ભ્રષ્ટાચારની તપાસ:ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોના ગોટાળાની ફરિયાદ કર્યાના 10 વર્ષે તપાસ શરૂ થઈ, વિજિલન્સની ટીમ ફરિયાદ સાથે પહોંચી

અમદાવાદએક મહિનો પહેલા
ગુજરાત યુનિ.ની ફાઈલ તસવીર
  • વર્ષ 2006 થી 2011 દરમિયાન વિદ્યાર્થીઓ ઘટ્યા હોવા છતાં ખર્ચમાં વધારો બતાવાયો
  • UGCની ગ્રાન્ટ અન્ય સાધનોમાં વાપરવાની હોવા છતાં કોમ્પ્યુટર ખરીદવામાં વાપરી હતી

ગુજરાત યુનિવર્સિટીમાં 10 વર્ષ અગાઉ પરીક્ષા ફી ખર્ચમાં ગોટાળા અને UGCએ આપેલ ગ્રાન્ટમાંથી જરૂર ના હોવા છતાં કોમ્પ્યુટરની ખરીદી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના મમલે 10 વર્ષ બાદ ગુજરાત યુનિવર્સિટી વિરુધ્ધ તપાસ કરવા વિજિલન્સ ટીમ અને ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીથી ટીમ આવી હતી. જેણે ફરિયાદીને સાથે રાખીને તપાસ શરૂ કરી છે.

વિદ્યાર્થી ઘટવા છતાં કરોડોનો ખર્ચ વધુ બતાવાયો!
ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2006 થી 2011 દરમિયાન વિદ્યાર્થીઓ ઘટ્યા હોવા છતાં ખર્ચમાં વધારો બતાવવામાં આવ્યો હતો. 5 વર્ષમાં 73,000 જેટલા વિદ્યાર્થીઓ ઘટ્યા હોવા છતાં 19.68 કરોડનો ખર્ચ વધારે બતાવામાં આવ્યો હતો. ઉપરાંત UGCએ આપેલી ગ્રાન્ટ કોમ્પ્યુટર સિવાયના અન્ય સાધનોમાં વાપરવાની હોવા છતાં કોમ્પ્યુટર ખરીદવામાં વાપરી હતી. આ મામલે કોંગ્રેસના પ્રવક્તા અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય મનીષ દોશીએ 2011માં વિજિલન્સ અને રાજ્યપાલને ફરિયાદ કરી હતી. ફરિયાદના 10 વર્ષ બાદ આજે યુનિવર્સિટીમાં ફરિયાદીને સાથે રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે.

10 વર્ષે ભ્રષ્ટાચારના આક્ષેપની તપાસ
આ અંગે મનીષ દોશીએ જણાવ્યું હતું કે, હજારો વિદ્યાર્થીઓ ઘટ્યા છતાં કરોડોનો ખર્ચ વધારવામાં આવ્યો હતો. ઉપરાંત UGCએ આપેલી ગ્રાન્ટનો પણ ખોટી જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી મેં ફરિયાદ કરી છે અને આજે 10 વર્ષે તપાસ શરૂ કરાઈ છે હું આજે પુરાવા સાથે આવ્યો છું.

મનીષ દોશીએ પૂરાવા તરીકે રજૂ કરેલી નકલ
મનીષ દોશીએ પૂરાવા તરીકે રજૂ કરેલી નકલ
મનીષ દોશીએ પૂરાવા તરીકે રજૂ કરેલી નકલ
મનીષ દોશીએ પૂરાવા તરીકે રજૂ કરેલી નકલ

વિદ્યાર્થીની સંખ્યા ઘટી રહી છે તેની સામે 17 કરોડ ખર્ચ વધ્યો છે
મનીષ દોશીએ વધુમાં કહ્યું કે, વિદ્યાર્થીની સંખ્યા ઘટી રહી છે તેની સામે 17 કરોડ ખર્ચ વધ્યો છે. મેં લેખિતમાં તમામ વિગતો તપાસમાં આપી છે. હેતુ ફેર કરીને 3 કરોડના કોમ્પ્યુટર ખરીદ્યા હતા. જે તપાસનો વિષય હતો. મેં તમામ વિગત રજૂ કરી છે. તમામ યુનિવેરસિટીમાં નાણાકીય પારદર્શકતા આવે અને સમયસર ઓડિટ થાય તેવી આશા છે. તપાસ કમિટી ભલે 10 વર્ષ બાદ આવે પણ મક્કમતાથી પગલાં ભરે તેવી માંગ છે.