એક્સક્લૂઝિવ:કોરોનાને કારણે જાન્યુઆરીમાં મોકૂફ રહેલી 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ઓક્ટોબર 2021માં યોજવા કવાયત

અમદાવાદ8 મહિનો પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
  • કૉપી લિંક
  • દેશ-વિદેશમાં કોરોનાની સ્થિતિ સામાન્ય થતાં વાઇબ્રન્ટ સમિટનું નવરાત્રિ પછી આયોજન થઈ શકે
  • તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ 2003થી શરૂ કરેલી વાઇબ્રન્ટ સમિટથી રાજ્યમાં વિદેશી મૂડીરોકાણ વધી રહ્યું હતું

આ વર્ષે જાન્યુઆરી 2021માં 10મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન થવાનું હતું, પરંતુ ભારત અને વિશ્વમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો હતો. જોકે કોરોનાની સ્થિતિ સામાન્ય થતાં જ વાઈબ્રન્ટ સમિટનું ઓક્ટોબરમાં આયોજન થઈ શકે છે. હાલ સરકાર કોરોનાની સ્થિતિ પર નજર રાખી રહી છે. જો કોરોના કાબૂમાં નહીં આવે તો આગામી વર્ષે એટલે કે 2022માં પણ વાઈબ્રન્ટ યોજવા પર વિચારણા થઈ શકે છે. જો 2022માં વાઈબ્રન્ટ યોજાય તો એકી વર્ષમાં યોજાતી વાઈબ્રન્ટ સમિટ બેકી વર્ષમાં સૌપ્રથમવાર યોજાશે.

ઉલ્લેખનીય છે કે આ સમિટ દર બે વર્ષે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં યોજાય છે. વર્ષ 2003માં પહેલીવાર તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે આ સમિટની શરૂઆત કરી હતી. ગુજરાતના વિકાસ અને મૂડીરોકાણકારોને આકર્ષવા માટે દેશનાં વિવિધ રાજ્યો અને વિદેશમાંથી મહેમાનો બોલાવવામાં આવતા હોય છે, જેમાં ખાસ કરીને વિદેશી રાષ્ટ્રપ્રમુખો આ વાઈબ્રન્ટ સમિટમાં મુખ્ય મહેમાન બનતા હોય છે.

જાપાન-અમેરિકા સહિતના દેશો સમિટમાં ભાગ લઈ ચૂક્યા છે
જાપાન, અમેરિકા, બ્રિટન સહિત અનેક વિકસિત દેશ આ સમિટના ભાગીદાર બન્યા છે, આ ઉપરાંત દેશભરમાંથી નામાંકિત ઉદ્યોગપતિઓ પણ સમિટમાં હાજરી આપે છે. દેશ સાથે સાથે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાતની આ સૌથી મોટી સમિટ ગણવામાં આવે છે.

વિદેશી રાષ્ટ્રપ્રમુખો આ વાઇબ્રન્ટ સમિટમાં મુખ્ય મહેમાન બને છે.
વિદેશી રાષ્ટ્રપ્રમુખો આ વાઇબ્રન્ટ સમિટમાં મુખ્ય મહેમાન બને છે.

કોરોનાની સ્થિતિ સામાન્ય થયા બાદ આયોજન કરશે
રાજ્ય સરકારના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, દેશ-વિદેશમાં કોરોનાની સ્થિતિ સામાન્ય થતાં ગુજરાતના વાઈબ્રન્ટ સમિટનું નવરાત્રિ પછી એટલે કે ઓક્ટોબરમાં આયોજન કરવામાં આવશે. રાજ્ય માટે આ અત્યંત મહત્ત્વની ઈવેન્ટ છે અને ગુજરાતમાં ઘણું નવું રોકાણ પણ થતું હોય છે. ઉપરાંત ગુજરાતમાં આ સમિટની શરૂઆત બાદ દેશનાં અન્ય રાજ્યમાં પણ તેની શરૂઆત થઈ હતી.

પહેલી વાઇબ્રન્ટ સમિટ સમયે મુકેશ અંબાણી અને લાલ કૃષ્ણ અડવાણી સાથે નરેન્દ્ર મોદી.
પહેલી વાઇબ્રન્ટ સમિટ સમયે મુકેશ અંબાણી અને લાલ કૃષ્ણ અડવાણી સાથે નરેન્દ્ર મોદી.

મોદીએ 2003માં શરૂ કરી હતી ‘વાઈબ્રન્ટ ગુજરાત’ સમિટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષિત કરવા 2003ની સાલમાં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી હતી. અત્યારસુધીની સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ અને મહાનુભાવો વખતોવખત વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લઈ ચૂક્યા છે. આમાં રિલાયન્સના મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી ઉપરાંત સ્ટીલ માંધાતા લક્ષ્મી મિત્તલ સહિતનાનો સમાવેશ થાય છે. જ્યારે 2015ની વાઈબ્રન્ટ સમિટમાં તો અમેરિકાના તત્કાલીન વિદેશમંત્રી જોન કેરી પણ આવી ચૂક્યા છે અને તેમણે રોકાણકારોને સંબોધન કર્યું હતું.

10મી સમિટ માટે મેગા આયોજનનો પ્લાન હતો
રસપ્રદ છે કે 2003માં શરૂ થયેલી ‘વાઈબ્રન્ટ ગુજરાત’ સમિટ દર બે વર્ષે યોજાતો ઉદ્યોગ મેળાવડો છે. અત્યારસુધીમાં નવ વખત ‘વાઈબ્રન્ટ ગુજરાત’ બિઝનેસ સમિટ યોજાઈ ચૂકી છે. આ વખતે 10મી સમિટ યોજાવાની હતી, જેના માટે મેગા સેલિબ્રેશન પ્લાન હતો. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં દેશવિદેશના મહાનુભાવોને આમંત્રિત કરવાની યોજના હતી, પરંતુ ગુજરાતમાં કોરોનાની વણસી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ વખતે આયોજન નહીં કરવાનો નિર્ણય લીધો હોવાનું મનાય છે.