અમદાવાદ શહેરના ચાર રસ્તા પર લગાવવામાં આવેલા CCTV કેમેરાની મદદથી સિગ્નલ ભંગ કરતાં ચાલકને પોલીસ ઈ ચલણ ફટકારતી હતી. પરંતુ હવે ટ્રાફિક પોલીસ એક આઈટી કંપની સાથે મળીને ફોરેનની સિસ્ટમ ડેવલપ કરી છે. હવે શહેરમાં વાહન ઓવર સ્પીડમાં હશે, હેલ્મેટ પહેરેલું નહીં હોય, કે સીટ બેલ્ટ બાંધેલો નહીં હોય તો ટ્રાફિકના CCTVમાં પકડાઈ જશે. ત્યાર બાદ પોલીસ વાહનચાલકના ઘરે ઈ મેમો પણ મોકલશે. આ ઉપરાંત પાંચ કરતાં વધુ ઈ મેમો નહીં ભરનાર વાહન ચાલકનું વાહન ડિટેઈન કરવામાં આવશે.
ચાર રસ્તા પર CCTV કેમેરા લગાવાયા છે
અમદાવાદ સહિત રાજ્યના મહાનગરોમાં સ્માર્ટ સિટી અંતર્ગત દરેક ચાર રસ્તા પર CCTV કેમેરા લગાવવામાં આવ્યાં છે. આ કેમેરા મારફતે ટ્રાફિક પોલીસ સિગ્નલ ભંગ કરતાં વાહન ચાલકોને ઈ મેમો મોકલીને દંડ વસૂલતી હતી. આ ઉપરાંત અન્ય ટ્રાફિક નિયમનના ઉલ્લંઘન માટે ફરજિયાત ટ્રાફિક પોલીસને મોટા પ્રમાણમાં ખર્ચો થાય છે. તે ઉપરાંત કેટલાક કર્મચારીઓ વાહન ચાલકો પાસેથી મેમાના દંડના પૈસા પોતાના ખીસ્સામાં મુકી દેવાના બનાવો સામે આવતાં તેમની સામે પણ કાર્યવાહી કરાઈ છે. આવા કિસ્સાઓ સામે આવતાં ગૃહ વિભાગે ઉચ્ચ પોલીસ અધિકારીને સરળ, ભ્રષ્ટાચાર રહિત અને લોકોને હેરાનગતિ ના થાય તે રીતે ટ્રાફિક નિયમન કરવા મૌખિક ટકોર કરી હતી.
CCTV મારફતે ઈ મેમો મોકલાશે
અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, ટ્રાફિક JCP મયંકસિંહ ચાવડા અને એક આઈટી કંપની દ્વારા જુના સીસીટીવી કેમેરા સાથે સોફ્ટવેર લિંક કરીને સિસ્ટમની જેમ એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ એસજી હાઈવે તેમજ પકવાન ચાર રસ્તાથી તાજ હોટેલ સુધીના માર્ગ પર ટુંક સમયમાં શરૂ કરાશે. આ પ્રોજેક્ટમાં જો કોઈ વાહન ચાલક ઓવરસ્પીડમાં વાહન ચલાવશે, કાર પર ડાર્ક ફિલ્મ હશે, સીટ બેલ્ટ નહીં હોય અને હેલ્મેટ નહીં પહેર્યું હોય, વાહનની નંબર પ્લેટ પર લખાણ હશે તો પણ CCTV મારફતે ઈ મેમો મોકલવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.