પોલીસ ભરતી:PSI, LRDની લેખિત પરીક્ષાની તૈયારી માટે ગૃહ વિભાગે વીડિયો સીરિઝ લોન્ચ કરી, ત્રણ અઠવાડિયામાં દોડનું પરિણામ વેબસાઈટ પર મૂકાશે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસ ભરતીની દોડની પરીક્ષાની ફાઈલ તસવીર - Divya Bhaskar
પોલીસ ભરતીની દોડની પરીક્ષાની ફાઈલ તસવીર
  • પોલીસ ભરતીની શારિરીક કસોટીમાં 2.20 લાખ પુરુષ અને 85 હજાર મહિલા ઉમેદવારો પાસ
  • PSI અને LRDની ભરતી માટે દોડની કસોટી આજે પૂરી થઈ

રાજ્યમાં પોલીસ ભરતીની શારિરીક કસોટી આજે પૂરી થઈ છે. જેમાં PSI અને LRD બંનેની ભરતી માટેની પરીક્ષા યોજાઈ હતી. ભરતીની શારિરીક કસોટી બાદ હવે ઉમેદવારોની લેખિત કસોટી યોજાવાની છે. જે માર્ચ મહિનામાં રહેશે. ત્યારે સરકાર દ્વારા ઉમેદવારોને લેખિત પરીક્ષાની તૈયારી માટે મદદ રૂપ થાય એમ વીડિયો સીરિઝ લોન્ચ કરવામાં આવશે. આજે સાંજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ વીડિયો સીરિઝ લોન્ચ કરાઈ હતી.

લેખિત કસોટીની તૈયારીમાં ગૃહ વિભાગની મદદ મળશે
પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને મદદરૂપ થવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વીડિયો સીરિઝ તૈયાર કરવામાં આવી છે. આ વીડિયો સીરિઝમાં લેખિત પરીક્ષાની તૈયારી, ઉમેદવારની શારિરીક-માનસિક સ્થિતિ સહિતના મુદ્દાઓને આવરી લેવાશે. જેથી તૈયારી કરવામાં તથા પરીક્ષા આપતી વખતે તેમને વધુ મદદ મળી રહે.

ઉમેદવારોને લેભાગુ તત્વોના ચુંગાલમાં ન ફસાવા સૂચન
રાજયના ગૃહ રાજયમંત્રીએ આ વીડિયો સીરિઝના લોન્ચ પ્રસંગે જણાવ્યું કે, રાજય સરકાર પોલીસની ભરતી સંપૂર્ણ પારદર્શક રીતે યોજવા કટીબધ્ધ છે અને આ સંદર્ભે ઉમેદવારોને પરીક્ષા અંગે સચોટ માર્ગદર્શન મળી રહે એ માટે ગુજરાત પોલીસ દ્વારા આ વીડિયો સીરીઝ તૈયાર કરવામાં આવી છે. જેમાં ઉમેદવારો કોઇપણ અફવા અને લે-ભાગુ તત્વોના ચુંગાલમાં ના ફસાય અને પોતાના ધ્યેય પર મક્કમ રહે તેના માટે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને લોક રક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ છેલ્લી એલ.આર.ડી. અને પી.એસ.આઇ. પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોના મંતવ્ય, ઉચ્ચ પોલીસ અધિકારીઓના મંતવ્ય, પોલીસ દ્વારા ચલાવાતી વિવિધ પરીક્ષા માર્ગદર્શન કેન્દ્રો અને વિવિધ ઉમેદવારોના મતવ્ય લેવાયા છે.

પરીક્ષાની તૈયારી અંગે સંપૂર્ણ માર્ગદર્શન મળશે
તેમણે ઉમેર્યુ કે, ઉમેદવારોને લેખિત પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? કઇ બાબતો ધ્યાનમાં રાખવી? શું કરવું? શું ના કરવું? ખાન-પાન અને પરીક્ષા સમયે માનસિક અને શારીરિક રીતે કેવી રીતે ફીટ રહેવું? તેનું સંપૂર્ણ માર્ગદર્શન આ સીરીઝમાં પુરૂ પાડવામાં આવ્યુ છે. આ માર્ગદર્શન સિરીઝ નાગરિકો માટે વિવિધ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. જેનો લાભ ઉમેદવારોને થશે. અને આ વિડીયો સિરીઝ ઉમેદવારોનું મનોબળ વધારવામાં મદદરૂપ થશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

3 લાખથી વધુ ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ
લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, પોલીસ ભરતી માટે 8.86 લાખ ઉમેદવારોની અરજી મળી હતી અને 3 ડિસેમ્બરથી શારીરિક કસોટી શરૂ કરવામાં આવી હતી, જે આજે પૂરી થઈ છે. જેમાં 6.98 લાખ ઉમેદવારો હાજર રહ્યા હતા. એમાં 85 હજાર મહિલા ઉમેદવારો તથા 2.20 લાખ પુરુષ ઉમેદવારો એમ કુલ 3.05 લાખ ઉમેદવારો પાસ થયા છે. હવે એમની લેખિત કસોટી માર્ચ મહિનામાં લેવામાં આવશે.

ત્રણ અઠવાડિયામાં શારીરિક કસોટીનું પરિણામ વેબસાઈટ પર મૂકાશે
હસમુખ પટેેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, લોકરક્ષકની શારીરિક કસોટી આજે પૂર્ણ. સફળ થનાર તથા સફળ ન થનાર તમામ ઉમેદવારોને તેમના પુરુષાર્થ માટે ધન્યવાદ. આશરે ત્રણ અઠવાડિયા પછી ડેટા વેરિફિકેશન કરી શારીરિક કસોટીનું પરિણામ વેબસાઈટ પર મુકવામાં આવશે.

રાજ્યમાં 1 લાખની વસ્તી સામે 87 પોલીસકર્મી
રાજ્યના પોલીસ વડા, આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 2009-10, પછી 2013, 2015, 2019 અને હવે 2021માં ભરતી પ્રક્રિયા થઈ રહી છે. આ પ્રક્રિયા ઝડપથી અને પારદર્શિત રીતે પૂરી થાય એવા પ્રયાસ કરી રહ્યા છીએ. રાજ્યમાં હાલ 1.30 હજારની ક્ષમતા સામે 93 હજાર પોલીસ કર્મી ઉપલબ્ધ છે. એટલે કે 28 ટકા જગ્યા ખાલી છે. આ ભરતી પરીક્ષાથી આ જગ્યા 33 ટકા સુધી ભરાઈ જશે. આવી જ રીતે SRPની વેકેન્સી પણ 28 ટકા સુધી ભરાઈ જશે. હાલ રાજ્યમાં 1 લાખ નાગરિકોની સામે 87 પોલીસ છે. જે પાડોશી રાજ્યો કરતા ઘણી ઓછી છે.

અન્ય સમાચારો પણ છે...