ધરપકડ:ખાનગી ટેલિકોમ કંપનીમાં કોલ ડિટેઈલ લેવા CBIના અધિકારી ખોટી ઓળખ આપનારને વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન- ફાઈલ તસવીર - Divya Bhaskar
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન- ફાઈલ તસવીર
  • કંપનીના નોડલ ઓફિસરને શંકા જતા પોલીસને જાણ કરી હતી
  • સરકારી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપવાના ગુનામાં ધરપકડ
  • એક સંવેદનશીલ તપાસના બહાને કોલ ડિટેઇલ્સ જરૂરી હોવાનું જણાવ્યું

અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે સરકારી અધિકારીની ખોટી ઓળખ આપનારા બે શખસની ધરપકડ કરી છે. પકડાયેલા બન્ને શખસની પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે ગાંધીનગર ડીજી ઓફિસમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)માં કામ કરતા હોવાની ખોટી ઓળખ આપીને ખાનગી ટેલિકોમ કંપનીમાંથી કોલ ડિટેઇલ મેળવવા ગયા હતા. પરંતુ ટેલિકોમ કંપનીના નોડલ ઓફિસરને શંકા જતા પોલીસને જાણ કરાઈ અને પોલીસે બંને વ્યક્તિઓને ઝડપી પાડયા હતા.

ગાંધીનગર ડીજી ઓફિસ આવ્યાની ઓળખ આપી હતી
પોલીસે બે આરોપી કિશન મહેતા અને હિતેશ ચોલ્વિયાની ધરપકડ કરી છે. આ બંને આરોપીને વસ્ત્રાપુર પોલીસે સરકારી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપવાના ગુનામાં ઝડપી પાડ્યા છે. આ બંને શખસો ખાનગી ટેલિકોમ કંપનીમાં જઈ કોલ ડિટેઇલ્સ માંગવા માટે ગયા હતા. અને નોડલ ઓફિસરને જઈને પોતે ડીજી ઓફિસ ગાંધીનગરથી આવ્યા હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, એક સંવેદનશીલ તપાસના બહાને કોલ ડિટેઇલ્સની જરૂરિયાત હોવાનું કહી પોતે CBI ઓફિસર હોવાની ખોટી ઓળખ પણ આપી અને ઉપરી અધિકારીએ આ ડિટેઇલ્સ માંગવા સારું મોકલ્યા હોવાનું કહી મનીષ નામના શખસ સાથે વાત પણ કરાવી હતી. જોકે બન્નેના આઈ કાર્ડ અને વાતચીત કરવાની રીતભાતમાં નોડેલ ઓફિસરને શંકા જતા બંને વ્યક્તિને બેસાડી રાખ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

બંને સામાન્ય નોકરી કરી ગુજરાન ચલાવે છે
એ ડિવિઝનના ઇન્ચાર્જ એસીપી આકાશ પટેલે જણાવ્યું હતું કે, વસ્ત્રાપુર પોલીસે નોડલ ઓફિસરની ફરિયાદના આધારે આરોપી કિશન મહેતા અને હિતેશ ચોલ્વિયાની તાત્કાલિક અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. ત્યારે પ્રાથમિક પૂછપરછ દરમિયાન કેટલીક હકીકત સામે આવી કે આ બંને આરોપીઓ નાની અમથી નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. પરંતુ કોલ ડિટેઇલ્સ માંગવા પાછળ તેમનો ઇરાદો શું હતો? તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી તો સામે આવ્યું કે આરોપીની બહેનને કોઈ વ્યક્તિ ફોન કરતા તે નકલી ઓફિસર બની ગયો અને કોલ ડિટેઇલ માંગવા નીકળી પડ્યો હતો. જોકે પોલીસને આરોપીની આ વાત ગળે ન ઉતરતા રિમાન્ડ માંગી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસના બનાવટી લોગોવાળું આઈકાર્ડ પણ મળ્યું
હાલમાં પોલીસે આ બંને આરોપીઓ પાસેથી બનાવટી પોલીસના લોગોવાળું આઈ કાર્ડ અને પત્રકાર તરીકેની ઓળખ આપતું આઈકાર્ડ કબ્જે કર્યું છે. જેને પગલે આ બંને વ્યક્તિઓની ઉપર વધુ શંકા ઉપજી રહી છે કે કોલ ડિટેઇલ્સ મેળવવા સારું ટેલિકોમ કંપનીમાં ગયેલા આ બંને ફરજી અધિકારી બનેલા આરોપીઓનો હેતુ શું હતો ? પરંતુ તપાસના અંતે જ ખ્યાલ આવશે કે આ ગઠિયાઓ શા માટે પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી અને બનાવટી આઈ કાર્ડ બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...