પૂર્વ ગૃહમંત્રી AAPમાં જોડાશે:વિપુલ ચૌધરી આવતીકાલે આમ આદમી પાર્ટીમાં જોડાશે, જેલમાંથી મોકલેલો પત્ર સભામાં વાંચી સંભળાવશે

અમદાવાદ4 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જામી ગઈ છે અને એક બાદ એક રાજકીય ઉથલ પાથલ શરૂ થઈ ગઈ છે. આવતીકાલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે. વિપુલ ચૌઘરી હાલ 800 કરોડના કૌભાંડ મામલે જેલમાં છે. પરંતુ ગાંધીનગરના ચરાડા ખાતે કેજરીવાલની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવશે. વિપુલ ચૌધરી દ્વારા જેલમાંથી મોકલાવેલો પત્ર સભામાં વાંચી સંભળાવશે. તેમજ વિસનગર વિધાનસભા સીટ પરથી આપમાં ચૂંટણી લડશે.

ઉત્તરગુજરાતની 20 બેઠકો પર અસર
વિપુલ ચૌધરીએ બે મહિના અગાઉ આમ આદમી પાર્ટીનો હાથ પકડવાના સંકેત આપ્યા હતા. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સમજદારી એટલે ભાજપ અને સંઘર્ષ એટલે 'આપ', અમારે તો સંઘર્ષ કરવો છે. આમ આદમી પાર્ટીમાં આકર્ષણ છે. સૌની પાર્ટી છે. પાર્ટીમાં હકારાત્મકતા ખૂબ છે. ગાંધીનગર મનપામાં આમ આદમી પાર્ટીના કોણ આગેવાન છે એ ખ્યાલ નથી, તેમ છતાં 20 ટકા મત મળ્યા છે.

વિપુલ ચૌધરીની ધરપકડ
રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે અને તપાસ એસીબીને સોંપી દીધી છે. આ ઘટનાથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના વિરોધ કરી રહી છે તો બીજી તરફ એસીબી વિપુલ ચૌધરીની કડક પૂછપરછ કરી આક્ષેપ આધીન પુરાવા એકત્રિત કરી રહી છે.

અલગ અલગ 800 કરોડથી વધુના કૌભાંડ
આ અંગે ACBના જોઈન્ટ ડાયરેક્ટર મકરંદ ચૌહાણે જણાવ્યું હતું કે, વિપુલ ચૌધરીનો કાર્યકાળ 2005 થી 2016 સુધીનો રહ્યો હતો. આ કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરીએ અલગ અલગ 800 કરોડથી વધુનાં કૌભાંડ કર્યાં છે.

નિયમોનું ઉલ્લંઘન કરી 485 કરોડના બાંધકામ કરાવ્યાં
તેમના કાર્યકાળ દરમિયાન મિલ્ક કૂલરની ખરીદી કરી હતી, જેમાં સરકારની ગાઈડલાઇન અને ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરીને ગેરરીતિ આચરી હતી. 485 કરોડના બાંધકામ કરાવ્યાં હતાં, જે બાંધકામ માટે પણ SOPનું પણ ઉલ્લંઘન કર્યું હતું. તેમણે ડેપ્યુટી સેક્રેટરી વિરુદ્ધ રિવિઝન અરજી કરી હતી જે માટે વકીલનો ખર્ચ પણ દૂધ ઉત્પાદન સંઘમાં ઉધાર્યો હતો.

બારદાન ખરીદીમાં 13 લાખની ગેરરીતિ આચરી
જ્યારે બારદાન ખરીદી માટે ઓછા ભાવની એજન્સી હોવા છતાં વધારે ભાવથી ખરીદી કરી 13 લાખની ગેરીરીતિ આચરી હતી. પ્રચાર-પ્રસાર માટે જે એજન્સીને કામગીરી સોંપવાની હોય તેની જગ્યાએ ઊંચા ભાવની એજન્સીને કામ સોંપીને ગેરરીતિ કરી હતી. આ ઉપરાંત કૌભાંડથી ભેગી કરેલી રકમ માટે 31 કંપની ઊભી કરી હતી. આ 31 કંપની ખોટા ડોક્યુમેન્ટના આધારે રજિસ્ટર્ડ કરાવી હતી. આ કંપનીમાં તેમનાં પત્ની અને પુત્ર પણ ડાયરેક્ટર હતાં.

