કોરોનાની એસી કી તેસી:અમદાવાદના ઇસનપુર વોર્ડના ભાજપ પ્રમુખનો જાહેરમાં બર્થ ડે ઉજવતો વીડિયો વાયરલ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • શું ઇસનપુર પોલીસ હાઇકોર્ટની ટકોર મુજબ નેતાજીઓ પર કાર્યવાહીનો અમલ કરશે?
  • જાહેરમાં રોડ પર ઉજવણી કરીને ફટાકડા પણ ફોડ્યા

કોરોના મહામારીના સમયમાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સની જાળવણી નથી કરતા જેને લઈ ગુજરાત હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવી છે અને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. રાજકીય નેતાઓને પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા હાઇકોર્ટે ટકોર કરી છે છતાં બેફામ બનેલા નેતાઓ પોલીસનો અને કોર્ટનો ડર રાખ્યા વગર કોરોના ન હોય તેમ ઉજવણી કરે છે અને ટોળા ભેગા કરે છે. શહેરના ઈસનપુર વોર્ડના ભાજપના પ્રમુખ આતીશ પટેલના જાહેર રોડ પર ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે જેમાં રોડ પર એક ટેબલ પર 15 જેટલી કેક એમાં પણ એક ભાજપના કમળને કાપવા માટેની કેક લાવવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર લોકો કેક કાપતા અને ખાતા નજરે પડે છે. ભાજપના વોર્ડ પ્રમુખ આતીશ પટેલ, કોર્પોરેટરો અને કાર્યકરોએ કોરોના મહામારીમાં ગાઇડલાઈનની એસી તેસી કરી જાહેર રોડ પર જ ટોળા ભેગા કરી ઉજવણી કરી ગાઇડલાઈનનો ભંગ કર્યો હતો.

આતિષ પટેલ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર લોકોને ગળે મળ્યા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે જ નેતાઓને માસ્ક પહેરવા અમે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહ્યું હતું ત્યારે શહેરના ઇસનપુર વોર્ડના ભાજપના પ્રમુખ આતીશ પટેલના જન્મદિવસની જાહેરમાં 20થી 25 લોકોની હાજરીમાં ઉજવણી કરવામાં આવતી હોવાનો વીડિયો બહાર આવ્યો છે. વીડિયોમાં મોટાભાગના કાર્યકરો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. આતીશ પટેલ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર લોકોને ગળે મળી રહ્યા છે અને કેક ખવડાવી રહ્યા છે. રોડ પર ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. નેતાજીઓએ જાહેરમાં આ રીતે ટોળામાં ઉજવણી કરી હતી.

ભાજપના નેતાઓને નિયમો નથી નડતા
જો સામાન્ય માણસ રાતે 10 વાગ્યા પછી આ રીતે ટોળામાં ઉભા હોય તેમજ માસ્ક વગર નજરે પડે તો પોલીસ તેમની સામે કાર્યવાહી કરી દંડ ઉપરાંત તેમની સામે ગુનો દાખલ કરી દેતી હોય છે ત્યારે જાહેરમાં કોરોનાની ગાઇડલાઈનનો ભંગ કરનાર ભાજપના વોર્ડ પ્રમુખ, કોર્પોરેટર અને કાર્યકરો સામે ઈસનપુર પોલીસ કાર્યવાહી કરશે ? શું હાઇકોર્ટ દ્વારા જે ટકોર કરવામાં આવી છે તેનું પોલીસ અમલીકરણ કરી અને નેતાઓ સામે ગુનો નોંધશે કે પછી સામાન્ય માણસને જ ભોગ બનવુ પડશે?

અન્ય સમાચારો પણ છે...