અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સ્વજનો માટે વેલેટ પાર્કિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ તેમના પરિજનો અને મુલાકાતીઓનો ધસારો જોતા તેમની સેવામાં સરળતા ઉપલબ્ધ કરાવવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જનહિતલક્ષી નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સેવામાં કાર્યરત ડ્રાઈવર ત્યાં આવનારા દર્દીના પરિવાર કે સગાંના વાહનને પાર્ક કરી આપશે. આમ લોકોને પાર્કિંગ સ્પેસ શોધવા માટે આમ તેમ ભટકવું નહીં પડે.
4 ડ્રાઈવર મિત્રોની નિમણૂક કરાઈ
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી. બિલ્ડીંગ અસ્મિતા ભવન ખાતે સવારે 8-30 થી સાંજે 4-30 કલાક સુધી વેલેટ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ રહેશે. જેના માટે 4 ડ્રાઇવર મિત્રોની નિમણૂક પ્રાથમિક તબક્કે કરવામાં આવી છે. જરૂર જણાતા વધુ ડ્રાઇવર મિત્રો આ સેવાર્થે કાર્યરત કરવામાં આવશે. વધુમાં પાર્કિંગ પાસે વ્હીલચેર અને ટ્રોલીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઓ.પી.ડી બિલ્ડીંગ પાસે વેલેટ પાર્કિંગની સુવિધા
સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી.માં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં દર્દીઓનો ધસારો જોવા મળે છે. જેના કારણોસર સ્વજનોને પાર્કિંગમાં અગવડ પડતી હોવાનું ધ્યાને આવતા હોસ્પિટલ તંત્ર દ્વારા ઓ.પી.ડી. બિલ્ડીંગ પાસે વેલેટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ટ્રોમા સેન્ટર ખાતે પણ વેલેટ પાર્કિંગની સુવિધા શરૂ કરાશે
દર્દીને ઓ.પી.ડી. બિલ્ડીંગ પાસે બેસાડીને પાર્કિંગમાં દૂર જવું ન પડે તેના માટે ઓ.પી.ડી. બિલ્ડીંગ પાસે જ વેલેટ પાર્કિંગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે પણ વેલેટ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ ડૉ. રાકેશ જોષીએ ઉમેર્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.