ગુજરાતમાં વેદાંતા અને ફોક્સકોનના સેમિકન્ડક્ટર અને ગ્લાસ ડિસ્પ્લે પ્લાન્ટ માટે ધોલેરાની 300 એકર જગ્યા ફાઈનલ કરી દેવામાં આવી છે. વેદાંતા અને ફોકસકોને અૌપચારિકતા પૂરી કરવા માટે રાજ્ય સરકારને આ અંગે અરજી કરી છે. જગ્યાની પસંદગી માટે વેદાંતા અને તાઈવાનની ફોકસકોન કંપનીની ટેક્નિકલ ટીમે વડોદરા, બેચરાજી, સાબરકાંઠા, સાણંદ અને ધોલેરા ખાતે જગ્યાઓ જોઈ હતી જેમાં ગ્રીન ફિલ્ડ એપ્રોચની અડચણ ન આવે તેમજ પાવર, વોટરની કનેકટિવીટી મળી રહે તેવી ધોલેરાની જગ્યા પર ફાઈનલ પસંદગી ઉતારી હતી. એકાદ સપ્તાહમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને બીજી તરફ, પ્રોજેકટની મંજૂરી અર્થે પણ બન્ને કંપનીઓ દ્વારા ભારત સરકારને પણ અરજી કરી છે. માર્ચ-2023થી ધોલેરા સાઈટ ખાતે પ્રોજેકટનું કામ શરૂ થઈ જશે.
ગુજરાત સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના સચિવ વિજય નેહરાએ જણાવ્યું કે, વેદાંતા અને ફોક્સકોને પ્લાન્ટ માટે રાજ્યમાં સંભવિત જગ્યાઓના મૂલ્યાંકન માટે વિવિધ સેક્ટર્સના એક્સપર્ટ્સની એક ટીમ બનાવી હતી જેમણે પાંચ અલગ અલગ જગ્યાઓમાંથી ધોલેરા પર પસંદગી ઉતારી હતી.
બંન્મીને પાર્ટનરોએ આ અંગે ચર્ચા કરી હતી અને ઈન્ફ્રાસ્ટ્રકચર અને યુટિલિટી સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે ધોલેરા પર પસંદગી ઉતારી હતી. અગાઉ પણ વેદાન્તા અને ફોક્સકોને વિવિધ દેશોમાં ઘણી બધી સાઇટ્સનું મૂલ્યાંકન કર્યું હતું, પરંતુ જ્યારે ગત ડિસેમ્બરમાં કેન્દ્ર સરકારે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની જાહેરાત કરી ત્યારે બંને કંપનીએ દેશનાં અલગ અલગ રાજ્યોમાં જમીન જોવાનું શરૂ કર્યું હતું અને ત્યાર બાદ તેમણે ગુજરાતને પસંદ કર્યું હતું. ગત 14 સપ્ટેમ્બરે વેદાન્તા અને ફોક્સકોને ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા માટે 1,54,000 કરોડના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા હતા.પ્લાન્ટ માટેની જગ્યા નક્કી કરવા ટીમે સોઇલ ટેસ્ટ, વીજળી, પાણીની વ્યવસ્થા સહિતના 50 પેરામીટર નક્કી કર્યા હતા, જેનો રિપોર્ટ તાઇવાનમાં કંપનીને મોકલ્યો બાદ જગ્યા ફાઈનલ કરી હતી.
પ્રોજેકટ કેવી રીતે કાર્યરત કરાશે તેના માટે દસ સભ્યોની ટીમ બનાવાઈ
વેદાંતાએ ભારત સરકાર સમક્ષ પ્રોજેકટની મંજૂરી માટે અરજી કરી છે. પ્રોજેકટ કેવી રીતે કાર્યરત કરાશે, તેમાં દુનિયાની કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે, કઈ કઈ કંપનીઓ પાસેથી ચિપ લાવવામાં આવશે, ફંડ કેવી રીતે આવશે, બેન્કના વ્યવહારો શું રહેશે, કેવી રીતે કરશે, બેન્કલોન કેવી રીતે મેળવશે આ તમામ પાસાઓની તપાસ માટે ભારતીય મૂળના અને વિદેશોમાં કામ કરતા દસ સભ્યોની કમિટી ભારત સરકાર દ્વારા બનાવવામાં આવી છે. જે કંપનીની ટેક્નિકલ બાબતો અને નાણાકીય બાબતોનો સંપૂર્ણ અભ્યાસ કરશે અને દરેક બાબતો અંગે કરાર થાય તેના પર ભાર મૂકશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી પ્રોજેકટ માટે મંજૂરી આપવામાં આવશે તેમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.