પૂજન અર્ચન:અમદાવાદના શાહિબાગમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં વિદ્વાન પંડિતો દ્વારા વેદોક્ત મહાપૂજા વિધિ અને ચોપડા પૂજન કરાયું

અમદાવાદ3 મહિનો પહેલા
વિદ્વાન પંડિતો દ્વારા વેદોક્ત મહાપૂજા વિધિ અને ચોપડાપૂજન વિધિ યોજાઈ
  • દિપોત્સવી પર્વે મંદિરને ખૂબ સુંદર રોશની અને શણગાર કરવામાં આવ્યા
  • શુક્રવારે ઠાકોરજી સમક્ષ યોજાનાર ભવ્ય અન્નકૂટના દર્શન સવારે 10 થી સાંજના 7 વાગ્યા સુધી થશે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી વર્ષો સુધી દેશ-વિદેશના તમામ BAPS સ્વામિનારાયણ મંદિરોમાં દિપોત્સવી પર્વે લાખો ભક્તો ચોપડા પૂજન વિધિમાં જોડાતા હતા. એ જ શૃંખલામાં વર્તમાન ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી દેશ-વિદેશના તમામ BAPS સ્વામિનારાયણ મંદિરોમાં દીપોત્સવી પર્વની ઉજવણીમાં લાખો ભક્તો સામેલ થઈ રહ્યા છે. આજે BAPS સ્વામિનારાયણ મંદિર શાહીબાગ ખાતે વિદ્વાન પંડિતો દ્વારા વેદોક્ત મહાપૂજા વિધિ અને ચોપડાપૂજન વિધિ કરાવવામાં આવી હતી, જેમાં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા.

ભગવાનના સુંદર શણગારના દર્શન કરીને ભક્તોએ શાંતિનો અનુભવ કર્યો
ભગવાનના સુંદર શણગારના દર્શન કરીને ભક્તોએ શાંતિનો અનુભવ કર્યો

મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું
દિપોત્સવી પર્વે મંદિરને ખૂબ સુંદર રોશની અને શણગાર કરવામાં આવ્યા હતા. દીવડાઓથી ઝળહળતા મંદિરમાં ભગવાનના સુંદર શણગારના દર્શન કરીને ભક્તોએ ખૂબ આનંદ અને શાંતિનો અનુભવ કર્યો હતો. આગામી વર્ષમાં કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે એવી પ્રાર્થના સાથે દર વર્ષે ભક્તો પોતાના આર્થિક હિસાબો લખવા માટેના ચોપડાઓ પર ભગવાનની દ્રષ્ટિ કરાવે તેમજ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરીને નવા વર્ષનો વ્યાવહારિક કાર્યોનો પ્રારંભ કરે તેવી ચોપડા પૂજનની ભારતીય સાંસ્કૃતિક પરંપરા છે. આ પરંપરા અનુસાર કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરીને આજનો કાર્યક્રમ યોજાયો હતો.

હરિભક્તોએ ભગવાનના દર્શન કર્યાં
હરિભક્તોએ ભગવાનના દર્શન કર્યાં

સ્વામિનારાયણ મંદિર શાહીબાગમાં અન્નકૂટના દર્શન થશે
શુક્રવારે ઠાકોરજી સમક્ષ યોજાનાર ભવ્ય અન્નકૂટના દર્શન સવારે 10 થી સાંજના 7 વાગ્યા સુધી થશે. સૌના આરોગ્યની જાળવણી થાય અને સૌને સારી રીતે દર્શન થાય તે હેતુથી શહેરના દરેક વિસ્તારોને એક નિશ્ચિત સમયે અન્નકૂટના દર્શન માટે વારાફરતી આવવા માટે સમય આપવામાં આવ્યો છે. પોતાને ફાળવવામાં આવેલ આ સમયગાળા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારના ભક્તો ઠાકોરજી સમક્ષ રચાયેલા અન્નકૂટના દર્શન કરશે.