પત્ની, પુત્ર અને CAના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા
વિપુલ ચૌધરીએ બનાવેલી બોગસ કંપનીના નામે ખોલાવેલા બોગસ બેંક એકાઉન્ટમાંથી રકમ ટ્રાન્સફર કરવાના કિસ્સા પણ ધ્યાને આવ્યા છે. આ રકમ પોતાની પત્ની, પુત્ર અને સીએના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાની માહિતી એસીબીને હાથ લાગી છે.

14 મુદ્દા તપાસ અધિકારીને સોંપ્યા
આ સમગ્ર મામલે જિલ્લા રજિસ્ટ્રારે હાઇકોર્ટનો હુકમ મેળવ્યો હતો, જે બાદ 2 ટીમ બનાવી તપાસ કરી હતી. આ તપાસમાં બંને ટીમે 14-14 મુદ્દા નોંધ્યા હતા. આ 14 મુદ્દા તપાસ અધિકારીને સોંપ્યા હતા. તપાસ અધિકારીએ 10 મુદ્દા તપાસતા હકીકતમાં ગેરીરીતિ હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે હાલ ACB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

સ્પેશિયલ ઓડિટ દરમિયાન કલમ 86 મુજબ તપાસ
વર્ષ 2020માં દૂધસાગર ડેરીનું સ્પેશિયલ ઓડિટ કરવામાં આવ્યું હતું. આ ઓડિટમાં કેટલીક શંકાસ્પદ બાબતો સામે આવતાં રજિસ્ટ્રાર વિભાગમાં અહેવાલ મોકલાયો હતો. અહેવાલને આધીન શંકાસ્પદ બાબતો અંગે સ્વતંત્ર અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. અહેવાલમાં જે જે મુદ્દા હતા તે તમામ બાબતો પર ઝીણવટભરી તપાસ કર્યા બાદ પ્રાથમિક અહેવાલ સહકાર વિભાગને સુપરત કરવામાં આવ્યો. અહેવાલને આધીન જો તથ્યો જણાય તો વિભાગીય અધિકારી પાસે નાણાકીય બાબત હોય કે પછી ખાતાકીય કે ફોજદારી બાબત હોય તેવા સંજોગોમાં પગલાં લેવાનો અધિકાર છે. આ અધિકાર અન્વયે ફોજદારી વિગતો બહાર આવતાં સહકાર વિભાગના સંયુક્ત રજિસ્ટ્રારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

700 જેટલાં મિલ્ક કૂલર ખરીદ્યાં હતાં
વિપુલ ચૌધરીના શાસનમાં વર્ષ 2008થી 2012 દરમિયાન વિવિધ સહકારી મંડળીઓ માટે 700થી વધુ મિલ્ક કૂલરની બલ્કમાં ખરીદી કરવામાં આવી હતી. આ મિલ્ક કૂલરની ખરીદીમાં રાજ્ય સરકાર 80 ટકા સબસિડી આપતી હતી. કૃષિ વિભાગ દ્વારા સમગ્ર યોજના બહાર પાડવામાં આવી હતી ત્યારે મિલ્ક કૂલરની જથ્થાબંધ ખરીદી દરમિયાન વિપુલ ચૌધરીએ મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ તેમના પર લાગ્યો છે.

25 કરતાં વધારે બોગસ કંપની બનાવી
વિપુલ ચૌધરીએ પોતાના દૂધ સંઘના શાસનકાળ દરમિયાન કરેલા ભ્રષ્ટાચારની રકમને સેટ કરવા માટે અલગ અલગ 25 કરતાં વધુ બોગસ કંપની બનાવી હોવાની માહિતી એસીબી તરફથી પ્રાપ્ત થઈ રહી છે. આ બોગસ કંપની બનાવવા માટે બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ કર્યો હોવાની જાણકારી મળી રહી છે.

બોગસ કંપનીના નામે બોગસ બેંક એકાઉન્ટ
વિપુલ ચૌધરીએ બનાવેલી બોગસ કંપનીનાં બોગસ એકાઉન્ટ પણ ખોલાવ્યાં હતાં. આ બોગસ એકાઉન્ટ ખોલવા માટે તેમણે બોગસ દસ્તાવેજોનો પણ ઉપયોગ કર્યો હતો. બોગસ એકાઉન્ટ ખૂલ્યાં બાદ ભ્રષ્ટાચારની તમામ રકમ આ જુદાં જુદાં એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હોવાની વિગત એસીબી મારફતે પ્રાપ્ત થઈ રહી છે.

