મોર્નિંગ ન્યૂઝ બ્રીફPM મોદીએ INS વિક્રાંત દેશને સોંપ્યું:અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રી યોજાશે, અરવલ્લીમાં અંબાજી જતાં 7 પદયાત્રીઓને કારે કચડતાં મોત

25 દિવસ પહેલા

નમસ્કાર,
આજે શનિવાર, તારીખ 3 સપ્ટેમ્બર, ભાદરવા સુદ સાતમ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં હજારી આપશે
2) રાજકોટની શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝની સાધારણ સભા, કોરોનામાં મા-બાપ ગુમાવનાર 51 બાળકોને મનસુખ માંડવિયાની હાજરીમાં દત્તક લેવાશે
3) રાજ્યના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 2 લાખ શિક્ષકો આજથી સરકાર સામે આંદોલન કરશે
4) સુપ્રીમ કોર્ટે તીસ્તા સેતલવાડને જામીન આપતાં આજે સાબરમતી જેલમાંથી બહાર આવશે
5) સુરતના વરાછામાં શક્તિ સત્કાર સમારોહ, રાજ્યપાલની ઉપસ્થિતિમાં 75 દીકરીઓને દત્તક લેવાશે, માતાઓને સન્માનિત કરાશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) મોદીએ INS વિક્રાંત દેશને સોંપ્યું, PMએ કહ્યું- આ વોરશિપ નથી, સમુદ્રમાં તરતું શહેર છે, નેવીના નવા ધ્વજમાંથી અમે ગુલામીનું પ્રતીક હટાવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશનું પ્રથમ સ્વદેશી એરક્રાફટ કેરિયર INS વિક્રાંતને નેવીને સોંપી દીધું છે. તેમણે નવા નેવીના ધ્વજનું અનાવરણ પણ કર્યું હતું. તેમણે કહ્યું કે પહેલા આ ધ્વજ પર ગુલામીનું પ્રતિક હતું, જેને અમે હટાવી દીધું છે. નવો નેવીનો ધ્વજ શિવાજીને સમર્પિત છે.
વાંચો સમાચાર વિગતવાર
2) અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ત્રણ વર્ષે ગરબા થશે, વાઈબ્રન્ટ નવરાત્રીમાં તમામને ફ્રી એન્ટ્રી
ગુજરાતમાં સરકારે મળેલી બેઠકમાં ગરબાના આયોજનનો મહત્વનો નિર્ણય લીધો છે. આ વખતે ગરબા રસીકો ગરબાની મજા માણી શકશે. રાજ્ય સરકારે અંબાજી, બહુચરાજી, પાવાગઢ સહિત 9 શક્તિ કેન્દ્રો સહિત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવશે. ત્રણ વર્ષથી નવરાત્રીમાં માં અંબાની આરાધના માત્ર ઘરમાં જ થતી હતી.
વાંચો સમાચાર વિગતવાર
3) અરવલ્લીમાં કારચાલકે કચડતાં અંબાજી જતાં કાલોલ સંઘના 7 પદયાત્રીનાં મોત, CMએ 4 લાખની સહાય જાહેર કરી
અરવલ્લીના કૃષ્ણાપુર પાસે એક ઇનોવા કારચાલકે ભાદરવી પૂનમે અંબાજી દર્શન જતાં પદયાત્રીઓને કચડતાં 7 લોકોનાં કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે 9 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ડ્રાઈવર ગઈકાલે પુણેથી સતત 20 કલાકથી કાર ચલાવતો હતો. ચાલકની બેદરકારીના કારણે 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જો કાર ટોલ બુથના પિલ્લર સાથે અથડાઈ ન હોત તો મૃત્યુઆંક વધુ હોત.
વાંચો સમાચાર વિગતવાર
4) ગુજરાતની તમામ આરોગ્ય સંસ્થાઓમાં સિનિયર સિટિઝન માટે અલાયદી સુવિધા, અલગ લાઈન અને 2 બેડ રિઝર્વ રહેશે
રાજ્યના વયોવૃધ્ધ-સિનિયર સિટિઝનને આરોગ્યલક્ષી સુવિધાઓ સત્વરે મળી રહે એ માટે રાજ્યની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો તેમજ આરોગ્ય કેંદ્રો ખાતે વયોવૃધ્ધો-સિનિયર સિટિઝન એટલે કે 60 વર્ષથી ઉપરની વયના લોકો માટે આરોગ્યલક્ષી સેવાઓ માટે અલાયદી સુવિધાઓ પુરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેથી રાજ્યના આશરે એક કરોડ જેટલા સિનિયર સિટિઝનને આનો લાભ મળશે.
વાંચો સમાચાર વિગતવાર
