ફૂલ-છોડની માવજત:પ્રમુખસ્વામી નગરમાં 13 સ્થળોએ જાતભાતના ફૂલ-છોડના બગીચાઓ, સારવારમાં ઓર્ગેનિક તથા ગૌ મૂત્રનો છંટકાવ

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલ દિવસે ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ બદલાતાં જતાં તાપમાનના કારણે માનવીને શરદી, ઉધરસ કે પછી તાવ જેવી બિમારી જોવા મળી રહી છે. તેમની સારવારમાં એલોપેથીની દવાનો મહત્તમ ઉપયોગ થતો હોય છે. તો ઘણાં લોકો આર્યુવેદિક તથા હોમિયોપેથિકનો ઉપયોગ કરે છે. આવી જ રીતે તાપમાનની અસર ફૂલ-છોડને પણ બિમારી થતી હોય છે. આ બિમારીની સારવાર માટે તેમને પણ દવાનો છંટકાવ કરવામાં આવે છે. જેમાં ઓર્ગેનિક પધ્ધતિથી તેમ જ ગૌ મૂત્રથી સારવાર કરવામાં આવે છે.

મૂર્તિથી લઇને અનેક જાત-ભાતની વિશેષતાઓ
પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દિ મહોત્સવ આગામી તા.15મી ડિસેમ્બરથી 15મી જાન્યુઆરી સુધી ભવ્ય રીતે ઉજવાનારો છે. અમદાવાદના આંગણે 600 એકર જમીનમાં મહોત્સવની ઉજવણી થવાની છે. તેમાંથી 200 એકર જમીનમાં પ્રમુખસ્વામી નગર ઊભું કરવામાં આવ્યું છે. તેમાં અક્ષરધામની પ્રતિકુત્તિ રૂપે મંદિર, પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિથી લઇને અનેક જાત-ભાતની વિશેષતાઓ જોવા મળશે. તેમાં આકર્ષણરૂપ બાળનગરી, ગ્લો ગાર્ડન છે. આ ગાર્ડન ઉપરાંત ઠેક ઠેકાણે નીતનવા તથા જાતભાતના ફૂલ-છોડ રોપવામાં આવ્યા છે.

ફૂલ-છોડ પર સમયાંતરે દવાનો છંટકાવ
હાલમાં તાપમાન બદલાઇ રહ્યું છે તેની અસર ફૂલ-છોડને થતી રોકવા માટે સમયાંતરે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમ શનિવારે પ્રમુખસ્વામી નગરની મુલાકાતે ગઇ ત્યારે જોયું તો આ ફૂલ છોડ પર છંટકાવ થતો હતો. પહેલી નજરે તો પાણીનો છંટકાવ થતો હોવાનું લાગે. પરંતુ પૂછતાછ કરતાં માલૂમ પડયું કે પાણી નહીં પરંતુ દવાનો છંટકાવ કરવામાં આવે છે.

વિવિધ પ્રકારના ફૂલ-છોડ રોપવામાં આવ્યા છે: સ્વામી
ત્યાં હાજર સ્વામીને પૂછતાં તેમણે કહ્યું હતું કે, પ્રમુખસ્વામી નગરમાં ગ્લો ગાર્ડન, પ્રમુખસ્વામીની મૂર્તિની ફરતે, અક્ષરધામની આસપાસ ઉપરાંત બાળનગરી તેમ જ મુખ્ય પ્રવેશ દ્વારથી માંડીને પ્રમુખસ્વામી નગરમાં પ્રવેશવા માટે ઊભા કરવામાં આવેલાં અન્ય ગેટ મળીને કુલે 13 જેટલાં સ્થળોએ જાતજાતના અને વિવિધ પ્રકારના ફૂલ-છોડ રોપવામાં આવ્યા છે.

ફૂલ છોડના મોનિટરિંગ કરવા માટે ટેકનીકલ નિષ્ણાંત
આ ફૂલ છોડને પણ માનવીની માફક બદલાતાં જતાં તાપમાનની અસર થઇ શકે છે. તેનાથી તે કરમાઇ જવા તેમ જ સુકાઇ જવાની સંભાવના રહે છે. તેની સતત માવજત તથા જતન કરવામાં આવે છે. તેનું મોનિટરિંગ કરવા માટે ટેકનીકલ નિષ્ણાંતો રાખવામાં આવે છે. જે સતત દરેક ફૂલ-છોડ પર દેખરેખ રાખે છે.

ઓર્ગેનિક તથા ગૌ મૂત્ર તેનો અકસીર ઇલાજ
કયાંક કોઇ ફૂલ છોડને બિમારીની અસર જણાય તો તેના પર જરૂર પડયે દવાનો છંટકાવ કરવામાં આવે છે. ખાસ કરીને ઓર્ગેનિક તથા ગૌ મૂત્ર તેનો અકસીર ઇલાજ છે. તેનો ઉપસોગ કરીને તેની સારવાર કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...