અલગ સંગઠન ઊભું કરી વર્ચસ્વની લડાઈ
ભાજપમાં જ રહીને ભાજપને પ્રેશરમાં લાવવાનો પ્રયાસ કરવા માટે અર્બુદા સેનાની રચના કરવી અને ત્યાર બાદ અલગ સંગઠન ઊભું કરી વર્ચસ્વની લડાઈ લડવા માટે વિપુલ ચૌધરીનું સપનું અધૂરું રહ્યું હોય એમ લાગે છે, કેમ કે વિધાનસભાની ચૂંટણી પહેલાં જ વિપુલ ચૌધરીની મની લોન્ડરિંગ જેવા કેસમાં ધરપકડ થઈ છે, ત્યારે આ કેસમાંથી બહાર નીકળવા માટે લાંબો સમય નીકળી જઈ શકે એમ છે.

3 સપ્ટેમ્બરે ભાજપને રીઝવવાનો પ્રયાસ
મહેસાણાના વીસનગર ખાતે 3 સપ્ટેમ્બરના રોજ અર્બુદા સેના કાર્યાલયનો ઉદઘાટન સમારંભ હતો, જેમાં હાજર રહેલા વિપુલ ચૌધરીએ ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ હોય તેવા લોકો પોતાના સમાજના લોકોને ઘરડા ઘરમાં મૂકી આવે અને અન્ય સમાજમાં નેતૃત્વ કરવાનો વિચાર કરતા હોય તેવા લોકોની નીતિ ઉઘાડી પાડવાનું નિવેદન કર્યું હતું. વધારામાં તેમણે કહ્યું હતું કે ગઈકાલના મુખ્યમંત્રી અને આજના પ્રધાનમંત્રીના હસ્તે તેમણે ભાજપનો ખેસ પહેર્યો છે. આ સમય દરમિયાન તેમણે ભાજપને રીઝવવાનો પ્રયાસ કરતું એક નિવેદન કરતાં જણાવ્યું હતું કે તેઓ ભાજપમાંથી જ ચૂંટણી લડશે અને વીસનગરથી જ ચૂંટણી લડશે.

ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી પર પ્રતિબંધ?
આમ આદમી પાર્ટીનું ભલે સુરત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સંગઠન વિસ્તર્યું હોય, પરંતુ ઉત્તર ગુજરાતમાં હજુ એકપણ નેતા એવો નથી કે જે આમ આદમી પાર્ટીનો ઝંડો પકડી શક્યો હોય. આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે વિપુલ ચૌધરીએ થોડા સમય અગાઉ જ દિવ્ય ભાસ્કરને સંકેત આપ્યા હતા. ત્યારે જો વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હોત તો અર્બુદા સેના મારફત આમ આદમી પાર્ટીને ઉત્તર ગુજરાતમાં એન્ટ્રી મળી શકી હોત. જોકે હવે વિપુલ ચૌધરીની ધરપકડ થઈ છે ત્યારે આમ આદમી પાર્ટી માટે વિધાનસભા ચૂંટણી અગાઉ ઉત્તર ગુજરાતમાં એન્ટ્રી લેવી મુશ્કેલ બની ગઈ છે.

વિપુલ ચૌધરી ના હોય તો ભાજપને ફાયદો
વિપુલ ચૌધરી ભલે ભાજપમાં જ છે, પરંતુ તેમની લડાઈ અસ્તિત્વ માટેની છે અને એ જ કારણસર સત્તા સામે તેઓ પડીને પોતાના વર્ચસ્વ માટે ઝઝૂમી રહ્યા છે. એ જ કારણસર સ્વાભાવિક છે કે સત્તા પક્ષ, એટલે કે ભાજપને નુક્સાની વેઠવી પડી શકે છે, પરંતુ હવે જ્યારે વિપુલ ચૌધરીની ધરપકડ થઈ છે ત્યારે સત્તાવિરોધી ભાવના ઊભી થવામાં સમર્થન મળશે નહિ અને જેનો સીધો જ ફાયદો ભાજપને મળી શકે છે.

2017માં ભાજપે ઉત્તર ગુજરાતની સીટો ગુમાવી
ઉત્તર ગુજરાતના રાજકારણમાં ત્રણ સમાજનો ત્રિપાંખિયો જંગ જોવા મળે છે. ચૌધરી સમાજનું પ્રભુત્વ ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની 33 સીટ પર જોવા મળે છે. એમાં વળી જો ચૌધરી સમાજ ઈચ્છે તો ધરમૂળથી સત્તા બદલવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે એમ છે. ઉદાહરણ તરીકે વર્ષ 2017માં એન્ટીઈન્કમ્બન્સીને કારણે ભાજપને અનેક સીટ ગુમાવવાનો વારો આવી ચડ્યો હતો, જેમાં રાજ્યના પૂર્વ આરોગ્યમંત્રી શંકર ચૌધરીની પણ વાવ વિધાનસભા બેઠક પર હાર થઈ હતી.

આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ધરપકડ થઈ હોત તો?
વિપુલ ચૌધરીએ અનેકવાર આપમાં જોડાવવા અંગે સંકેત આપ્યા હતા, પરંતુ તેઓ ભાજપમાં હોવાના જ નિવેદન કરતા હતા. જો તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા બાદ તેમની ધરપકડ થઈ હોત તો આવા સંજોગોમાં આપ માટે આફતરૂપ સ્થિતિ ઊભી થઈ હોત. હવે આમ આદમી પાર્ટી માટે સ્થિતિ એ ઊભી થઈ શકે છે કે આખરે ઉત્તર ગુજરાતમાં એન્ટ્રી લેવી કેવી રીતે ?

પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવામાં હંમેશાં વિવાદાસ્પદ ભૂમિકા
વિપુલ ચૌધરીને જાણતા હોય તેવા નેતાઓ કહે છે કે વિપુલ ચૌધરી હંમેશાં વિવાદા્પદ ભૂમિકામાં રહ્યા છે. તેઓ જે પક્ષમાં રહેતા તેના વિરોધી પક્ષની હંમેશાં તરફેણ કરતા અથવા તો તેમને મદદ કરી પોતાનું બંધબારણે સમર્થન આપતા હતા. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી તેમજ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તેમના દ્વારા કરવામાં આવેલો પ્રચાર એનાં ઉદાહરણ છે.

ચૌધરી સમાજમાં બે ભાગ થયા અને વિપુલ ચૌધરી ચૂંટણી હાર્યા
ચૌધરી સમાજ એક એવો સમાજ છે, જે હંમેશાં સત્તા મેળવવા માટે મહત્ત્વનો ભાગ ભજવતો સમાજ રહ્યો છે. જેમ જેમ ઉત્તર ગુજરાતમાં બીજા નેતાઓનું પ્રભુત્વ વધતું ગયું એમ એમ અસ્તિત્વની લડાઈમાં વધારો થતો ગયો. આમ, એક જ સમાજના ભાજપ સમર્પિત અનેક નેતાઓ વચ્ચે આંતરિક જૂથવાદ વધતો ગયો એમ એમ વિપુલ ચૌધરીની તાકાતમાં ઘટાડો થતો ગયો. ચૌધરી સમાજમાં આ જ કારણસર બે ફાંટા પડ્યા અને વિપુલ ચૌધરી ચૂંટણી હારી ગયા હતા.

એક સમયના કદાવર નેતા ધીમે ધીમે સામાન્ય થઈ ગયા
એલડી એન્જિનિયરિંગમાં જનરલ સેક્રેટરીથી રાજનૈતિક સફર શરૂ કરનારા વિપુલ ચૌધરી એ સમયે સૌથી તાકાતવર નેતા માનવામાં આવતા હતા. તેમના સમર્થનમાં મોટી જનમેદની રહેતી હતી. જોકે આ સ્થિતિમાં ક્રમશ: બદલાવ આવતો ગયો એમ એમ તેમની લોકચાહના ઘટતી જતી જોવા મળી. આમ, એક સમયના કદાવર નેતામાંથી ધીમે ધીમે તેઓ માર્જિનલ અને પછી સામાન્ય સમર્થન ધરાવતા નેતા બનતા ગયા.

પોતાના જ ગામની ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની હાર
તાજેતરમાં યોજાયેલી દૂધસાગર ડેરીની ચૂંટણીમાં પણ વિપુલ ચૌધરીની કારમી હાર થતાં પશુપાલકોએ દૂધસાગરનો તાજ યુવા ચેરમેન અશોકભાઇ ચૌધરીને પહેરાવ્યો હતો. એ બાદ તેમની માદરે વતનમાં પણ હાર થઈ હતી. ચરાડા દૂધ મંડળીમાં વ્યવસ્થાપક કમિટીની 11 સામાન્ય બેઠક અને 2 મહિલા બેઠક એમ કુલ 13 બેઠક માટે 18 ઉમેદવાર મેદાનમાં હતા, જેમાંથી વિપુલ ચૌધરી પેનલના ઉમેદવારોને સૌથી ઓછા 249 મત મળ્યા હતા, જ્યારે અમિત ચૌધરી પેનલની જીત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...