આંદોલન સ્થગિત:ST નિગમના વિવિધ કર્મચારી મંડળે મુખ્ય માંગો સંતોષાતા વિરોધ કાર્યક્રમો રદ કર્યા

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ST નિગમના કર્મચારીઓની ફાઈલ તસવીર - Divya Bhaskar
ST નિગમના કર્મચારીઓની ફાઈલ તસવીર
  • નિગમના સત્તાધીશો સાથે બેઠકમાં કર્મચારીઓની કેટલીક માંગ સ્વીકારી લેવાઈ

ગુજરાત વાહન વ્યવહાર વિભાગના કર્મચારીઓ પોતાનું આંદોલન હાલ પૂરતુ સ્થગિત રાખ્યું છે. અગાઉ એસ.ટી નિગમ ત્રણ સંગઠનો એટલે કે ગુજરાત રાજ્ય ટ્રાન્સપોર્ટ કર્મચારી મંડળ, એસ.ટી કર્મચારી મહામંડળ, એસ.ટી મજદૂર મહાસંઘે સાથે મળીને પોતાની પડતર માંગણીઓને લઇને આંદોલનની જાહેરાત કરી હતી. જે સંદર્ભે આજે 9મી જૂનથી વિવિધ કાર્યક્રમો મારફતે વિરોધ નોંધાવવાના હતા. પરંતુ નિગમના સત્તાધીશો સાથે બેઠકમાં કેટલીક માંગણીઓને સ્વીકારી લેવામાં આવતા હાલ પૂરતું આંદોલન સ્થગિત રાખવામાં આવ્યું છે.

કર્મચારીઓની સંકલન સમિતિ સાથે બેઠક સફળ રહી
ગુજરાત વાહન વ્યવહાર વિભાગમાં કાર્યરત વર્ગ-3 અને 4ના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે. વિવિધ માંગણીઓ ન સંતોષવામાં આવતા કર્મચારી મંડળ સંકલન સમિતિ દ્વારા 9 જૂનથી 15 જૂન સુધી વિરોધ પ્રદર્શન અને 16મી જૂનથી અચોક્કસ મુદ્દતની માસ સી.એલ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે નિગમના સત્તાધીશો સાથે સંકલન સમિતિની બેઠક થઈ જેમાં કેટલાક મુદ્દાઓ અંગે નિરાકરણ આવતા આંદોલન હાલ પૂરતું સ્થગીત રાખવામાં આવ્યું છે.

ફિક્સ સિવાયના ડ્રાઈવર-કન્ડક્ટરોના ગ્રેડ પે વધારવાની માંગ સ્વીકારાઈ
સંકલન સમિતિની નિગમના સત્તાધીશો સાથે બેઠકમાં મુખ્યત્વે ડ્રાઇવર અને કંડકટરના ગ્રેડ પેનું નિરાકરણ આવ્યું છે. ફિક્સ પગાર સિવાયના ડ્રાઈવરોને 1800ની જગ્યાએ 1900, જ્યારે કંડકટરોને 1650ના સ્થાને 1800નો ગ્રેડ પે આપવાની માંગને સ્વીકારી લેવામાં આવી છે અને તે અંગેનો પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત કર્મચારીઓને અકસ્માત, ટિકિટ ચોરી, બેદરકારી, મારામારી વગેરે પ્રકારના કિસ્સાઓમાં સખત કાર્યવાહીની બાબતમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યા છે. DA એલાઉન્સ, રજાનું રોકડમાં રૂપાંતર વર્ષ 2021નું બોનસ અંગે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે. ઉપરાંત 600 જેટલા કર્મચારીઓ કે જેવો ડ્રાઇવર અને કંડકટર એમ બંને તરીકે ફરજ બજાવે છે, તેમની કોઈ એક જવાબદારી નક્કી કરવા સંદર્ભે સરકારની મંજૂરી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી આંદોલન હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે.

અગાઉ કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ કરવાનું નક્કી કર્યું હતું
અગાઉ સંકલન સમિતિ દ્વારા 9 અને 10 જૂને કાળી પટ્ટી ધારણ કરી કામ કરવું, 11 અને 12 જૂનના રોજ નિગમના કર્મચારીઓ પોતાના નિયત યુનિફોર્મ પહેર્યા વિના કામ કરવું, 13 અને 14 મી જુનના રોજ કર્મચારીઓ પોતાના કામગીરીના સ્થળ પર રિશેષના સમયે સૂત્રોચ્ચાર કરવા, 14મી જૂનના રોજ એસ.ટી નિગમના કર્મચારીઓ સોશિયલ મીડિયા મારફતે પોતાની માંગને લઈ આંદોલનને વેગવંતુ બનાવવું, 15મી જૂને પોતાના લોહીથી વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખવા, તેમ છતાં જો નિકાલ ન આવે તો 16મી જૂનથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની તૈયારી કર્મચારીઓએ દર્શાવી હતી. પરંતુ હવે કેટલીક મહત્વની માગણીઓ સંતોષવામાં આવી છે જેથી આ કાર્યક્રમ નહીં યોજવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...