નારાજગી:વિજય રૂપાણી-નીતિન પટેલને મનાવવા 3 કલાક સુધી પ્રયાસ, મોડી રાત્રે નીતિન પટેલ શંકરસિંહ વાઘેલાને મળ્યા હોવાની આશંકા

અમદાવાદ3 મહિનો પહેલા
ફાઈલ ફોટો
  • નીતિન પટેલ વર્ષોથી ભાજપને વફાદાર રહ્યાં છે પણ આ મુલાકાતથી અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે.

નવા મુખ્યમંત્રીએ પદભાર ગ્રહણ કર્યાના ચોવીસ કલાકની અંદર જ ટોચના નેતાઓની નારાજગી ઉપરની સપાટીએ આવી ગઈ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આ નારાજ નેતાઓમાં છે. તેમની નારાજગી ખાળવા માટે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ અને ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ત્રણ કલાક સુધી આ ત્રણ નેતાની નારાજગી દૂર કરવા જહેમત કરવી પડી હતી. બીજી તરફ નારાજ થયેલા નીતિન પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મળ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.

શંકરસિંહ સાથેની મુલાકાતને લઈ અનેક તર્કવિતર્ક
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મંગળવારે મોડી રાત્રે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને કોઈ અજ્ઞાત સ્થળે મળ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. બંને નેતાઓ વચ્ચે લાંબી ચર્ચાઓ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. ભાજપના જ કેટલાક ઉચ્ચ નેતાઓને આ મુલાકાતની આઈબી પાસેથી માહિતી મળતાં મોડી રાત સુધી પક્ષમાં દોડધામ મચી ગઈ હતી. ભાજપના સુત્રોએ આ માહિતીને સમર્થન આપ્યું હતું. નીતિન પટેલ વર્ષોથી ભાજપને વફાદાર રહ્યાં છે. તેથી તેમની આ મુલાકાતને કારણે અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે.

નીતિન પટેલને મનાવવા પક્ષમાં દોડધામ મચી ગઈ હતી
નીતિન પટેલને મનાવવા પક્ષમાં દોડધામ મચી ગઈ હતી

સંતોષ યાદવે રૂપાણી અને નીતિન પટેલને ત્રણ કલાક સુધી મનાવ્યા
બપોરે અઢી વાગ્યા બાદ બંને રાષ્ટ્રીય સંગઠનના નેતા મુખ્યમંત્રી બંગલે આવ્યા હતા, જ્યાં પ્રથમ તેમણે રૂપાણી સાથે દોઢેક કલાક ચર્ચા કરી હતી. એ દરમિયાન નીતિન પટેલ, ચૂડાસમાને પણ અહીં બોલાવાયા હતા અને બીજા દોઢથી બે કલાક સુધી સંતોષ અને યાદવે તેમને કેન્દ્રીય નેતાગીરીનો સંદેશ પાઠવીને તેમની નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ પણ આ નેતાઓની નારાજગી દૂર થઈ નથી. બેઠકમાં ભૂતપૂર્વ મંત્રીઓ કૌશિક પટેલ અને પુરુષોત્તમ સોલંકી પણ જોડાયા હતા. જોકે આ બંને નેતા સાથે સંતોષ કે યાદવે મુલાકાત કરી ન હતી, પરંતુ તેમણે રૂપાણી, પટેલ અને ચૂડાસમા સામે પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો.

વિજય રૂપાણી અને નીતિન પટેલને સંતોષ યાદવે ત્રણ કલાક સુધી મનાવ્યા ( ફાઈલ ફોટો)
વિજય રૂપાણી અને નીતિન પટેલને સંતોષ યાદવે ત્રણ કલાક સુધી મનાવ્યા ( ફાઈલ ફોટો)

નીતિન પટેલને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં મંત્રી તરીકે સામેલ થવા માટે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે તથા તેમને સરકારમાં નંબર-2નું સ્થાન અપાશે તેવી હવા ઊડી છે. પરંતુ ભાજપના જ વરિષ્ઠ નેતાઓને આ વાત ગળે ઉતરતી નથી. ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા મુજબ 2017માં તેઓ નાયબ મુખ્યમંત્રી હતા પરંતુ તેમને ખૂબ મહત્ત્વનું ગણાતું એવું નાણાં ખાતું ન અપાતાં નીતિન પટેલ 3 દિવસ નારાજ રહ્યા હતા. આખરે તેમની વાત માનવી પડી અને તેમને નાણાં ખાતું આપીને મનાવી લેવાયા હતા. હવે આ સંજોગોમાં નીતિન પટેલ માત્ર મંત્રીપદ સ્વીકારી લે તેવું સમજી શકાય તેમ નથી. આ તરફ નીતિન પટેલને વિધાનસભામાં અધ્યક્ષ બનાવાય તેવી ચર્ચા પણ છે.

અન્ય સમાચારો પણ છે...