તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

....લેકિન યે આગ જલની ચાહિએ:રોજ આવી સહાય જ જાહેર કરવી હોય તો ગુજરાત સરકારે ICU ફાયર વિભાગ જ શરૂ કરી દેવો જોઈએ

8 મહિનો પહેલાલેખક: મનીષ મહેતા, એડિટર, દિવ્યભાસ્કર ડિજિટલ
  • કૉપી લિંક

અમદાવાદ, વડોદરા, જામનગર પછી હવે રાજકોટમાં પણ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ ICUની આગમાં લપેટાયા છે. અમદાવાદની જેમ રાજકોટમાં પણ દર્દીઓ બેડ પર જ જીવતા ભૂંજાઈ ગયા. ઓકિસજન લેવા માટે મથી રહેલા પાંચ દર્દી ભડથું થઇ ગયા. રાબેતા મુજબ સરકારે 4 લાખની સહાય જાહેર કરી દીધી છે. આગની ઝાળ ખુદ મુખ્યમંત્રી રૂપાણીના ગામ સુધી પહોંચી છે, સુપ્રીમ કોર્ટે આ ઘટનાની સુઓમોટો નોંધ લઈને સરકારને તતડાવી છે કે આ ઘટના કંઇ પહેલીવાર નથી બની.

જરા કલ્પના કરો, ICUની અંદરનું દશ્ય કેવું હશે? ચારેબાજુ બીપ બીપના પલ્સ અને શરીરના અન્ય પેરામીટર્સ માપતાં યંત્રોના અવાજ. ગણી ગણીને શ્વાસમાં ઓક્સિજન લેતા અને વારેવારે ઝબકીને જાગી જતા દર્દીઓ અને ICUના બેડની ચારેબાજુ ઢંકાયેલા બ્લુ કલરના પડદા.

કવિ દુષ્યંતકુમારે જુદા સંદર્ભમાં લખ્યું છે...

આજ યહ દીવાર, પરદોં કી તરહ હીલની ચાહિએ,

શર્ત લેકિન થી યે કિ યે બુનિયાદ હિલની ચાહિએ,

હર સડક પર, હર ગલી મેં, હર નગર, હર ગાંવ મેં,

હાથ લહેરાતે હુએ હર લાશ ચલની ચાહિએ,

ભડભડ કરીને બળેલાં બેડ અને ICUની દીવાલોમાં કેવી ચિચિયારીઓ ગુંજી હશે? આખી રાત આ બધું ચાલતું રહ્યું. રેલીઓ કાઢીને પોતાના સ્વાગત સમારોહ યોજતા રાજકારણીઓ સવાર સુધી તો પહોંચ્યા નહોતા. કોરોનાનું સંક્રમણ ગુજરાતમાં ચરમસીમાએ છે ત્યારે સંક્રમણની સામે એકમાત્ર જીવતદાન સમી હોસ્પિટલની બેદરકારીઓ હવે એક ન્યૂ નોર્મલ બની ગઇ છે. ગુજરાતને કોરાના ઉપરાંત બેદરકારીનુંય સંક્રમણ લાગ્યું છે. આવી લાચારી ક્યારેય અનુભવી નહોતી. દરેક આગ વખતે મુખ્યમંત્રીને જવાબદાર ઠેરવવા યોગ્ય નથી. તેમની પાસે “ઘણાં અગત્યનાં” કામ હોય છે. રોજ ઊઠીને એકાદ સહાય જાહેર કરવાની જ હોય છે. હજી જો એમાંય સરળતા રાખવી હોય તો ગુજરાત સરકારે ICU ફાયર વિભાગ જ શરૂ કરી દેવો જોઇએ. કોરોનાના આંકડાની સાથે એમાં થતાં મૃત્યુનો આંકડો અને તેની કામગીરી જોડી દેવી જોઇએ. રાજકોટનાં મેયરની ભાષામાં કહીએ તો આવી કુદરતી ઘટના તો બનતી રહે. નાગરિક તરીકે સ્વને જલાવવામાં તો આપણે આત્મનિર્ભર બની ચૂક્યા છીએ. પ્રજાતંત્રમાં હવે એકાઉન્ટેબિલિટી શૂન્ય છે. તમે ચૂંટેલા પ્રતિનિધિઓ પાસેથી આવી કોઇ અપેક્ષા રાખવી એ મૂર્ખામી છે. ચૂંટાયા પછી તો તમે કોણ? મૂર્ખ પ્રજા એકની એક ભૂલ વારંવાર કરતી જ હોય છે. જે પ્રજા તેમના ઇતિહાસમાંથી નથી શીખતી તેને ઇતિહાસ માફ નથી કરતો. રાજકારણીઓ આપણને પ્રજા તરીકે ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે અને આપણને પણ આવી આગ કોઠે પડી ગઇ છે.

ખરેખર તો દુષ્યંત કુમારની જ આખરી પંક્તિમાં કહીએ તો..

સારી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિએ,

મેરે સિને મેં નહિ તો તેરે સિને મેં સહી

હો કહીં ભી આગ, લેકિન આગ જલની ચાહિએ...

એક નાગરિક તરીકે આપણા અંતરાત્મામાં આગ જગાવીને આ જ્વલનશીલ બેદરકારીની આગ ઠારવાની વાત છે.

અન્ય સમાચારો પણ છે...