વરસાદનું રૌદ્ર સ્વરૂપ:અમદાવાદમાં ઘુમાની હરિઓમ રેસિડન્સીમાં ગાડીઓ તણાઈ, ધડાકાભેર કમ્પાઉન્ડ વોલ તુટી, ઘરમાં પાણી ઘૂસ્યા

અમદાવાદ5 મહિનો પહેલા
સોસાયટીમાં વરસાદના પાણી ઘૂસતાં ગાડીઓને ભારે નુકસાન થયું

અમદાવાદમાં રવિવારે સાંજે વરસાદ ભારે આફત લઈને આવ્યો હતો. ધીમે ધીમે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. જે વિસ્તારોમાં ક્યારેય પાણી ભરાવાની સમસ્યા નહોતી. તે જ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો. અમદાવાદના ઘુમામાં આવેલી હરિઓમ રેસિડેન્સીમાં રાત્રે 12.00 વાગે લોકો સુઈ ગયા હતાં. આ દરમિયાન અચાનક સોસાયટીની કમ્પાઉન્ડ વોલ તુટતાં પુરની જેમ પાણી સોસાયટીમાં ફરી વળ્યાં હતાં. સોસાયટીમાં ગાડીઓ તણખલાની જેમ તણાઈ હતી. લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતાં. જેના કારણે લોકોએ આખી રાત ચિંતામાં પસાર કરી હતી.

પાણીનો પ્રવાહ જોઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા
સોસાયટીના ચેરમેન બલવીર સરના એ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે ઘુમાની હરિઓમ રેસિડેન્સી પાસેની કેનાલની લાઈનમાં વરસાદના પાણીનો ભારે પ્રવાહ હતો. લોકો રાત્રે સુઈ ગયાં હતાં. આ દરમિયાન લાઈટો બંધ થઈ ગઈ હતી. થોડા સમય બાદ ધડાકાભેર અવાજ આવ્યો અને કમ્પાઉન્ડની વોલ તુટી ગઈ હતી. ત્યાંથી પુરની જેમ પાણી સોસાયટીમાં ફરી વળ્યું હતું. પાણીનો પ્રવાહ જોઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા હતાં.

એક ગાડી ગેટ આગળ અટકી જતાં બીજી ગાડીઓ પણ અથડાઈ
એક ગાડી ગેટ આગળ અટકી જતાં બીજી ગાડીઓ પણ અથડાઈ

સોસાયટીમાં રહેલી કાર તણાવવા લાગી
બલવીર સરનાએ જણાવ્યા પ્રમાણે પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે સોસાયટીમાં રહેલી કાર તણાવવા લાગી હતી. એક પછી એક કાર તણાઈને ગેટ તરફ જઈ રહી હતી. એક કાર અચાનક દરવાજા સાથે અટકાઈ જતા અન્ય કારો રોકાઈ ગઈ હતી. બીજી તરફ પાણીનો પ્રવાહ એટલો વધ્યો કે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયાં અને લોકોની વસ્તુઓને નુકસાન થયું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અગાઉ જ્યારે કોર્પોરેશનમાં હતા ત્યારે અમે તેમને રજૂઆત કરી હતી. ત્યારબાદ આ વખતે પણ અમે કોર્પોરેશનમાં રજૂઆત કરી છે.

વરસાદના પાણીમાં ગાડીઓ તણાઈ
વરસાદના પાણીમાં ગાડીઓ તણાઈ

પ્રહલાદનગરમાં ગાડીઓ બેઝમેન્ટમાં ભરાયેલા પાણીમાં ગરકાવ
ઔડા તળાવની પાળી તૂટવાના કારણે વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં તથા આસપાસના વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે વ્રજવિહાર એપાર્ટમેન્ટનું બેઝમેન્ટ જાણે બેટમાં ફેરવાયું હતું. લાખોની કિંમતની મોંઘીદાટ ગાડીઓ બેઝમેન્ટમાં ભરાયેલા પાણીમાં ડુબી ગઈ હતી. તે ઉપરાંત રસ્તા પર ભરાયેલા ગોંઠણ સમા પાણીમાં ગરકાવ થયેલી ગાડીઓમાં પણ કરોડોનું નુકસાન થવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...