યે દૂરીયા...:વિજય રૂપાણી વડાપ્રધાનને રૂબરૂ ન મળી શક્યા, વર્ચ્યુઅલી રામ રામ કરીને વિદાય લેવી પડી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્ણાટક અને ઉત્તરાખંડના CMએ રાજીનામું આપતા પહેલા PM સાથે મુલાકાત કરી હતી
  • વિજય રૂપાણી રાજીનામાં પહેલા સરદારધામના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જ પ્રધાનમંત્રીને મળી શક્યા

શનિવારે અમદાવાદ ખાતે પાટીદાર સમાજદ્વારા નિર્મિત સરદારધામનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને દિલ્હીથી રિમોટ કન્ટ્રોલ દ્વારા સરદારધામનું લોકાર્પણ કર્યું એ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સ્ક્રીન સામે મોજૂદ હતા. આ કાર્યક્રમ બાદ તેમણે રાજીનામું આપી દીધું. તેમના અચાનક રાજીનામાં બાદ અનેક તર્ક વિતર્કો શરૂ થયા હતા. તેમના રાજીનામાં બાદ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી તરફથી સોશિયલ મીડિયામાં કોઈ પ્રતિક્રિયા ન આવતા સો.મીડિયા યુઝર્સમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

PMના કાર્યકમથી જ સીધા રાજભવન પહોંચ્યા રૂપાણી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કાર્યક્રમ દરમિયાન જ રૂપાણીને અહીંથી સીધા રાજભવન પહોંચીને રાજીનામું આપવાનો આદેશ મળી ગયો હતો. આ આદેશને માથે ચડાવીને રૂપાણીએ રાજ્યપાલને મળીને રાજીનામું આપી દીધું હતું. તેથી યોગાનુયોગ રૂપાણી માટે સરદારધામનું લોકાર્પણ મુખ્યમંત્રી તરીકેનો છેલ્લો કાર્યક્રમ પુરવાર થયો હતો.

PM મોદી સાથે ઉત્તરાખંડના પૂર્વ CM તીર્થ સિંહ રાવતની તસવીર
PM મોદી સાથે ઉત્તરાખંડના પૂર્વ CM તીર્થ સિંહ રાવતની તસવીર

ઉત્તરાખંડ અને કર્ણાટકના CMએ રૂબરૂમાં PM સાથે મુલાકાત કરી હતી
સામાન્ય રીતે મુખ્યમંત્રી રાજીનામું આપે તે પહેલા વડાપ્રધાન સાથે મુલાકાત કરતા હોય છે. પરંતુ વિજય રૂપાણીએ PM મોદીને વર્ચ્યુઅલ રીતે જ કાર્યક્રમમાં પ્રણામ કર્યા હતા. ચોંકાવનારી બાબત એ છે કે ઉત્તરાખંડ અને કર્ણાટકના કિસ્સામાં મુખ્યમંત્રીએ રાજીનામું આપતાં પહેલા મોદીએ તેમની સાથે મુલાકાત કરી હતી, પણ રૂપાણીને આ નસીબ પણ પ્રાપ્ત ન થયું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીર્થ સિંહ રાવતે PM સાથે મુલાકાત કરી હતી, જ્યારે કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાએ પણ રાજીનામું આપતા પહેલા PM મોદી સાથે મુલાકાત કરી હતી.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પા સાથે PMની તસવીર
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પા સાથે PMની તસવીર

વિજય રૂપાણી સાથે મંત્રીમંડળનું પણ રાજીનામું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે તેમના પદ પરથી રાજીનામુ આપી દિધું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી સહિત તેમના મંત્રીમંડળના પ્રધાનોએ આપેલા રાજીનામા સ્વીકારી લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય વ્યવસ્થા થાય ત્યા સુધી મુખ્યમંત્રી રૂપાણી અને તેમના મંત્રીમંડળે તેમના હોદ્દા પર કામગીરી જાળવી રાખવા રાજ્યપાલે વિનંતી કરી છે. અગાઉ ફક્ત મુખ્યમંત્રી બદલાય અને આ પદ માટે નવા ચહેરાની ચર્ચાએ જોર પડક્યું હતું, પણ હવે સરકારના તમામ નેતાઓએ રાજીનામુ આપી દેતા હવે ગુજરાતની આખી સરકાર જ નવી બનશે અને નવા પ્રધાનોની નિમણૂંક થશે. આ માટે ગુજરાતથી લઈને દિલ્હી સુધી હાઈકમાન્ડમાં શ્રેણીબદ્ધ બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

રાજ્યપાલને રાજીનામું આપવા પહોંચેલા વિજય રૂપાણીની તસવીર
રાજ્યપાલને રાજીનામું આપવા પહોંચેલા વિજય રૂપાણીની તસવીર

CMની રેસ માટે કોણ કોણ દાવેદાર?
રૂપાણીના રાજીનામા બાદ પાટીદાર નેતા અને કેન્દ્રીય મંત્ર મનસુખ માંડવિયા ગુજરાતના નવા સીએમ બને એવી વાતો વહેતી થઈ હતી. જોકે શનિવાર સાંજ સુધીમાં ભાજપે બાજી ફરેવી છે. વિશ્વાસપાત્ર વર્તુળોના જણાવ્યા મુજબ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના એડમિનીસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલ CMપદ માટે હુકમનો એક્કો બનશે. જ્યારે નીતિન પટેલ અને ગોરધન ઝડફિયાનું નામ પણ આ લિસ્ટમાં ચર્ચા રહ્યું છે. એવામાં હવે જોવાનું રહેશે કે પાર્ટી આ ચારમાંથી કોઈને CM બનાવે છે અથવા કોઈ નવો જ ચહેરો પ્રજા સમક્ષ લાવશે.