જન્મ દિવસ / વિજય રૂપાણી જન્મે બર્મીઝ પણ કર્મે ગુજરાતી, કોર્પોરેટરથી લઈ મુખ્યમંત્રી સુધીની સફર

vijay rupani political a journey from corporator to chief minister
X
vijay rupani political a journey from corporator to chief minister

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 01:49 PM IST

અમદાવાદ. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે જન્મ દિવસ છે. વિજય રૂપાણીનો જન્મ 2 ઓગષ્ટ 1956ના રોજ બર્માના રંગૂનમાં થયો હતો તે જન્મે બર્મીઝ છે પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને વસતાં કર્મે ગુજરાતી બન્યા હતાં. 1971થી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાયેલા રૂપાણીએ ભાજપ સંગઠન અને સરકારમાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું છે. તેઓ કોર્પોરેટરથી શરૂઆત કરીને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા છે.

વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી
મુખ્યમંત્રી રૂપાણીએ કોલેજના દિવસોમાં તેમની યુવાશક્તિનો ઉપયોગ કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સંગઠનના પડકારો દૂર કર્યા હતા. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં નોંધપાત્ર બહુમતી સાથે તેઓ વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી (GS) તરીકે ચૂંટાઇ આવ્યાં હતા. તેઓ આર્થિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓના સંઘર્ષનો અવાજ પણ બન્યા હતા. વિદ્યાર્થીકાળ દરમિયાન આર્થિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓની ફી દૂર કરવા માટેના વિરોધ પ્રદર્શનોમાં તેમણે આગેવાની કરી હતી.

ભાવનગર-ભુજમાં જેલવાસ
કટોકટી દરમિયાન તેઓ લોકઆંદોલનો સાથે સક્રીય રીતે જોડાયા હતા અને 1976માં ખૂબ જ નાની વયે તેમણે ભૂજ અને ભાવનગરની જેલોમાં એક વર્ષ માટે મિસા(MISA) હેઠળ જેલવાસ વ્હોર્યો હતો.

1987માં કોર્પોરેટર બન્યા
ત્યાર બાદ 1987માં કોર્પોરેટર તરીકે તેમની રાજકીય કારકિર્દી ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગી. રાજકોટ શહેરને શ્રેષ્ઠ શહેરમાં રૂપાંતર કરવા માટે તેમણે તેમની રાજકીય કુનેહનો ઉપયોગ કર્યો. રાજકોટ શહેરમાં ભાજપના મહામંત્રી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે પણ તેમના કાર્યકાળ દરમિયાન તેમણે તેમની આગવી સૂઝબૂઝનો ઉપયોગ કર્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની આગેવાની કરનારા તેઓ સૌથી યુવાન વ્યક્તિ હતા.

રૂપાણીએ જાન્યુઆરી 2018માં બીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારની તસવીર

ત્રણ ટર્મ મહામંત્રી, રાજ્યસભા MP, પ્રદેશ પ્રમુખ અને હવે મુખ્યમંત્રી
તેઓ 1988થી 1995 દરમિયાન રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર(1996-97) રહી ચૂક્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્વની સંગઠનની જવાબદારી સહિત 3 ટર્મ મહામંત્રી રહી ચૂક્યાં છે. 2006 ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ, 2006થી 2012 રાજ્યસભાના સાંસદ, 2013ના અંતમાં થોડો સમય મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન, સૌરાષ્ટ્ર સ્ટોક એકસચેન્જના ડાયરેક્ટર પણ રહી ચૂક્યાં છે. તેઓ પહેલી વિધાનસભા ચૂંટણી વજુભાઇ વાળા જે બેઠક (રાજકોટ-2)પર જીતતા આવ્યા હતા અને મોદી સૌપ્રથમ જ્યાંથી ધારાસભા લડ્યા તે સીટ પરથી લડ્યા અને કેબિનેટ મંત્રીનો હોદ્દો મળ્યો હતો. જેમા તેની પાસે પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર, વાહનવ્યવહાર વિભાગ હતા. બાદમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. 7 ઓગસ્ટ 2016 રોજ તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ 2018ના જાન્યુઆરીમાં બીજીવા મુખ્યમંત્રી બન્યા હતા. આમ તેઓ 4 વર્ષથી રાજ્યનું સુકાન સંભાળી રહ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી