આપને Bye, ભાજપને Hi:AAPનો સાથ છોડી કેસરિયો ધારણ કરનારા વિજય સુવાળાએ કહ્યું, 'હજી હું યુવાન છું, શા માટે મારી યુવાની જતી કરવી'

અમદાવાદ4 મહિનો પહેલા
  • જે કમલમમાં આપ અને ભાજપના નેતાઓ સામસામે હતા ત્યાં જ વિજય સુવાળાએ ભાજપનો ખેસ પહેર્યો

ગુજરાતમાં આગામી થોડા મહિનાઓ બાદ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે દરેક પક્ષ પોતે મજબૂત થવા કોઇ ને કોઇ પ્રયાસ કરી રહ્યા છે. એવા સમયે ઇસુદાનની સાથે સ્ટેજ શેર કરનારા વિજય સુવાળા એક મહિનાની અંદર જ પોતાની વિચારધારા બદલીને પોતાની યુવાની કેમ બરબાદ કરવી એવું કહી ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. ભાજપમાં જોડાવા માટે તેમની પાસે કોઇ ખાસ કારણ નથી, પણ કયા કારણથી તેઓ જોડાયા એ પણ કહેવા તૈયાર નથી. આ કલમમાં થોડા સમય અગાઉ આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો સામ સામે આવ્યા હતા, ધીંગાણું થયું અને હવે આ જ આમ આદમી પાર્ટીના નેતા રહેલા વિજય સુવાળા ભાજપમાં જોડાઈ ગયા છે.

યુવાની બચાવવા ભાજપમાં જોડાયા વિજય સુવાળા!
ગુજરાતના લોકગાયક ગણાતા વિજય સુવાળા પહેલા આમ આદમી પાર્ટી છોડવાની વાત કરી અને ગણતરીના કલાકોમાં ભાજપમાં જોડાઈ ગયા. આજે વિજય સુવાળા તેના સમર્થકો સાથે કમલમ ખાતે આવ્યા હતા, જ્યાં તેમણે આમ આદમી પાર્ટીમાંથી પલટી મારી અચાનક ભાજપમાં કેમ આવ્યા તેના જવાબમાં હાસ્યાસ્પદ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હજી હું યુવાન છું, શા માટે મારી યુવાની જતી કરવી.

2022ની ચૂંટણીમાં ભાજપમાંથી તક મળશે?
આમ આદમી પાર્ટીમાં મોટી મોટી વાતો કરતા વિજય સુવાળા હવે ભાજપમાં જોડાવાનું કારણ સુધ્ધાં પણ આપી શકતા નથી. સ્ટેજ પરથી લોકગાયકી કરવી અને રાજકારણમાં વિચારધારાને જોડાઈ રહેવું એ ખૂબ અલગ બાબત છે, એ વાત વિજય સુવાળા ભૂલી ગયા લાગે છે. હવે આગામી 2022ની વિધાનસભા ચૂંટણીમાં જો વિજય સુવાળાને કોઈ મોટી તક નહીં મળે તો તેમનો આ નિર્ણય કદાચ ખોટો સાબિત થઇ શકે છે એવું રાજકીય વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે.

સી.આર પાટીલે ભાજપનો ખેસ પહેરાવ્યો
નોંધનીય છે કે વિજય સુવાળા અમદાવાદથી કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા હતા. ઉપરાંત કમલમ ખાતે અગાઉથી અનેક કાર્યકરો હાજર હતા. કમલમના હોલમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે વિજય સુવાળાને ભાજપનો કેસરિયો પહોરાવ્યો હતો.

ગઈ કાલે આપ નેતા ઈસુદાન ગઢવી મનાવવા ગયા હતા
'આપ'માં જોડાયાના સાત મહિનામાં જ સિંગર રાજીનામુ આપી ભાજપ સાથે જોડાઈ ગયા છે. નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી વિજય સુવાળાને મનાવવા તેના ઘરે ગયા હતા. જોકે ઈસુદાન ગઢવીના મનામણા છતાં વિજય સુવાળા પોતાના નિર્ણયથી ટસના મસ થયા નહોતા. વિજય સુવાળા છેલ્લાં કેટલાક દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં પણ હાજરી આપતા નહોતા. વિજય સુવાળા કયા કારણોસર પાર્ટીથી નારાજ હતા એ વિગત હજી બહાર આવી નથી.

અન્ય સમાચારો પણ છે...