5) સુપ્રીમ કોર્ટે તીસ્તાને જામીન આપ્યા, હાઇકોર્ટમાં કેસ ચાલવા સુધી પાસપોર્ટને સરન્ડર કરવો પડશે, કાલે જેલમાંથી બહાર આવશે
ગુજરાત રમખાણો સાથે જોડાયેલા મામલામાં ધરપકડ કરવામાં આવેલાં એક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. શુક્રવારે ચીફ જસ્ટિસ યુયુ લલિતની બેન્ચમાં લગભગ 1 કલાક 10 મિનિટથી વધુ સમય સુધી સુનાવણી થઈ હતી. ચુકાદો આપતા ચીફ જસ્ટિસે કહ્યું હતું કે તીસ્તા ધરપકડ પછીથી રિમાન્ડ કે કસ્ટડીમાં રહી હતી. હવે તેને જેલમાં રાખી શકાશે નહિ.
વાંચો સમાચાર વિગતવાર
6) બનાસકાંઠાના થરાદમાં 3 માસૂમને કેનાલમાં નાખી માતા પણ પ્રેમી સાથે કૂદી, પ્રેમીઓના મૃતદેહ લોખંડના તારથી બાંધેલા મળ્યા
બનાસકાંઠામાં થરાદના સણધર સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં બાળકો સાથે મહિલાએ ઝંપલાવ્યું હતું. જેની જાણ થતાં જ સ્થાનિકે નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી. ત્યારે તરત જ પાલિકા ફાયરટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર ટીમે બે કલાકની ભારે શોધખોળ બાદ ત્રણ બાળકોના મૃતદેહ બહાર કઢાયા હતા. તપાસના બીજા દિવસે એટલે કે શુક્રવારે માતા સહિત તેના પ્રેમીની મૃતદેહ લોખંડના તારથી બાંધેલ હાલતમાં મળી આવ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર
7) બાપુ એશિયા કપમાંથી આઉટ, અક્ષર પટેલની એન્ટ્રી, રવીન્દ્રને ઘૂંટણમાં ઈજા થતાં નહીં રમી શકે; ચાહકો નિરાશ
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને જમણા પગના ઘૂંટણમાં ઈજા પહોંચી છે. જેના કારણે તે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ અક્ષર પટેલને ટીમમાં સ્થાન મળ્યુ છે. અક્ષર પટેલને સ્ટેંડબાય તરીકે રાખવામાં આવ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ઝારખંડમાં રાજકીય ઊથલપાથલ, રાજ્યપાલ દિલ્હી જવા રવાના, અમિત શાહને મળી શકે છે; ગઈકાલે મહાગઠબંધનના નેતાઓ રાજ્યપાલને મળ્યા હતા
2) મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ, મુલ્લા મુજીબનું મોત, 14 લોકો માર્યા ગયા, મુલ્લાએ તાલિબાનનો વિરોધ કરવા પર માથુ વાઢી નાંખવાની જાહેરાત કરી હતી
3) જામનગરમાં પૂરઝડપે દોડી રહેલી જીપે એક બાદ એક 6થી વધુ બાઈકને અડફેટે લીધી, સદનસીબે જાનહાનિ ટળી
4) ડીસાના ભીલડી ટોલબુથ પર ટોલ નાબુદી માટે લોકોના ધરણાં; રાજયમંત્રી કીર્તિસિંહ વાઘેલા આંદોલનકારીઓને સમજાવ્યા
5) વડોદરા-હાલોલ હાઈવે પર 3 મીટરના ખાડા, ફૂટપાથ પર પાથરવાના પેવરથી ગાબડા ભર્યા; વાહનચાલકોને જીવનું જોખમ
6) ઉના મામલતદાર કચેરીના ઓપરેટરનો પર્દાફાશ; 9 એકાઉન્ટ સાથે ચેડાં કરી વિધવા સહાયના લાખો રૂપિયા પચાવી પાડ્યા
7) ગુજરાતમાં વર્ષ 2016-17માં થયેલી SRP ભરતીમાં વેઇટિંગમાં રહેલા ઉમેદવારોને નોકરી ન મળતાં રોષ, ગાંધીનગરમાં ધરણાં કર્યા
8) નોકરી માટે છેલ્લાં 19 સોમવારથી વિદ્યાસહાયકો ભરતી માટે શિક્ષણ મંત્રી વાઘાણીને રજૂઆત કરે છે, જવાબમાં મળે છે માત્ર વાયદા
9) મનોજ સોરઠિયાએ કહ્યું- મારા પર હુમલો સુનિયોજિત ષડયંત્ર, હવે જનતા નિર્ણય લઈ ગુંડાતત્વોને હરાવશે

આજનો ઈતિહાસ
વર્ષ 1999માં આજના દિવસે કારગિલ યુદ્ધ બાદ ભારતે લશ્કરી આધુનિકીકરણનો નવો તબક્કો શરૂ કર્યો હતો.

આજનો સુવિચાર
હિમ્મત જો તાકાતથી મોટી હોય તો જીત સુનિશ્ચિત હોય છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...