલસાડનો સમાવેશ થાય છે.
હાઇકોર્ટ રજીસ્ટ્રીના સભ્યો ઉપસ્થિત રહ્યા
આ કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ઉપરાંત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષ સોનિયા ગોકાણી, ગુજરાત હાઇકોર્ટના અન્ય ન્યાયાધીશ, એડવોકેટ જનરલ, સરકારી વકીલ, એડવોકેટ એસોસિયેશન અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રતિનિધિઑ તેમજ હાઇકોર્ટ રજીસ્ટ્રીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.