તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજય નેહરા 'બેક'..!:ગામડાંમાં કોરોના કાબૂમાં લેવા 'નેહરા'ને ખાસ જવાબદારી સોંપાઈ, ટાસ્કફોર્સમાં સામેલ કરવામાં આવી શકે છે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની પહેલી લહેરમાં AMCના કમિશનર હતા, ત્યાંથી બદલી કરી ગ્રામ વિકાસ કમિશનર બનાવ્યા
  • હવે ગામડાંમાં કેસો વધતાં ફરી એકવાર સરકારે નેહરાને જવાબદારી સોંપી

ગુજરાતનાં શહેરોમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, પરંતુ ગામડાંમાં કાબૂમાં ના આવતાં સરકાર હવે ફાસ્ટટ્રેક મોડમાં આવી છે. ગુજરાત સરકારે ગામડાંમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ, અને ટ્રેકિંગ વધારવાની સાથે વેક્સિનેશન અને યોગ્ય તેમજ ઝડપી સારવારની વ્યવસ્થા મજબૂત કરવા માટે ફરી એકવાર વિજય નેહરાને ખાસ જવાબદારી સોંપી આગળ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે, એટલે કે એક વર્ષ પછી ફરીવાર કોરોના ટાસ્કફોર્સમાં નેહરાની એન્ટ્રી થઈ શકે છે.

ગામડાંની સ્થિતિ વધુ ગંભીર બની
અમદાવાદમાં કોરોનાની પ્રથમ લહેર દરિમયાન મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા વિજય નેહરાની કેટલીક કામગીરી મુદ્દે નારાજગી હોવાથી તેમની બદલી કરીને ગ્રામ વિકાસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા હતા. જ્યારે હાલ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં શહેરોની સાથે ગામડાં પણ વધુ સંક્રમિત બન્યાં છે, ખાસ કરીને ત્યાં વધતા જતા કોરોનાના કેસોને કારણે દર્દીઓની સ્થિતિ બગડી રહી હતી, કેમ કે ટાંચા સાધનો અને સારવારના અપૂરતાં સાધનોને કારણે ગામડાંની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.

કલોલ તાલુકાના આરસોડિયા ગામના કમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન મુખ્યમંંત્રી સાથે નેહરા.
કલોલ તાલુકાના આરસોડિયા ગામના કમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન મુખ્યમંંત્રી સાથે નેહરા.

જિલ્લાદીઠ સમીક્ષા જોઈને નેહરાને જવાબદારી મળી શકે
કોરોનાની બીજી લહેર ગામડાંમાં વ્યાપક બની જતાં અને રાજ્યના ગ્રામ વિકાસ કમિશનર તરીકે વિજય નેહરાની કામગીરી અને જિલ્લાવાઈઝ સમીક્ષા જોઈને રાજ્ય સરકાર ગામડાંમાં કોરોના કાબૂમાં લેવા માટે વિજય નેહરાને ખાસ જવાબદારી સોંપી શકે છે. એની સાથે સાથે નેહરાનો કોવિડ ટાસ્કફોર્સમાં સમાવેશ કરવામાં આવે એવી શક્યતા છે.

ગામડાંમાં કોરોના ડામવા મજબૂત આયોજન કરવાની જવાબદારી
ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેને અનુલક્ષીને રાજ્ય સરકારે કોવિડ ટાસ્કફોર્સ અને તજજ્ઞ ડોક્ટરની ટીમ સાથે બેઠકો યોજી સંક્રમણ તોડવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે. અન્ય રાજ્યો અને વિદેશોમાં ત્રીજી લહેરની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ મામલે સરકારની કોર કમિટી સાથે નિષ્ણાતોની મહત્ત્વની બેઠક આજે બોલાવવામાં આવી છે, જેમાં ગામડાંમાં ફેલાતા કોરોનાને ડામવા માટેનું આયોજન વધુ મજબૂત બનાવવાની જવાબદારી વિજય નેહરાને સોંપાવાની શક્યતા છે.

ડીસા અને પાલનપુરના વેક્સિન સેન્ટરની મુલાકાત દરમિયાન નેહરા.
ડીસા અને પાલનપુરના વેક્સિન સેન્ટરની મુલાકાત દરમિયાન નેહરા.

ત્રીજી લહેરની પણ અત્યારથી જ તૈયારીઓ
ભારતનાં વિવિધ રાજ્યો કોરોના સંક્રમણની બીજી લહેર સામે હાલ ઝઝૂમી રહ્યાં છે, ત્યારે દેશના આરોગ્ય નિષ્ણાતોએ પણ દાવો કર્યા છે કે કોરોના સંક્રમણની ત્રીજી લહેર ગંભીર હોય શકે છે. પરિણામે, સંભવિત ત્રીજી લહેરને લઈને રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કોરોના સંક્રમણની બીજી લહેરની સામે લડવાની સાથે સાથે આગળના સમયમાં આવનાર કોરોના સંક્રમણની ત્રીજી લહેરની પણ તૈયારીઓ અત્યારથી જ કરી રહી છે. આ અંગે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે મળતી કોર કમિટીની બેઠકમાં છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમણની ત્રીજી લહેરની તૈયારીઓ સંદર્ભે ચર્ચા કરવામાં આવી રહી છે.

ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણ વધશેઃ નેહરા
ખાસ કરીને ગ્રામ વિકાસ કમિશનર વિજય નેહરાએ ચોંકાવનારા નિવેદન સાથે સ્પષ્ટ સંકેતો આપ્યા હતા કે આગામી દિવસોમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધશે, જેને કારણે રાજ્યનાં ગામડાંને ખાસ સુરક્ષિત બનાવવાં પડશે, સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર વિશેષ ભાર મૂકી એને સશક્ત બનાવવાં પડશે.

અમદાવાદમાં સંક્રમણ રોકવા અનેક રણનીતિ બનાવી હતી
માર્ચ 2020માં જ્યારે અમદાવાદમાં કોરોનાના કેસો શરૂ થયા ત્યારે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા કાર્યરત હતા. કમિશનર તરીકે પોતે મહાનગરની જવાબદારી હોઈ તેમણે કોરોના સંક્રમણ કાબૂમાં લેવા કડક પગલાં અને એના અમલની શરૂઆત કરાવી હતી. ટેસ્ટિંગથી લઈ ટ્રેસિંગ અને સમયસર સારવાર અંગે તેમણે રણનીતિ બનાવી હતી. જ્યાં પણ વધુ કેસ આવતા હતા ત્યાં બફર અને ક્લસ્ટર ઝોન જાહેર કરીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવતો હતો. આખા વિસ્તારને બંધ કરી એમાં રહેલા લોકોને સુવિધાઓ પણ પૂરી પાડી હતી. હોમ ક્વોરન્ટીન અંગેના કડક નિયમો લાગુ કર્યા હતા, જેમાં જે પણ વ્યક્તિ ઝોનમાંથી બહાર નીકળે અથવા ક્વોરન્ટીનનો ભંગ કરે તો પગલાં લેવાયાં હતાં.

વિવાદ થતાં નેહરાને હટાવાયા હતા
આ પહેલાં ગત મે 2020માં અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને કાબૂમાં લેવા અને શાસક પક્ષ સાથે વિવાદ થતાં નેહરાને મ્યુનિસિપલ કમિશનરપદેથી હટાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન અને ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા મુકેશ કુમારને મ્યુનિસિપલ કમિશનર બનાવી જવાબદારી સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...